You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું શા માટે આપ્યું?
ગુજરાતની સાવલી વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે અને તેને લઈને રાજકારણ ગરમાયું છે.
રાજીનામું આપ્યાની વાત પછી કેતન ઇનામદાર સાથે પક્ષપ્રમુખ જિતુ વાઘાણી, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા વાતચીત કરી રહ્યા છે.
અગાઉ સાવલી વિધાનસભાના ધારાસભ્ય કેતનકુમાર ઇનામદારે લખેલો એક પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો અને એના દ્વારા રાજીનામાની જાણકારી આપવામાં આવી હતી.
વિધાનસભાના અધ્યક્ષને સંબોધીને પત્ર લખાયેલા આ પત્રમાં સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા અવગણના થતી હોવાની ઇનામદારે ફરિયાદ કરી હતી.
પત્રમાં તેમણે લખ્યું હતું, "મારા વિસ્તારના લોકોની કેટલીક મુખ્ય માગણીઓ સંદર્ભે સરકારશ્રી અને વહીવટી તંત્ર દ્વારા સંકલનના અભાવે તેમજ ઉદાસીનતાના કારણે સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપતા નથી."
તેમણે વધુમાં લખ્યું છે કે પ્રજાના પ્રતિનિધિ તરીકે તેમના ધારાસભ્યપદની ગરિમા અને સન્માન નથી જળવાતાં.
તેઓ વધુમાં ઉમેરે છે કે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્યના પદ અને હોદ્દાની અવગણના કરવામાં આવે છે.
તેમણે કહ્યું છે, "સરકાર દ્વારા મારી અને બીજા અનેક ધારાસભ્યોની અવગણના કરવામાં આવે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં સાવલીની બેઠક પરથી કેતન ઇનામદારે જીત મેળવી હતી.
તેમણે કૉંગ્રેસના સાગર બ્રહ્મભટ્ટને 41633 મતથી હરાવ્યા હતા. કેતન ઇનામદારને 97646 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના સાગર બ્રહ્મભટ્ટને 56013 મત મળ્યા હતા
કૉંગ્રેસની પ્રતિક્રિયા
કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહે કહ્યું, "આ હિમશિલાની ટૉચ છે. અનેક ધારાસભ્યો નારાજ છે. કોણ હિંમત કરે છે એની રાહ જોવાય છે. ભાજપ સત્તાના અહંકારથી વર્તી રહી છે. પોતાનો ધારાસભ્ય જો ત્રસ્ત હોય તો પ્રજાની હાલત શું હોય?"
"જ્યાંથી વડા પ્રધાન ચૂંટાયા છે એ જગ્યાએ આંતરિક જૂથબંધી છે કે મહત્ત્વાકાંક્ષા છે એ સવાલ ઊભો થયો છે. સતત જનાદેશ મળવાથી ભાજપમાં અહંકાર છે. આજે સરકારનું ચાલતું નથી, સરકારની વહીવટી તંત્ર પરથી પકડ ઢીલી પડી છે."
ભાજપની પ્રતિક્રિયા
જોકે, ભાજપે રાજીનામું આપવામાં આવ્યું હોવાની વાત આડકતરી રીતે ટાળી છે.
ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું, "વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખીને પોતાના મતવિસ્તારનાં કામો સંદર્ભે નારાજગી વ્યક્ત કરી છે. કેતનભાઈનો સંપર્ક કરીને તેમના પ્રશ્નો રૂબરૂમાં પૂછી તેમની કયા કર્મચારી પ્રત્યે નારાજગી છે તે જાણવામાં આવશે અને તે કર્મચારીનો વિરુદ્ધ કડક પગલાં લેવાશે. તેમની નારાજગી દૂર કરાશે."
કૉંગ્રેસ પર તેમણે કહ્યું કે કૉંગ્રેસે અતિઉત્સાહમાં આવીને જેમતેમ નિવેદન કરવાની જરૂર નથી. અમારા ધારાસભ્યની લાગણી કે વેદના અમે રૂબરૂમાં બોલાવીને સાંભળીશું અને ઉકેલ લાવીશું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો