You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
RSSની 'બે બાળકો'વાળી યોજના કેટલી કારગત નીવડશે?
- લેેખક, કમલેશ
- પદ, બીબીસી સંવાદદાતા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે હાલમાં જ નિવેદન આપ્યું હતું કે હવે આગામી સમયમાં તેમની યોજના સમગ્ર દેશમાં બે બાળકોનો કાયદો લાગુ કરવાની છે.
તેમણે આ વાત કરવાની સાથે સ્પષ્ટતા પણ કરી હતી કે આ સંઘની યોજના છે, પરંતુ યોજના પર આખરી નિર્ણય સરકારે લેવાનો રહેશે.
જણાવી દઈએ કે દેશમાં પ્રથમ વખત 'બે બાળકો'નો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.
ગયા વર્ષે ઑક્ટોબર માસમાં આસામમાં નિર્ણય લેવાયો હતો કે જે વ્યક્તિનાં બે કરતાં વધારે બાળકો હશે, તેઓ વર્ષ 2021 પછી સરકારી નોકરી મેળવવા માટે લાયક નહીં ગણાય.
આ સિવાય દેશમાં હાલ 11 રાજ્યમાં બે બાળકનો કાયદો લાગુ કરાયેલો છે.
હાલ આ રાજ્યોમાં લાગુ આ કાયદાનો પરિઘ સીમિત છે.
જેમ કે, ગુજરાત, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને ઓરિસ્સામાં આ નિયમ માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો સુધી સીમિત છે.
જોકે, મહારાષ્ટ્રમાં પણ બે બાળકો કરતાં વધારે બાળકો ધરાવનાર વ્યક્તિને સરકારી નોકરી માટે ગેરલાયક ગણવાનો નિયમ અમલમાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજસ્થાનમાં તો આ નિયમ અંતર્ગત બે કરતાં વધારે બાળકો ધરાવનાર વ્યક્તિ સરકારી નોકરી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો અધિકાર ગુમાવે છે.
જોકે, મધ્ય પ્રદેશમાં વર્ષ 2005માં બે બાળકોવાળી વ્યક્તિને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ઉમેદવારી માટે ગેરલાયક ઠરાવતા આ નિયમને હઠાવી દેવાયો હતો.
એ સમયે રાજ્યમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં આ કાયદો લાગુ ન થતો હોવાનો મુદ્દો ઉઠાવાયો હતો.
વિવાદાસ્પદ નીતિ
જોકે, વધુ વસતિ ધરાવતાં રાજ્યો જેમ કે, ઉત્તર પ્રદેશ અને બિહારમાં આ પ્રકારનો કાયદો લાગુ નહોતો કરી શકાયો.
નોંધનીય છે કે જ્યારે-જ્યારે આ નિયમ અંગેની ચર્ચા શરૂ થઈ છે, ત્યારે આ નિયમના અમલીકરણ બાબતે વિવાદ સર્જાયો છે.
આ વિવાદમાં આ નિયમ લાગુ કરવાની સામે રહેલા પડકારો અંગે ચર્ચા થવા લાગે છે.
તેમજ સરકાર પર આ નિયમ દ્વારા મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવાનો આરોપ પણ લગાવાય છે.
ઑક્ટોબરમાં જ આસામમાં લાગુ કરાયેલા આ કાયદા અંગે ઑલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રંટના અધ્યક્ષ બદરુદ્દીન અજમલે કહ્યું હતું કે, આસામ સરકારનો આ નિર્ણય મુસ્લિમોને બાળકો પેદા કરતાં ન અટકાવી શકે.
આ વિવાદ બાદ ભાજપના નેતા મનોજ તિવારીએ સ્પષ્ટતા કરી હતી કે, આ નીતિ કોઈ વિશેષ સમુદાયની વિરુદ્ધ નથી અને બદરુદ્દીન અજમલ એક 'સારી યોજના'ને અકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
ગયા વર્ષે રાજ્ય સભામાં ભાજપના સાંસદ અને RSSના વિચારક રાકેશ સિંહાએ સંસદમાં 'જનસંખ્યા વિનિયમન વિધેયક, 2019' રજૂ કર્યું હતું.
આ વિધેયકમાં બે કરતાં વધારે બાળકો પેદા કરનાર વ્યક્તિ પર કાર્યવાહી કરવાનો અને તેને તમામ સરકારી લાભોથી વંચિત કરી દેવાનો પ્રસ્તાવ હતો.
બે બાળકોવાળીની નીતિ ફરજિયાત બનાવી દેવાની સંઘ અને કેટલાંક અન્ય સંગઠનોની માગનાં રાજકીય કારણો ગણાવવાની સાથે, આ નિયમની સરખામણી 'ચીનની એક બાળકવાળી નીતિ' સાથે પણ કરાય છે.
આ નીતિના ફાયદા અને મર્યાદાની પણ ચર્ચા કરવામાં આવે છે.
આવી પરિસ્થિતિમાં અમે જાણવાનો પ્રયત્ન કર્યો કે આ વિવાદો વચ્ચે ભારતમાં આ નીતિ લાગુ કરવું કેટલું વ્યાવહારિક છે અને તેનો પ્રભાવ કેવો રહેશે?
કડક કાયદો લાભદાયક?
ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર પૉપ્યુલેશન સાયન્સિઝ, મુંબઈમાં જનસંખ્યા નીતિ અને કાર્યક્રમ વિભાગના પ્રમુખ ડૉ. બલરામ પાસવાન કહે છે કે કોઈ પણ નવો નિયમ લાગુ કરતાં પહેલાં વસતિવધારાનાં કારણો પર ધ્યાન આપવું જરૂરી છે.
ડૉ. બલરામ પાસવાન જણાવે છે : "જ્યારે ભારત આઝાદ થયું હતું ત્યારે 1950માં સરેરાશ પ્રજનનદર છની આસપાસ હતો. એટલે કે એક મહિલા સરેરાશ છ બાળકોને જન્મ આપતી હતી."
"પરંતુ હવે પ્રજનનદર ઘટીને 2.2 થઈ ગયો છે. તેમજ હવે આ દર રિપ્લેસમૅન્ટ લેવલ પર પહોંચવાનો છે."
"પરંતુ આ પરિસ્થિતિ તમામ રાજ્યો માટે સમાન નથી."
"દક્ષિણ ભારતમાં તો સામાન્ય પરિસ્થિતિ છે, પરંતુ હિંદીભાષી વિસ્તારોમાં પ્રજનનદર હજી પણ ત્રણની આસપાસ છે."
ભારતમાં પ્રજનનદર હજુ સુધી 2.1 ટકાના સરેરાશ રિપ્લેસમૅન્ટ રેટ સુધી નથી પહોંચ્યો. રિપ્લેસમૅન્ટ રેટ એ એવી સ્થિતિ દર્શાવે છે જ્યારે જન્મ અને મૃત્યુદર સમાન હોય.
નીતિ આયોગ પ્રમાણે વર્ષ 2016માં ભારતમાં પ્રજનનદર 2.3 હતો.
પરંતુ, બિહારમાં આ દર 3.3 ટકા, ઉત્તર પ્રદેશમાં 3.1 ટકા, મધ્ય પ્રદેશમાં 2.8 ટકા, રાજસ્થાનમાં 2.7 ટકા અને ઝારખંડમાં 2.6 ટકા આસપાસ છે.
આ સિવાય વર્ષ 2016માં કેરળ, કર્ણાટક, પંજાબ, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં આ દર બે ટકા કરતાં પણ વધુ ઘટી ગયો હતો.
વિશ્વ બૅન્કે વર્ષ 2017માં ભારતનો સરેરાશ પ્રજનનદર 2.2 રહેવાનો અંદાજ કર્યો હતો.
કેમ થાય છે વસતિવધારો?
ડૉ. બલરામ પાસવાન જણાવે છે : "વસતિવધારાનાં મુખ્ય ચાર કારણો છે."
"પ્રથમ એ કે આપણા દેશમાં પ્રજનન આયુવર્ગમાં આવતી મહિલાઓની સંખ્યા ખૂબ જ વધુ છે."
"જો તમે બે બાળકોવાળો આ કાયદો લાગુ કરી દેશો, તો પણ તેનાથી વસતિનિયંત્રણમાં વધુ મદદ નહીં મળી શકે."
"આ વર્ગની મહિલાઓ જો એક બાળકને પણ જન્મ આપશે તો આબાદીમાં મસમોટો વધારો થશે."
"બીજું કારણ એ છે કે આપણા દેશમાં અનિચ્છિત ગર્ભધારણની સમસ્યા પણ વ્યાપક છે."
"લોકો પણ ઇચ્છે છે કે તેમને બે કરતાં વધારે બાળક પેદા નથી કરવાં, પરંતુ તેઓ અનિચ્છિત ગર્ભધારણની સમસ્યાથી બચવા માટે ગર્ભનિરોધકનો ઉપયોગ નથી કરતા."
"આથી અનિચ્છિત ગર્ભધારણની સમસ્યાનો સામનો કરવો પડે છે."
"નેશનલ ફેમિલી હોલ્થ સરવે દરમિયાન દેશમાં 12 થી 13 ટકા દંપતીમાં અનિચ્છિત ગર્ભધારણ જોવા મળ્યું છે."
"આવા લોકોમાં જાગૃતિ ફેલાવીને તેમને બે બાળકો રાખવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે."
ડૉ. પાસવાન ઉમેરે છે, "ત્રીજું કારણ બાળમૃત્યદરમાં ઘટાડો થયો છે, પરંતુ હજુ પણ કેટલાક સમુદાયો એવા પણ છે, જેમાં બાળમૃત્યદર વધુ છે."
"તેઓ જુએ છે કે તેમના સમુદાયમાં ઘણાં બાળકો એક વર્ષની અંદર જ મૃત્યુને ભેટી જતાં હોય છે. આ ડરના કારણે પણ તેઓ વધારે બાળકો પેદા કરે છે."
"પછી વધારે બાળકોને જન્મ આપવાને કારણે માતા અને શિશુના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે અને આ સમસ્યા એક વિષચક્ર બની જાય છે."
"ચોથું કારણ એ છે કે, ઘણા વિસ્તારોમાં હજુ પણ 18 કરતાં ઓછી ઉંમરની છોકરીઓનાં લગ્ન થઈ જતાં હોય છે."
"આ કારણે આ છોકરી પોતાના પ્રજનન આયુ દરમિયાન વધારે બાળકોને જન્મ આપે છે."
"આ સમસ્યાઓના નિરાકરણ માટે કામ કરવાની જરૂર છે, કાયદો લાવવા માત્રથી કોઈ ફાયદો નહીં થાય."
"જો સરકાર આ કારણો દૂર કરી શકે તો પણ વસતિવધારા પર નિયંત્રણ મેળવી શકાય છે."
"કોઈ પણ નીતિ ખરાબ નથી હોતી, બસ તેને સારી રીતે લાગુ કરવાની જરૂર હોય છે."
"જેવી રીતે ચીનમાં એક બાળકની નીતિથી ફાયદો થયો છે, તેમ ભારતમાં પણ બે બાળકોવાળી નીતિ ફાયદાકારક સાબિત થઈ શકે છે."
"પરંતુ આ નીતિ લાગુ કરતા પહેલા લોકોને જાગૃત કરવાની જરૂર છે, નહીંતર તેમની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે."
લિંગપ્રમાણ પર વિપરીત અસર
દિલ્હી યુનિવર્સિટીના સોશિયલ વર્ક વિભાગનાં આસિસ્ટન્ટ પ્રોફેસર પુષ્પાંજિલી ઝા જણાવે છે કે ભારત કડક નિયમોથી સરળ નિયમો તરફ આગળ વધ્યું છે.
તેઓ જણાવે છે : "શરૂઆતથી જ ભારતમાં નાના પરિવારના વિચારને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે."
"પહેલાં આ લક્ષ્ય આધારિત હતું એટલે કે નિશ્ચિત સંખ્યામાં લોકોની નસબંદી કરવાની છે."
"આ પ્રક્રિયામાં મહિલાઓને માત્ર એક શરીર સ્વરૂપે જોવામાં આવતું હતું."
"પરંતુ, ત્યાર બાદ વૈશ્વિક સ્તરે કેટલાક ફેરફાર થયા અને ભારતમાં પણ વિચાર કરવામાં આવ્યો કે આ વ્યવસ્થા પરાણે લાગુ ન કરી શકાય."
"પછી તેને માગઆધારિત બનાવી લોકો સમક્ષ વિકલ્પ મૂકવામાં આવ્યા."
"ચીનમાં પણ પહેલાં આ વ્યવસ્થા કડકપણે લાગુ કરાઈ."
"તેના કારણે લિંગપ્રમાણની સમસ્યા સર્જાઈ."
"છોકરાઓની સરખામણીએ છોકરીઓની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ."
"ભારતમાં પણ કંઈક આવું જ થયું, નાના પરિવારને પ્રોત્સાહન આપવાની નીતિના કારણે વસતિમાં છોકરીઓની સંખ્યા ઓછી થઈ ગઈ."
"તેથી આ નીતિને લાગુ કરતા પહેલા છોકરીઓને બચાવવાની વાત પર પણ ધ્યાન આપવું જોઈએ."
ડૉ. બલરામ પાસવાન જણાવે છે કે ભારતની વસતિવધારાને નિયંત્રણમાં રાખવાની નીતિ ચીન જેવી મજબૂત નથી રહી.
તેઓ જણાવે છે કે આ નીતિ એટલા માટે કડકપણે સમગ્ર દેશમાં લાગુ નથી કરી શકાતી કે ભારતમાં ઘણા પ્રકારના જુદા જુદા સમુદાયો છે.
