#bbciswoty : સાક્ષી મલિકને હરાવનારાં મહિલા પહેલવાનની કહાણી

    • લેેખક, સત સિંહ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

18 વર્ષનાં પહેલવાન સોનમ મલિકે હાલમાં જ રિયો ઑલિમ્પિકમાં કાંસ્યચંદ્રક જીતીને પાછાં ફરેલાં સાક્ષી મલિકને હરાવી દીધાં. હવે તેઓ ઑલિમ્પિક ક્વૉલિફાયર્સ માટે દાવ લગાવવાનાં છે. આ સફળતા સુધી પહોંચતા તેણે બહુ લાંબી સફર ખેડી છે.

સોનીપતના મદીના ગામના પહેલવાન રાજેન્દર મલિકને લોકો રાજ પહેલવાનના નામે જાણે છે. થોડાં વર્ષોથી તેઓ પોતાનાં પુત્રી સોનમ માટે કઈ રમત અપનાવવી તેના માટે વિચાર કરી રહ્યા હતા.

તેમના મનમાં હતું કે કુસ્તી સિવાયના બીજા કોઈ પણ ખેલ માટે વિચારવું. તેઓ પોતે કુસ્તી લડતા આવ્યા હતા અને માસ્ટર ચંદગી રામના દિલ્હીના જાણીતા અખાડામાં તાલીમ પણ લીધી હતી.

રાજેન્દર કહે છે, "મને અફસોસ હતો કે હું ક્યારેય દેશ માટે રમી શક્યો નહીં, કેમ કે રાષ્ટ્રીય ગેમ્સ પહેલાં મને ઈજા થઈ અને મારી સમગ્ર મહેનત પાણીમાં ગઈ. મારા ઘણા સારા દોસ્તો પણ ઈજાને કારણે કરિયર બનાવી શક્યા નહીં. હું મારી દીકરી સાથે પણ એવું થાય તેમ ઇચ્છતો નહોતો"

આ રીતે શરૂ થઈ સોનમની કુસ્તીની સફર

સોનમમાં સૈનિક કાકા અને તેમના પિતાના નાનપણના દોસ્ત અજમેર મલિકે 2011માં પોતાના ખેતરમાં અખાડો તૈયાર કરીને કોચિંગ દેવાનું શરૂ કર્યું હતું.

રાજેન્દર દોસ્તને મળવા અને સોનમને સવારે ફરવા લઈ જવા માટે અજમેરના અખાડામાં આવતા હતા.

ધીમેધીમે અજમેરી મલિકની આકરી મહેનત, ધગશ અને ટ્રેનિંગની સ્ટાઇલને કારણે રાજેન્દ્ર પહેલવાન ફરી વાર કુસ્તી કરતા થયા.

કુસ્તીમાં પોતાનાં દીકરીના ભવિષ્ય માટે વિચારવા લાગ્યા. અજમેર પોતાના અખાડામાં માત્ર છોકરાઓને ટ્રેનિંગ આપતા હતા. તેના કારણે શરૂઆતમાં સોનમે છોકરાઓ સાથે જ આકરી ટ્રેનિંગ કરવા મળી હતી.

એમ સોનમ કહે છે, "કોચ અજમેરે મારી ટ્રેનિંગ એકદમ સૈનિકની જેમ કરાવી હતી. મને છોકરાઓની જેમ જ તાલીમ આપી હતી. કોચસાહેબ કહેતા કે મેટ પર પહોંચ્યા પછી કોઈ જાતની બેદરકારી ચાલશે નહી."

મહેન રંગ લાવવા લાગી

સોનમે કહ્યું કે નાનપણમાં સ્કૂલમાં એકવાર તેઓ સ્પોર્ટ્સમાં પ્રથમ ક્રમાંકે આવ્યાં હતાં. આઈપીએસ સુમન મંજરીએ તેમના પિતા સાથે તેમનું પણ સન્માન કર્યું હતું.

"મેં તે દિવસે જ નક્કી કરી લીધું હતું કે આઈપીએસ મંજરી જેવો રુઆબ હોવો જોઈએ. તે પછી મેં શાળા, જિલ્લા અને રાષ્ટ્રીય લેવલે સામેવાળા પહેલવાનને હરાવવામાં જરા પણ સમય બગાડ્યો નહીં."

ત્યાંથી શરૂ થયેલા સીલસીલા બાદ સોનમ પાંચ વાર 'ભારતકેસરી' બન્યાં હતાં. સેનામાંથી સુબેદાર તરીકે નિવૃત્ત થયેલા અજમેર કહે છે કે સોનમ પોતાની ઉંમર અને અનુભવ કરતાં ઘણા વધારે જાણીતાં પહેલવાનોને હરાવી ચૂક્યાં છે.

મોટા અને શક્તિશાળી પહેલવાનના દબાણમાં આવ્યા વિના તેનો સામનો કરવો એ સોનમની ખાસિયત છે. સોનમ કહે છે કે પોતે દરેક સ્પર્ધામાં 100 ટકા કોશિશ કરે છે.

મુશ્કેલ સમય

2013માં રાજ્ય સ્તરના એક મુકાબલા વખતે સોનમનો ડાબો હાથ કામ કરતો બંધ થઈ ગયો હતો.

તેમના પિતા અને કોચને લાગ્યું કે આ મામૂલી ઈજા છે. સોનમના જણાવ્યા અનુસાર, "અમે કેટલાક દેશી ઉપાયો કર્યા. પરંતુ ધીમેધીમે હાથ નકામો થવા લાગ્યો હતો અને એક દિવસ હાથે કામ કરવાનું જ બંધ કરી દીધું."

રોહતકના એક સ્પેશિયાલિસ્ટ હાથ બતાવ્યો ત્યારે તેમણે ચેતવણી આપી કે સોનમે હવે કુસ્તીને ભૂલવી પડશે. તે વખતે પિતા રાજેન્દરને પણ લાગ્યું કે દીકરી માટે કુસ્તી પસંદ કરવી એ ભૂલ હતી. આસપાસના લોકો પણ ટોણાં મારવા લાગ્યા કે સોનમને કોણ પરણશે.

"જોકે, દસ મહિનાની સારવાર દરમિયાન પણ અમે મેદાન છોડ્યું નહોતું. સોનમ હાથના બદલે પગથી પ્રૅક્ટિસ કરતી રહી હતી, કેમ કે કુસ્તીમાં પગનો ઉપયોગ પણ મહત્ત્વનો હોય છે. તે કોઈ પણ ભોગે મેદાન છોડવા માગતી નહોતી. દસ મહિનાની સારવાર પછી ડૉક્ટરે સોનમને ફરી ફિટ જાહેર કરી તે પછી સોનમે ક્યારેય પાછું ફરીને જોયું નથી," એમ રાજેન્દર કહે છે.

સોનમ આજે પણ કોચ અજમેર મલિકની વાતને યાદ કરે છે કે પહેલવાનીમાં ઈજા થાય તે શોભા છે, તેનાથી ગભરાવાની જરૂર ના હોય.

શું સોનમનું સપનું?

સોમને 62 કિલો વજનની શ્રેણીમાં જવાનું નક્કી કર્યું ત્યારે ઘણાએ ચેતવણી આપી હતી કે આ શ્રેણીમાં આગળ વધવું મુશ્કેલ છે, કેમ કે તેમાં ઑલિમ્પિક મેડલિસ્ટ સાક્ષી મલિક રમે છે.

"પણ મારી જિદ હતી કે મારે આ જ શ્રેણીમાં રમવું છે, કેમ કે સામે સાક્ષી મલિક છે. સાક્ષી મલિકને હરાવી દઉં તો મારા માટે ઑલિમ્પિક મેડલ પાકો થઈ જાય અને એવું જ થયું," એમ સોમન યાદ કરતાં કહે છે.

સોનમ હવે ઑલિમ્પિક ટ્રાયલ માટેની તૈયારી કરી રહ્યાં છે.

"મેં સાક્ષીને હરાવી છે, એટલે કમસે કમ ઑલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ તો લઈને જ આવીશ," એમ સોનમ મલિક કહે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો