You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Jagat Prakash Nadda : નવા અધ્યક્ષ સાથે ભાજપમાં નવા યુગની શરૂઆત થઈ રહી છે
- લેેખક, પ્રદીપ સિંહ
- પદ, વરિષ્ઠ પત્રકાર
જગત પ્રકાશ નડ્ડા ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. સ્વભાવથી મૃદુભાષી, સૌને સાથે લઈને ચાલનારા, નિર્મળ સ્વભાવ પસંદ કરનારા અને આરામથી કામ કરનારા જેપી નડ્ડાનાં આગામી ત્રણ વર્ષ કઠિન જવાનાં છે. તેઓ સંગઠનમાં અમિત શાહનું સ્થાન લેશે.
ખેલાડીમાંથી કૅપ્ટન બનાવાયેલા જેપી નડ્ડા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજીક ગણાય છે પરંતુ મોદી અને અમિત શાહ બેઉ સંબંધો કરતાં પરિણામ જુએ છે.
નડ્ડા મિમિક્રીના ઉસ્તાદ છે પરંતુ નવી ભૂમિકામાં એ ગુણ કામ લાગવાનો નથી. રાજકીય કદ વધવાની સાથે એમનું ધ્યાન શારીરિક વજન ઘટાડવા પર છે.
આજકાલ તેઓ બે ટાઇમ જ ખાય છે. વિદ્યાર્થી જીવનમાં તેઓ એનસીસીના સારા કૅડેટ રહી ચૂક્યા છે.
રાજકીય જીવનમાં એમને મહેનતથી વધારે ફળ મળ્યું છે. એમનું રાજકીય રૂપાંતરણ 1992માં બાબરી ધ્વંસ પછી રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ પર પ્રતિબંધ લદાયો એ પછી થયું. એ પછી એમના રાજકીય સ્વભાવમાં થોડી આક્રમકતા આવી.
1993માં તેઓ પહેલી વાર ધારાસભ્ય બન્યા
વર્ષ 1993માં તેઓ પહેલી વાર ધારાસભ્ય બન્યા અને એક જ વર્ષમાં વિપક્ષના નેતા બન્યા.
બીજી અને ત્રીજી વાર જીત્યા પછી હિમાચલ પ્રદેશ સરકારમાં મંત્રી બન્યા. એ પછી કદી વિધાનસભાની ચૂંટણી નથી લડ્યા અને રાજ્યસભાના સભ્ય બન્યા.
હિમાચલ પ્રદેશની રાજનીતિમાં એમણે પ્રેમકુમાર ધૂમલ અને શાંતા કુમારની જૂથબંધીથી અંતર જાળવી રાખ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નરેન્દ મોદી જ્યારે પાર્ટીમાં મહામંત્રી હતા ત્યારે હિમાચલ પ્રદેશના પ્રભારી હોવાને નાતે સતત એમની સાથે રહ્યા હતા. એ વખતની દોસ્તી 2014માં કામે લાગી હતી.
તેઓ સાડા પાંચ વર્ષથી અધ્યક્ષપદની હરીફાઈમાં હતા, પરંતુ અમિત શાહ સામે માત ખાઈ ગયા અને પછી કેન્દ્રીય મંત્રીમંડળમાં આવ્યા.
આ વખતે ફરી નરેન્દ્ર મોદીની જીત થઈ તો જેપી નડ્ડાને મંત્રી ન બનાવાયા. આનાથી તેઓ ઉદાસ હતા પણ થોડા સમય પછી એમને કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવાયા.
એમની વૈચારિક નિષ્ઠા અને બધાને સાથે લઈને ચાલવાની ક્ષમતા પર કોઈને શક નથી.
કોઈ કામ લઈને જાય તો વાતચીતથી સંતૃષ્ટ થઈને જ પરત ફરે. એ અલગ વાત છે કે કામ ક્યારેય થાય નહીં. આનો શિકાર નેતાઓ અને કાર્યકરો સમાનરૂપે છે. નડ્ડા સવાલો ટાળવામાં પાવરધા છે.
એમને જાણકારી બધી જ હોય છે પરંતુ કહે કંઈ નહીં. પત્રકારો સાથે સારી દોસ્તી છે, પરંતુ અમિત શાહની જેમ પાર્ટીની જાણકારી આપવામાં ખૂબ સંયમી છે.
અમિત શાહનો વારસો
એમને જે ભૂમિકા મળી છે એમાં એમનો સ્વભાવ સૌથી મોટો અવરોધ છે.
એમનું દુર્ભાગ્ય કહો કે સૌભાગ્ય, એમને આ જવાબદારી અમિત શાહ પછી મળી છે. સૌભાગ્ય એટલા માટે કે અમિત શાહે છેલ્લા સાડા પાંચ વર્ષમાં સંગઠનનું માળખું જ નહીં કાર્યસંસ્કૃતિ પણ બદલી નાખી છે.
જૂના લોકોની ફરિયાદ છે કે આ પહેલાંનું ભાજપ નથી રહ્યું. નવા લોકો ખુશ છે કે મોદી-શાહની નવી કાર્યસંસ્કૃતિએ પાર્ટીમાં જીતની ભૂખ જગવી દીધી છે.
હવે ચૂંટણી હાર્યા પછી મોટા નેતાઓ ફિલ્મ જોવા નથી જતા. હારવું ખરાબ લાગે છે અને જીતનો જશ્ન મનાવાય છે.
નડ્ડાનું દુર્ભાગ્ય એ છે કે અમિત શાહે જે રેખા ખેંચીને આપી છે એને મોટી કરવામાં એડીચોટીનું જોર લગાવવું પડશે અને તો પણ સફળતાની કોઈ ગૅરંટી નથી.
હિમાચલ પ્રદેશમાં કે કેન્દ્રમાં પોતાના કામકાજથી નડ્ડા કોઈ છબિ છોડવામાં સફળ નથી રહ્યા. એમનું પર્ફૉર્મન્સ સરેરાશ દરજ્જાનું રહ્યું છે.
હિમાચલમાં કે દેશનાં અન્ય રાજ્યોમાં ભાજપની ભાઈસાહેબવાળી જે સંસ્કૃતિ રહી છે તે હવે નથી ચાલવાની. નડ્ડા એ રાજકીય સંસ્કૃતિમાં ઉછર્યા છે.
અમિત શાહને એ લાભ હતો કે તેઓ પહેલેથી જ મોદીની કાર્યસંસ્કૃતિનો હિસ્સો હતા. એટલે નડ્ડા સામે પડકારો અનેક છે.
ગૌતમ બુદ્ધની એક વાર્તા છે. એક વાર બુદ્ધ પાસે એક વ્યક્તિ આવી અને કહ્યું કે ખૂબ સંકટમાં છું, કંઈક ઉપાય બતાવો. બુદ્ધે બેસવાનો ઇશારો કર્યો.
તે વ્યક્તિ થોડો સમય આંખો બંધ કરીને બેસી રહી. પછી આંખોમાંથી આંસુ વહેવાં લાગ્યાં. થોડી વાર પછી વ્યક્તિ ઊભી થઈ અને ઉપાય મળી ગયો એમ બોલીને જતી રહી.
બુદ્ધના પિતરાઈ ત્યારે ત્યાં હાજર હતા. એમણે પૂછ્યું કે તમે કંઈ બોલ્યા નથી તો આ શું થયું?
બુદ્ધે કહ્યું કે તમે સારા ઘોડેસવાર છો એટલે ઘોડાનું ઉદાહરણ આપું છું. ઘોડા ત્રણ પ્રકારના હોય છે. એક, ચાબુક મારવાથી ચાલે છે.
બીજો, ચાબુક લહેરાવવાથી ગતિ પકડી લે છે અને ત્રીજો માલિકની એડીનો ઈશારો સમજે છે. આ જ રીતે મનુષ્યો ત્રણ પ્રકારના હોય છે અને આ વ્યક્તિ ત્રીજા પ્રકારની હતી.
અમિત શાહની એ ખૂબી હતી કે તેઓ વડા પ્રધાનનો ઇશારો સમજતા હતા એટલે એમને પાર્ટી ચલાવવામાં કે મોટા નિર્ણયો લેવામાં તકલીફ ન પડી. શું નડ્ડા એવું કરી શકશે?
લોકસભાની ચૂંટણીમાં આ વખતે નડ્ડાએ ઉત્તર પ્રદેશની જવાબદારી સંભાળી હતી.
કોઈ ચર્ચામાં પાર્ટીના એક નેતાએ અમિત શાહને નડ્ડાના સ્વભાવ વિશે પૂછ્યું તો અમિત શાહે ટૂંકો જવાબ આપતા કહ્યું હતું કે નડ્ડા સુખી જીવ છે. હવે આનો અર્થ તમે તમારી રીતે કાઢી શકો છો.
બે સવાલો ઊભા થાય છે. નડ્ડાનો સ્વભાવ જાણવા છતાં તેમને આટલી મોટી જવાબદારી આપવામાં કેમ આવી રહી છે? અને આની સાથે સંકળાયેલો બીજો સવાલ છે કે, શું અમિત શાહ હવે પરદા પાછળથી પાર્ટી ચલાવશે?
પહેલા બીજા સવાલનો જવાબ. ના, એવું નહી થાય. નડ્ડાને કામ કરવાની પૂરી છૂટ મળશે.
મોદી અને શાહની છેલ્લાં પાંચ વર્ષની કાર્યશૈલી જુઓ તો જેને જવાબદારી સોંપી છે તેના પર પૂરો ભરોસો કર્યો છે અને એમના કામમાં હસ્તક્ષેપ નથી કર્યો.
ભલે ને પછી તે મુખ્ય મંત્રી હોય કે પ્રદેશ અધ્યક્ષ. એમના ખરાબ સમયમાં પણ સાથે રહ્યા છે.
હવે પહેલા સવાલનો જવાબ. આ નિર્ણય એક-બે દિવસ કે એક-બે મહિનામાં નથી લેવાયો. આ દૂરોગામી રણનીતિ સમજીવિચારીને લેવામાં આવેલો નિર્ણય છે.
જેપી નડ્ડાને અધ્યક્ષ બનાવવાનો નિર્ણય ખૂબ પહેલા વિચારવામાં આવ્યો હતો. એટલે જ રામ લાલને હઠાવીને કર્ણાટકના બીએલ સંતોષને સંગઠનના રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા.
સંતોષ નડ્ડાથી સાવ વિપરીત સ્વભાવના છે. હાર્ડ ટાસ્ક માસ્ટર છે. પરિણામમાં કોઈ ઢીલ નથી રાખતા. કડક સ્વભાવ એમની રણનીતિ નહીં ખાસિયત છે.
નડ્ડા અને સંતોષની જોડી એકબીજાની પૂરક છે. જ્યાં જેપી નડ્ડાના મૃદુ સ્વભાવથી કામ નહીં થાય ત્યાં આંગળી વાંકી કરવા માટે બીએલ સંતોષ છે.
હવે સંગઠનનું નીચેનું કામ એ જ જોશે અને બીએલ સંતોષ પર મોદી-શાહનો જ નહીં સંઘનો પણ હાથ છે એટલે એ રીતે પાર્ટીમાં નવા સમયની શરૂઆત થવાની છે.
વિરોધીઓ ભાજપ બે લોકોની પાર્ટી છે એવું કહેતા હોય છે અને એ સાચું માનીએ તો હવે તે ચાર લોકોની પાર્ટી બનવા જઈ રહી છે અને આ વિરોધીઓ માટે સારા સમાચાર નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો