You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
CAA - NRC : શાહેઆલમની ઘટનાથી વિરોધ આંદોલનને નુકસાન?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
નાગરિકતા સંશોધન કાયદાના વિરુદ્ધમાં ગુરુવારે અમદાવાદમાં યોજાયેલા વિરોધપ્રદર્શન દરમિયાન હિંસાની ઘટના ઘટી.
અમદાવાદના શાહેઆલમમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું અને તેમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો. આ દરમિયાન પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસને અશ્રુગૅસના ઉપયોગ કરવાની પણ ફરજ પડી.
પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચેના ઘર્ષણના વાઇરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્રદર્શનકારીઓ પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા છે.
આ ઘર્ષણમાં 30 લોકોને ઈજા પહોંચી છે, જેમાં 12 પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે. જે પોલીસકર્મીઓ આ ઘટનામાં ઘાયલ થયા છે, તેમાં ડીસીપી અને એસીપી અને એક પોલીસ ઇન્સ્પેક્ટર રૅન્કના અધિકારી પણ સામેલ છે.
પોલીસ દ્વારા 30 પ્રદર્શનકારીઓની અટકાયત કરાતા ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસવાહનો ઘેરી લીધાં હતાં અને એ બાદ ઘર્ષણની શરૂઆત થઈ હતી.
જોકે, હિંસાની આ ઘટનાને પગલે નાગરિક સુરક્ષા કાયદા વિરુદ્ધ ચલવાઈ રહેલી ચળવળને નુકસાન પહોંચી શકે છે એવી જાણકારોનું માનવું છે.
'ચળવળને નુકસાન પહોંચી શકે'
જાણીતા કર્મશીલ અને રાજકીય વિશ્લેષક પ્રકાશ ન. શાહ આ અંગે વાત કરતાં જણાવે છે, "સામાન્ય વલણ એવું છે કે આંદોલનનું એલાન આપીએ ત્યારે શાંતિ માટેની જવાબદારી લેવી જોઈએ. જોકે, રાજ્યની હિંસા અને આ હિંસાને સાંકળી શકાય નહીં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વરિષ્ઠ પત્રકાર પત્રકાર ઉર્વીશ કોઠારી શાહેઆલમની હિંસાની ઘટનાને વખોડે છે.
તેઓ જણાવે છે, "આપણું ધ્યેય ગમે તેટલું વાજબી અને આપણી વાત ગમે તેટલી સાચી હોય પણ એમાં કંઈ પોલીસને પથ્થર ન મરાય. તમે હિંસાનાં કારણો જણાવી શકો પણ હિંસાને યોગ્ય ન ઠેરવી શકો. આ વાત શાહેઆલમમાં પણ લાગું પડે છે અને 2002ને પણ લાગું પડે છે. "
"વાજબી અસંતોષ અને રોષને હું ટેકો આપવાનું પસંદ કરું પણ જ્યારે એ અસંતોષ અને રોષ પથ્થરબાજીમાં પરિણમે ત્યારે હું તેની સામે ઊભો રહું. આ એક નાગરિકની ભૂમિકા છે."
રાજકીય ટીપ્પણીકાર શારીક લાલીવાલા પણ આ હિંસાને વખોડતાં જણાવે છે, "જે પણ થયું એ ખોટું થયું."
"આ ઘટનાને કારણે ચળવળને નુકસાન પહોંચશે. અત્યાર સુધી આ મામલે અમદવાદમાં જેટલી પણ ચળવળ થઈ એ શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહી હતી. પોલીસ અને લોકો બન્ને એક બીજાને સહકાર આપી રહ્યાં હતાં. પણ હિંસાની આ ઘટના ચળવળને પાટા પરથી ઊતારી શકે છે."
તેઓ ઉમેરે છે, "હિંદુ અને મુસ્લિમ વચ્ચેના વિખવાદના જમણેરીઓના તર્કને આ ઘટનાને બળ પૂરું પાડે છે. રાજકીયપક્ષો પણ આ ઘટનાનો ફાયદો ઉઠાવી શકે છે."
"ગુજરાત હોય, કર્ણાટક હોય, ઉત્તર પ્રદેશ હોય, ભાજપશાસિત રાજ્યોમાં મુસ્લિમોને લઈને નકારાત્મક નેરેવિટ ફેલાવાઈ રહ્યું છે, તેને આ ઘટના વેગ આપશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો