You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મધ્ય પ્રદેશનાં ડેપ્યુટી કલેક્ટર પ્રિયા વર્મા કેમ ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે?
રવિવાર મોડી સાંજથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા કેટલાક પ્રદર્શનકારીઓને ખદેડતાં દેખાઈ રહ્યાં છે.
વીડિયોમાં થોડી વાર બાદ આ જ મહિલા એક પ્રદર્શનકારીને પકડતાં દેખાય છે, ત્યાર પછી તેઓ એ પ્રદર્શનકારીને તમાચો મારતાં દેખાઈ રહ્યાં છે.
આ મહિલા ખરેખર તો મધ્ય પ્રદેશના રાજગઢનાં ડેપ્યુટી કલેક્ટર પ્રિયા વર્મા છે.
રાજગઢમાં કલમ 144 લાગુ હોવા છતાં ભાજપના કાર્યકરોએ બરૌરા કસબામાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં રેલી કાઢી હતી.
ત્યાર બાદ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી.
નીચેનો વીડિયો આ ઘર્ષણ દરમિયાન બનેલી ઘટનાઓનો જ છે.
ભાજપના કાર્યકરો વિરુદ્ધ કાર્યવાહી
આ વીડિયો સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા પણ જારી કરાયો હતો.
આ વીડિયોમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થઈ રહેલું ઘર્ષણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રિયા વર્મા પણ ત્યાં હાજર હતાં અને આ ઘર્ષણ દરમિયાન જ એક વ્યક્તિએ તેમના વાળ ખેંચ્યા હતા.
21 વર્ષની ઉંમરે ડીએસપી બનેલાં પ્રિયા વર્મા ઇન્દૌર પાસે આવેલા એક ગામ માંગલિયાનાં રહેવાસી છે.
તેમણે વર્ષ 2014માં મધ્ય પ્રદેશ લોક સેવા આયોગની પરીક્ષા પાસ કરી હતી.
તેમની સર્વપ્રથમ નિમણૂક ભૈરવગઢ જિલ્લામાં જેલર તરીકે થઈ હતી.
ત્યાર બાદ વર્ષ 2015માં તેઓ ડીએસપી બની ગયાં.
વર્ષ 2017માં ફરી એક વાર પરીક્ષા આપીને તેઓ રાજ્યમાં ચોથા ક્રમાંકે ઉત્તીર્ણ થયાં.
આ સફળતા બાદ તેઓ સીધાં ડેપ્યુટી કલેક્ટર બની ગયાં.
ભાજપના આક્ષેપ
અન્ય એક વીડિયોમાં પ્રિયા વર્મા સિવાય એક અન્ય મહિલા પ્રદર્શનકારીઓ સાથે ઘર્ષણમાં ઊતરતાં દેખાઈ રહ્યાં છે.
આ વીડિયો મધ્ય પ્રદેશનાં પૂર્વ મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શૅર કર્યો હતો.
આ વીડિયોમાં દેખાતાં મહિલા રાજગઢના કલેક્ટર નિધિ નિવેદિતા છે.
તેમનો વીડિયો ટ્વીટ કરતાં શિવરાજ સિંહ ચૌહાણે લખ્યું : "કલેક્ટર મૅડમ, તમે જણાવો કે કાયદાના કયા પુસ્તક દ્વારા તમને શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા નાગરિકો સાથે મારઝૂડ કરવાનો અધિકાર મળે છે."
ટ્રૅન્ડ કરવા લાગ્યું પ્રિયા વર્માનું નામ
આ સમગ્ર મામલે ડેપ્યુટી કલેક્ટર પ્રિયા વર્માનું નામ ટ્વિટર પર પણ ટ્રૅન્ડ થવા લાગ્યું.
કેટલાક લોકોએ તેમની આ કાર્યવાહી બાબતે રાજ્યની કમલનાથ સરકાર પર પ્રશ્નો ખડા કર્યા છે.
તેમજ ઘણા લોકો માને છે કે કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે અધિકારીઓ દ્વારા કરાયેલી કાર્યવાહીને યોગ્ય ગણાવી રહ્યા છે.
રાજ્ય સરકાર તરફથી પણ અત્યાર સુધી આ મામલે કોઈ પણ ટિપ્પણી કરાઈ નથી, પરંતુ આ વીડિયો સામે આવ્યા બાદ રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ કાર્યવાહીને લોકશાહી માટે કાળો દિવસ ગણાવી દીધો છે.
ચૌહાણે લખ્યું : "આજનો દિવસ લોકશાહીનો સૌથી કાળો દિવસ ગણાશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો