You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દીપા કરમાકરના પગલે ચાલીને ચાર સુવર્ણચંદ્રક જીતનારાં જિમનાસ્ટ પ્રિયંકા
- લેેખક, દિલીપકુમાર શર્મા
- પદ, ગુવાહાટીથી બીબીસી માટે
16 વર્ષનાં જિમ્નાસ્ટ પ્રિયંકા દાસગુપ્તાએ ગૌહાટીમાં યોજાયેલી 'ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ'માં ચાર સુવર્ણચંદ્રકો મેળવીને આશાસ્પદ યુવાન ઍથ્લીટ તરીકે પોતાની ઓળખ બનાવી છે.
પ્રિયંકા ત્રિપુરા રાજ્યમાંથી આવે છે, જ્યાંથી પ્રખ્યાત ઍથ્લીટ દીપા કરમાકર પણ આવે છે અને તેમને કોચિંગ આપવાનું કામ પણ બિશેશ્વર નંદી કરી રહ્યા છે.
ખેલો ઇન્ડિયાના તૃતિય સંસ્કરણમાં અંડર-17માં જિમનાસ્ટિકની જુદીજુદી સ્પર્ધામાં પ્રિયંકાએ ચાર સુવર્ણ મેળવ્યા તે ત્રિપુરા જેવા નાના રાજ્યમાં એક મોટી સિદ્ધિ ગણવામાં આવી રહી છે.
પ્રિયંકા પોતાની સફળતાનો શ્રેય પોતાના પ્રથમ કોચ સોમા નંદી અને દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા કોચ બિશેશ્વર નંદી તથા વિશેષ પોતાની માતાને આપે છે.
ગુવાહાટીના ભોગેશ્વરી ફૂકનાના ઇનડોર સ્ટેડિયમમાં બીબીસી સાથેની વાતચીતમાં પ્રિયંકાએ કહ્યું કે, "નાનપણમાં હું બહુ તોફાન અને ઊછળ-કૂદ કરતી હતી એટલે મમ્મીએ મને સ્પોર્ટ્સમાં મોકલવાનું વિચાર્યું હતું."
"મમ્મીએ મને જિમ્નેસ્ટિક શીખવા માટે ઍકેડમીમાં મોકલી દીધી. હું એક સારી જિમ્નાસ્ટ તરીકે આગળ વધવા માગું છું."
"તેના માટે હું રોજ 6થી 7 કલાક ટ્રેનિંગ કરું છું. મારું લક્ષ્ય આંતરરાષ્ટ્રીય જિમ્નેસ્ટિક્સમાં રમીને મેડલ લાવવાનું છે. બાદમાં મારે ઑલિમ્પિકમાં જવાનું છે."
દીપા કરમાકરમાંથી મળેલી પ્રેરણા વિશે વાત કરતાં પ્રિયંકા કહે છે, "જિમ્નેસ્ટિક્સ માટે દીપા દીદીનું જે સમર્પણ છે, તેના માટે જે રીતે મહેનત કરે છે તે અમારા બધા માટે પ્રેરણારૂપ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"હું એક જ સંતાન છું અને મારાં ભાઈ-બહેન નથી, એટલે દીદી જ મારા માટે બધું જ છે. દીદી મારાં આઇડલ છે."
"ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની પ્રથમ શુભેચ્છા દીદીએ આપી હતી તે મારા માટે બહુ મોટી વાત છે. હું ખુશ છું કે મારા કોચ નંદી સરે મને અભિનંદન આપ્યાં છે."
માતાપિતાનો સાથ
ઘરના માહોલ અને માતાપિતાના સપોર્ટ વિશે વાત કરતાં પ્રિયંકા કહે છે, "અમારા પરિવારમાં દીકરા-દીકરીનો ભેદ નથી. મને માતાપિતાએ હંમેશાં સાથ આપ્યો છે, જેના કારણે જ હું સતત રમત સુધારી શકી છું."
"હું ગરીબ પરિવારની છું. મારા પિતા ટૅક્સી ચલાવે છે અને બહુ મહેનત કરે છે."
"ઘણી વાર સવારે પાંચ વાગ્યે ઘરેથી નીકળી જાય છે અને રાત્રે મોડેથી પાછા ફરે છે. તે આવે ત્યારે હું ઊંઘી ગઈ હોવ એટલે વાત કરવાની ય તક મળતી નથી."
"રમતગમતમાં મારું લક્ષ્ય શું છે તેની મને ખબર છે. હું આગળ બહુ મહેનત કરવા માગું છું."
"સાથે ભણવાનું પણ ચાલુ રાખવા માગું છું, જેથી કોઈ મારા પિતાને એવું ના કહે કે ખેલને કારણે મારું ભણવાનું બગડ્યું."
આંતરરાષ્ટ્રીય સ્તરે રમવા જવા વિશેના સવાલના જવાબમાં પ્રિયંકા કહે છે, "મારા કોચ નંદી સર જેટલા કલાક પ્રૅક્ટિસ કરવાનું કહેશે હું કરીશ."
"સર હંમેશાં કહેતા હોય છે કે એક ઍલિમેન્ટ માટે એક હજાર વાર પ્રૅક્ટિસ કરશો ત્યારે પરફેક્ટ બનાશે."
"મેં જે ચાર ગોલ્ડ જીત્યા તે માટે મેં સેંકડો વાર પ્રૅક્ટિસ કરી હતી. કોઈ નવું ઍલિમેન્ટ શીખીએ ત્યારે ઈજા થવાનો થોડો ડર મનમાં હોય છે."
"પરંતુ નંદી સર એટલી સારી રીતે શીખવે છે કે બધું સરળ થઈ જાય છે. ગયા વર્ષે ખેલો ઇન્ડિયામાં મને ત્રણ સિલ્વર મેડલ મળ્યા, ત્યારે જ નક્કી કર્યું હતું કે આ વર્ષે ગોલ્ડ જીતવો છે."
વિરાટ કોહલીનાં ફૅન
જિમ્નેસ્ટિક્સ સિવાય પ્રિયંકાને ક્રિકેટ રમવાનું ગમે છે.
તેઓ કહે છે, "મોટા ભાગે હું ઇન્ટરનેશનલ જિમનેસ્ટના વીડિયો જોતી રહું છું. "
"પરંતુ મને વિરાટ કોહલી પણ બહુ ગમે છે. તેમની બેટિંગ વખતે હું બહુ ચીયર કરું છું."
"દીપા દીદી રિયો ઑલિમ્પિક માટે ક્વૉલિફાઇ થયાં ત્યારે સચિન તેંડુલકર સરે અભિનંદન પાઠવી અને વખાણ કર્યાં હતાં. આ બહુ મોટી વાત હતી."
શું તમે ઇચ્છો છો કે વિરાટ કોહલી તમને અભિનંદન આપે, એવા સવાલના જવાબમાં પ્રિયંકા કહે છે, "મેં હજી એવું કોઈ મોટું કામ કર્યું નથી. મને ઇન્ટરનેશનલ લેવલ પર મેડલ મળે ત્યારે કદાચ વિરાટ સર મને અભિનંદન આપશે."
પ્રિયંકાનાં પ્રથમ જિમ્નાસ્ટ કોચ સોમા નંદી ઇચ્છે છે કે સરકાર ગરીબ બાળકો માટે વધારે સારી સુવિધાઓ ઊભી કરે.
તેઓ કહે છે, "અમારે ત્યાં મોટા ભાગે ગરીબ પરિવારનાં બાળકો આવે છે."
"તેમનામાં પ્રતિભા હોય છે, પણ ઘરની સ્થિતિ સારી ન હોવાથી રમતમાં આગળ વધવું મુશ્કેલ હોય છે."
"આપણી સરકાર રમતગમત ક્ષેત્રમાં ઘણું સારું કામ કરી રહી છે. ખાસ કરીને ત્રિપુરામાં જિમ્નાસ્ટ ટ્રેનિંગની વિશ્વકક્ષાની સુવિધાઓ છે."
"પરંતુ ગરીબ પરીવારો માટે બાળકોના ભણતર અને રમતગમત બંનેનો ખર્ચ એક સાથે કાઢવો મુશ્કેલ હોય છે."
"ઘણાં બધાં પ્રતિભાશાળી બાળકો એવાં છે, જેમના પિતા ટૅક્સી કે રીક્ષા ચલાવતા હોય."
"આવા ગરીબ પરિવારનાં બાળકોને આગળ લાવવાની જરૂર છે. હું અને મારા પતિ આવાં ટૅલેન્ટેડ બાળકોને મદદ કરીએ છીએ."
"ત્રિપુરામાં આગામી દિવસોમાં આવા ઘણા પ્રતિભાશાળી જિમ્નાસ્ટ આગળ આવશે."
દીપા કરમાકર અને પ્રિયંકા વચ્ચે સમાનતા વિશે વાત કરતાં સોમા નંદી કહે છે, "જિમ્નેસ્ટિક્સ માટે દીપાની ધગશ બધાથી અલગ છે. તે બહુ જ જિદ્દી છે."
"કોઈ પણ ઍલિમેન્ટને પરફેક્ટ ના કરી લે ત્યાં સુધી છોડતી નથી. પ્રિયંકા પણ બહુ ટૅલેન્ટેડ છે, પણ તેણે ડેડિકેશન સાથે ટ્રેનિંગ લેવી પડશે. ઇન્ટરનેશનલ લેવલ પર રમવા માટે બહુ મહેતન કરવી પડશે. તે ઉંમરમાં હજી ઘણી નાની છે."
ટૅલેન્ટની ખામી નથી, મદદની જરૂર
પ્રિયંકાના પરિવારની આર્થિક સ્થિતિ વિશે તેઓ જણાવે છે કે, "પ્રિયંકાના ઘરની આર્થિક સ્થિતિ સારી નથી. તેમના પિતા ટૅક્સી ચલાવે છે."
"ઇન્ટરનૅશનલ લેવલ પર જવા માટે પ્રિયંકાને આર્થિક મદદની જરૂર છે."
"જિમ્નેસ્ટિક્સમાં ડ્રેસ સિવાય સારા ડાયટની પણ જરૂર હોય છે. તેનામાં ટૅલેન્ટની કોઈ ખામી નથી. આર્થિક કારણોસર તેની રમત અટકે નહીં તે જરૂરી છે."
પ્રિયંકાને દીપા કર્માકર ઉપરાંત રિયો ઑલિમ્પિકની ચૅમ્પિયન સિમોન બાઇલ્સ અને રશિયાની કલાત્મક જિમ્નાસ્ટ આલિયા મુસ્તફિના બહુ ગમે છે.
પોતાની રમતમાં સુધારા કરવા માટે પ્રિયંકા આ મહાન જિમ્નેસ્ટિક્સ ખેલાડીઓના વીડિયો જોતા રહેતા હોય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો