You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
CAAનો વિરોધ : ધાવતી બાળકી જેલમાંથી તેનાં માતાપિતા છૂટે એની રાહ જુએ છે
- લેેખક, સમીરાત્મજ મિશ્ર
- પદ, લખનૌથી, બીબીસી ગુજરાતી માટે
ઉત્તર પ્રદેશમાં નાગરિકતા કાયદાની વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા મામલે અત્યાર સુધી એક હજાર કરતાં વધારે લોકોની ધરપકડ થઈ છે.
આ લોકોમાં રવિ શેખર અને તેમનાં પત્ની એકતાનો પણ સમાવેશ થાય છે.
બન્નેની ધરપકડ કરી તેમને જેલ મોકલી દેવાયાં છે, પરંતુ તેમની 14 મહિનાની દીકરી રાહ જોઈ રહી છે કે તેનાં માતાપિતા ચૉકલેટ લઈને આવતા હશે.
નાગરિકતા કાયદાની વિરુદ્ધ 19 ડિસેમ્બરના રોજ થયેલા વિરોધપ્રદર્શનમાં વારાણસીમાં પણ ખૂબ હિંસા થઈ હતી.
હિંસા બાદ એક તરફ પોલીસના કથિત અત્યાચાર અને પ્રદર્શન દરમિયાન હિંસાની તસવીરો સામે આવી રહી છે, તો બીજી તરફ કેટલાક એવા લોકોની પણ ધરપકડ થઈ છે જેઓ શાંતિપૂર્ણ પ્રદર્શનમાં સામેલ થયા હતા અને તેમના હિંસક થવાની આશંકા પણ નહોતી.
રવિ શેખર અને તેમનાં પત્ની એકતા પર્યાવરણના મુદ્દા પર કામ કરે છે અને વારાણસીની સામાજિક પ્રવૃત્તિમાં સક્રિય રહે છે.
વારાણસીમાં મહમૂરગંજના રહેવાસી રવિ અને એકતા પોતાની બાળકીને તેનાં દાદી અને મોટા બા પાસે મૂકીને પ્રદર્શનમાં સામેલ થવા ગયાં હતાં.
રવિનાં વયોવૃદ્ધ માતા શીલા તિવારી કહે છે, "મારા દીકરાએ કોઈ ગુનો કર્યો નથી. એ જ સમજાતું નથી કે પોલીસે તેમની ધરપકડ શા માટે કરી? બન્ને શાંતિપૂર્વક પ્રદર્શન કરી રહ્યાં હતાં અને આ પ્રકારના કાર્યક્રમમાં તેઓ ઘણી વખત જાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"હવે આ નાની ધાવતી બાળકીએ તેની મા વગર રહેવું પડે છે. અમે તેની દેખરેખ તો કરી રહ્યાં છીએ પરંતુ આટલી નાની બાળકી મા વગર કેવી રીતે રહી શકશે? તમે જાતે જ વિચારી શકો છો."
રવિ શેખર અને તેમનાં પત્ની એકતાની 19 ડિસેમ્બરના રોજ વારાણસીના બેનિયાબાગ વિસ્તારમાં પ્રદર્શન દરમિયાન એ કહીને ધરપકડ કરવામાં આવી હતી કે તેઓ કલમ 144નું ઉલ્લંઘન કરી રહ્યાં છે.
રવિના મોટાભાઈ શશિકાંતે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "આ લોકો 60-70 લોકોના ગ્રૂપ સાથે માર્ચ કરી રહ્યાં હતાં. પોલીસે રોકી તેમની ધરપકડ કરી. તે સમયે કહેવામાં આવ્યું કે શાંતિભંગની રસીદ કાપીને પરત મોકલી દેવામાં આવશે."
"પરંતુ બે દિવસ સુધી તેમને બેસાડવામાં આવ્યાં અને પછી 21 ડિસેમ્બરના રોજ ઘણી કલમોમાં FIR કરીને જેલ મોકલી દેવામાં આવ્યાં. તેમની વિરુદ્ધ કોઈ ગંભીર કલમ લગાવવામાં આવી નથી, તે છતાં જામીન મળી શકતા નથી."
રવિ શેખર અને એકતા સહિત 56 લોકો વિરુદ્ધ 332, 353, 341 જેવી કલમ સાથે કેસ દાખલ કરવામાં આવ્યા છે.
શશિકાંત કહે છે કે તેમની સામે એક તરફ રવિ શેખર અને એકતાને જામીન અપાવવાની સમસ્યા છે તો બીજી તરફ નાની બાળકીને સંભાળવાની.
બાળકીને વારંવાર સમજાવવા છતાં તે પપ્પા-મમ્મી વિશે પૂછતી રહે છે.
રવિ શેખરનાં માતા શીલા તિવારી રડતાં-રડતાં કહે છે, "કંઈ ખાઈ-પી શકતી નથી. માતાપિતાની તસવીર જોઈને તેમને બોલાવતી રહે છે. અમે તેને ખોટો દિલાસો આપીએ છીએ કે તારાં મમ્મી-પપ્પા ઑફિસ ગયાં છે. હમણાં આવી જશે."
આ તરફ વારાણસી પોલીસનું કહેવું છે કે જે લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમની વિરુદ્ધ હિંસા ભડકાવવા મામલે પૂરતા પુરાવા છે.
વારાણસીના જિલ્લાધિકારી કૌશલરાજ શર્મા કહે છે, "જેમની ધરપકડ કરાઈ છે, તે પર્યાપ્ત આધાર સાથે કરવામાં આવી છે. ગેરકાયદેસર રીતે લોકોને એકઠા કરવાના કારણે શહેરમાં તણાવ વધી ગયો હતો. તમામ પ્રકારનાં ભડકાઉ સૂત્રો લખેલાં પોસ્ટર્સ મળ્યાં છે."
નાગરિકતા કાયદા વિરુદ્ધ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પણ લોકોએ ભારે વિરોધપ્રદર્શન કર્યું હતું.
બેનિયાબાગ વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઊતરતાં અચાનક પરિસ્થિતિ વણસી અને પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, પ્રદર્શનકારીઓને પોલીસે દોડાવી-દોડાવીને માર્યા હતા, જેનાથી લાંબા સમય સુધી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
જોકે, રવિ શેખરના પરિવારજનોના પ્રમાણે, એ લોકોની હોબાળા પહેલાં જ ધરપકડ કરી લેવામાં આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો