TOP NEWS: NRC લાગુ કરતા પહેલાં રાજ્યો પાસેથી સલાહ લેવાશે : રવિશંકર પ્રસાદ

ઇમેજ સ્રોત, Getty Images
નાગરિકતા સંશોધન કાયદો અને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ એટલે કે NRC હાલ દેશમાં સૌથી મોટો ચર્ચિત મુદ્દો છે.
આ અંગે દેશમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આ મામલે એક નિવેદન આપ્યું છે.
ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત દરમિયાન રવિશંકર પ્રસાદે કહ્યું છે કે આખા દેશમાં NRC લાગુ કરતા પહેલા યોગ્ય કાયદાકીય પ્રક્રિયાનું અનુકરણ કરવામાં આવશે અને રાજ્યોની સરકાર સાથે પણ વાતચીત કરવામાં આવશે.
NPR મામલે રવિશંકર પ્રસાદે કહ્યું છે કે તેનો કેટલોક ડેટા NRC માટે વપરાઈ પણ શકે છે અને નથી પણ વપરાઈ શકતો.
રવિશંકર પ્રસાદનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે પશ્ચિમ બંગાળ, બિહાર જેવા રાજ્યોએ NRC લાગુ કરવાની ના પાડી દીધી છે.
બે રાજ્યોએ તો NPRની પણ ના પાડી દીધી છે કેમ કે તેમને લાગે છે કે તેનાથી NRC લાગુ થઈ જશે.
જોકે, આ મામલે સ્પષ્ટતા આપતા રવિશંકર પ્રસાદે કહ્યું છે, "આ બન્ને પ્રક્રિયાઓ વચ્ચે કોઈ સંબંધ નથી. બન્નેનો એકબીજાના સર્વેમાં ઉપયોગ પણ થઈ શકતો નથી."
CAA મુદ્દે મુસ્લિમોમાં ફેલાયેલા ભય વિશે પણ રવિશંકર પ્રસાદે કહ્યું, "મુસ્લિમોએ ડરવાની જરૂર જ નથી. CAA માત્ર પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિંદુ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન, શીખ અને પારસી લોકો માટે છે. CAAને ભારતીયો સાથે કોઈ લેવા-દેવા જ નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

મેરી કોમ Vs નિખત ઝરીન

ઇમેજ સ્રોત, Getty Images
બૉક્સર નિખત ઝરીને કહ્યું છે કે તેઓ ઑલિમ્પિક ક્વૉલિફાયર ટ્રાયલ્સની ફાઇનલ મૅચ બાદ દિગ્ગજ બૉક્સર મેરી કૉમના વ્યવ્હારથી નાખુશ છે.
મેરી કૉમે મહિલાઓના 51 કિલો મૅચમાં નિખતને 9-1થી હાર આપી હતી.
હિંદુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે મૅચ બાદ નિખતે મેરી કૉમ માટે તાળીઓ વગાડી હતી પરંતુ જ્યારે બન્ને નજીક આવી તો મેરીએ નિખત સાથે હાથ મિલાવવાની ના પાડી દીધી હતી.
23 વર્ષીય નિખતે કહ્યું, "જે રીતે મેરીએ વ્યવ્હાર કર્યો, તે મને પસંદ ન પડ્યો. જ્યારે નિર્ણય આવ્યો ત્યારે મેં તેમને ગળે મળવાનું વિચાર્યું, પરંતુ તેઓ મને ગળે ન મળ્યાં. એક જૂનિયર તરીકે હું આશા રાખું છું કે સિનિયર પણ અમારું સન્માન કરે, પરંતુ તેઓ મને ગળે ન મળ્યાં."
મૅચ બાદ નિખતે એ વાતની પણ પુષ્ટિ કરી કે રિંગમાં મેરીએ નિખત માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.
આ વિવાદ મુદ્દે મેરી કોમે પણ પોતાનો પક્ષ મૂક્યો છે.
તેમણે કહ્યું, "મને આ જરા પણ પસંદ પડી રહ્યું નથી કે કારણ વગર મારા નામે વિવાદ થઈ રહ્યો છે. હા, હું તેમને ગળે ન મળી. તો એમાં શું થઈ ગયું? "
તેઓ ઉમેરે છે, "હું પણ એક મનુષ્ય જ છું. હું પણ ક્યારેક ગુસ્સે થઈ જઉં છું. મારા પર આવા સવાલો ઉઠે ત્યારે શું હું ગુસ્સે ન થઈ શકું? આવું પહેલી વખત નથી થયું. ભારતની કોઈ પણ મહિલા બૉક્સરે આટલું પ્રાપ્ત નથી કર્યું, જેટલું મેં કર્યું છે છતાં મારી સાથે આ ઘણી વખત થયું છે."

હેમંત સોરેન આજે ઝારખંડના CM પદના શપથ લેશે

ઇમેજ સ્રોત, Getty Images
ઝારખંડના નવા ચૂંટાયેલા મુખ્ય મંત્રી હેમંત સોરેન આજે શપથગ્રહણ કરશે.
NDTVમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે તેમના શપથગ્રહણ સમારોહને ઐતિહાસિક બનાવવા માટે વડા પ્રધાન સહિત દરેક રાજ્યોના મુખ્ય મંત્રી અને મોટા નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.
ઝારખંડ મુક્તિ મોર્ચાના પ્રવક્તા અને મહાસચિવ સુપ્રિયો ભટ્ટાચાર્યના જણાવ્યા પ્રમાણે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે, પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત, મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી કમલનાથ, છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ, કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીના સમારોહમાં ભાગ લઈ શકે છે.

સોમાલિયાની રાજધાનીમાં મોટો બ્લાસ્ટ

ઇમેજ સ્રોત, Getty Images
સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં એક ચેક-પૉઇન્ટ પર ટ્રક બૉમ્બ વિસ્ફોટમાં આશરે 76 લોકોનાં મૃત્યુ થયા છે અને 90 કરતાં વધારે લોકો ઘાયલ થયા છે.
મૃતકોમાં મોટાભાગે વિદ્યાર્થીઓ હતા અને તેમાં બે તુર્કીના નાગરિકો પણ હતા.
આ બ્લાસ્ટની જવાબદારી કોઈ સંગઠને સ્વીકારી નથી પરંતુ મોટાભાગે અલ કાયદા સાથે જોડાયેલું ઉગ્રવાદી સંગઠન અલ-શબાબ આ પ્રકારના હુમલા કરે છે.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, "મેં જોયું કે એક કાર ચેક પોસ્ટથી બહાર આવી અને તેમાં અચાનક ધડાકો થયો. હું મારો જીવ બચાવવા માટે ભાગ્યો અને થોડે દૂર જઈને એક દીવાલ પાછળ છૂપાઈ ગયો. અમે 73 ઘાયલોને હૉસ્પિટલ પહોંચાડ્યા છે."
આ તરફ રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્દુલ્લાહી ફારમાઝોએ હુમલાની નિંદા કરી છે અને કહ્યું છે કે "દુશ્મન એ ન સમજે કે તેઓ સોમાલિયાના લોકોને કમજોર કરી નાખશે. આ દેશ ફરી પોતાના પગ પર ઊભો થશે અને જેહાદીઓ તેને રોકી નહીં શકે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