કોઈને આ નિર્ણય ગમશે અને કોઈને નહીં.
તેથી કોઈ સરકાર નહીં ઇચ્છે કે એકને રાજી કરે અને બીજાને નહીં.
તેથી જો આ કાયદો લાગુ કરતા પહેલાં વસતિવધારાનાં કારણો પર ધ્યાન આપવું જરૂરી છે.
પુષ્પાંજિલી ઝા આ કાયદા પાછળના સરકારના ઇરાદા પર શંકા વ્યક્ત કરતાં કહે છે :
"એવું લાગે છે કે આ કાયદા મારફતે પણ લઘુમતીમાં રહેલા લોકોને જ નિશાન બનાવાશે."
"આવા કોઈ પણ કાયદાને અમુક સમુદાય પર નહીં, પરંતુ સમગ્ર સમાજ પર લાગુ કરવો પડશે."
"બે બાળકો માટેના કાયદા અંતર્ગત કોઈને કેટલી હદે મજબૂર કરી શકો છો?"
"જો સરકાર વસતિવધારા પર નિયંત્રણ મેળવવા માગતી હોય તો એવા દેશોનાં ઉદાહરણો પરથી શીખ લેવી જોઈએ, જ્યાં કોઈ પણ પ્રકારના કડક નિયમો લાગુ કર્યા વિના વસતિવધારા પર નિયંત્રણ મેળવી શકાયું છે."
"સરકારે લોકોમાં જાગૃતિ ફેલાવવી જોઈએ, શિક્ષિત કરવા જોઈએ તેમજ વિકાસની પહોંચ નીમ્ન સ્તર પર રહેલા લોકો સુધી હોવી જોઈએ, જેથી લોકોને ઓછાં બાળકોવાળા પરિવારનું મહત્ત્વ સમજાય."
ચીનને કેટલો ફાયદો થયો?
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી કરાયેલ વિશ્વ જનસંખ્યા અનુમાન પ્રમાણે વર્ષ 2027 સુધી ભારતની અનુમાનિત જનસંખ્યા ચીન કરતાં પણ વધી જશે.
હાલ ભારતની વસતિ 133 કરોડની આસપાસ છે અને ચીનની વસતિ 138 કરોડ છે.
1979માં ચીનમાં પણ એક બાળકની નીતિ અપનાવવામાં આવી હતી, પરંતુ વર્ષ 2015માં આ નીતિ રદ કરી દેવાઈ.
આ દરમિયાન ચીનને કેટલાક ફાયદા તો થયા, પરંતુ આ નિયંત્રણના કેટલાક ખરાબ પ્રભાવ પણ જોવા મળ્યા.
ડૉ. બલરામ પાસવાન જણાવે છે : "ચીનમાં એક બાળકવાળા કાયદાના કારણે લિંગપ્રમાણની સમસ્યા વિકટ બની ગઈ."
"છોકરાઓની સરખામણીએ છોકરીઓની સંખ્યા ઓછી થવા લાગી હતી, કારણ કે લોકો એક બાળકમાં છોકરાને જ મહત્ત્વ આપી રહ્યા હતા."
"તેમજ બીજી તરફ ચીનની વસતિ વૃદ્ધ થવા લાગી એટલે ત્યાં યુવાન લોકોની સંખ્યા ઓછી થવા લાગી અને વૃદ્ધોની સંખ્યા વધી ગઈ."
"આ સિવાય લોકોની ઘડપણ દરમિયના સારસંભાળ કરનાર કોઈ ન રહ્યું."
"જોકે, ચીનને આ નીતિના કારણે લાભ પણ થયા છે, એ વાતે કોઈ બેમત નથી."
ચીનમાં એક બાળકની નીતિ તમામ લોકો પર લાગુ નહોતી કરાઈ. જેમ કે હૉન્ગ-કૉન્ગ અને દક્ષિણ-પશ્ચિમ ચીનના ખાસ સમુદાયો પર આ નીતિ લાગુ નહોતી કરાઈ.
ચીનના જે નાગરિકો વિદેશમાં રહેતા હતા તેમની પર પણ આ નીતિ લાગુ નહોતી કરાઈ.
તે સિવાયના તમામ નાગરિકો પર આ નીતિ કડકપણે અમલમાં મુકાઈ.
ચીનમાં આ નિયમના ભંગ માટે સરકારી નોકરી પર પ્રતિબંધ અને દંડ જેવી જોગવાઈઓ હતી.
ડૉ. બલરામ પાસવાન જણાવે છે કે એક બાળકની નીતિની કડક જોગવાઈઓને કારણે જ ચીને આ નીતિ હઠાવવી પડી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો