You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં કરા સાથે કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો
ગુજરાતમાં ગુરુવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને હવામાનમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ વરસ્યો હતો.
ગુજરાતના બનાસકાંઠા, કચ્છ, જામનગર, પાટણ, રાજકોટ અને દ્વારકા જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું.
આ ઉપરાંત બહુચરાજીમાં કરા વરસ્યા હતા.
પહેલાં અતિવૃષ્ટિ અને અરબ સાગરમાં એક પછી એક આવેલાં વાવાઝોડાંને કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે.
ફરી એક વખત કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
આ વરસાદને પગલે ચોમાસુ પાક બાદ શિયાળુ પાકને ભારે નુકસાન થવાનો ડર છે.
જોકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે શુક્રવારે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ રહેશે.
CABના વિરોધમાં IPS અધિકારીએ રાજીનામું આપ્યું
લોકસભા બાદ રાજ્યસભામાં પણ CAB એટલે નાગરિકતા સંશોધન બિલ પાસ થઈ ગયું છે. આ બિલ પાસ થતા દેશમાં ઘણી જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વિરોધની વચ્ચે સમાચાર મળ્યા છે કે એક વરિષ્ઠ મુસ્લિમ IPS અધિકારીએ CABનો વિરોધ કરતા પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
એનડીટીવીમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશનમાં પદાધિકારી IPS અધિકારી અબ્દુર રહેમાને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.
ટ્વિટર પર પોતાના રાજીનામાની તસવીર પોસ્ટ કરતા તેમણે લખ્યું કે 'આ બિલનો હેતુ દેશમાં ધર્મના આધારે ભાગલા પાડવાનો છે.
તેઓ લખે છે, "આ બિલના કારણે મુસ્લિમ સમાજમાં ભય ફેલાયેલો છે. આ બિલ મુસ્લિમોને પોતાનો ધર્મ છોડી બીજો ધર્મ અપનાવવા મજબૂર કરે છે કે જેથી તેઓ પોતાની નાગરિકતા બચાવી શકે."
ધ હિંદુ સાથે વાત કરતા અબ્દુર રહેમાને જણાવ્યું, "આ બિલ ગેરબંધારણીય છે અને કાયદાના સમાનતાના અધિકારની વિરુદ્ધ છે."
તેઓ કહે છે, "સરકાર આ નિર્ણય લેતા પહેલાં વિપક્ષ સાથે વાત કરી શકતી હતી અથવા તો સંસદીય સમિતિની રચના કરી શકી હોત."
"તેઓ બુદ્ધિજિવીઓ સાથે વાત કરી શકતા હતા અથવા તો દરેક કૉમ્યુનિટીના સભ્યો સાથે વાતચીત કરી શક્યા હોત, પરંતુ તેમણે એવું કંઈ જ ન કર્યું."
ન્યૂઝ એજન્સી એ.એન.આઈના રિપોર્ટ પ્રમાણે, ઑક્ટોબર મહિનામાં રહેમાને સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) માટે અરજી કરી હતી, પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમની અરજીનો અસ્વીકાર કર્યો હતો.
ભારત-વેસ્ટ ઇન્ડિઝ ટી-20 સિરીઝ પર ભારતનો કબજો
બુધવારના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સિરીઝની ત્રીજી તેમજ અંતિમ ટી-20 મૅચમાં ભારતને વેસ્ટ ઇન્ડીઝને 67 રનથી હાર આપી છે.
આ જીત સાથે ત્રણ મૅચની સિરીઝ ભારતે 2-1થી જીતી લીધી છે.
હૈદરાબાદમાં રમાયેલી પહેલી મૅચ ભારતે જીતી હતી, પરંતુ તિરુવનંતપુરમમાં રમાયેલી બીજી મૅચમાં વેસ્ટ ઇન્ડીઝે સારું પ્રદર્શન કર્યું હતું અને ભારતને આઠ વિકેટથી હરાવીને બરાબરી કરી હતી.
વેસ્ટ ઇન્ડિઝના કૅપ્ટન પોલાર્ડે ટૉસ જીતીને ભારતને બેટિંગ કરવાની તક આપી.
પરંતુ પોલાર્ડનો આ નિર્ણય તેમની વિરુદ્ધ ગયો અને ભારતે શાનદાર પ્રદર્શન કર્યું.
રોહિત શર્મા અને લોકેશ રાહુલે પહેલી વિકેટ માટે 135 રનની ભાગીદારી કરી. ત્યારબાદ કૅપ્ટન વિરાટ કોહલીએ 21 બૉલમાં પોતાની અર્ધસદી પૂર્ણ કરી.
કોહલીએ માત્ર 29 બૉલમાં સાત છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી અણનમ 70 રન ફટકાર્યા, જેમાં છેલ્લા બૉલમાં છગ્ગો માર્યો હતો.
લોકેશ રાહુલ 'મૅન ઑફ ધ મૅચ' બન્યા, જ્યારે વિરાટ કોહલી 'મૅન ઑફ ધ સિરીઝ' બન્યા હતા.
ડેટા પ્રૉટેક્શન બિલ રજૂ
બુધવારે દેશભરમાં સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ બિલની ચર્ચા થતી રહી, બીજી બાજુ, લોકસભામાં કેન્દ્રીય ઇન્ફર્મેશન ટેકનૉલૉજી પ્રધાન રવિશંકર પ્રસાદે લોકસભામાં ડેટા પ્રૉટેક્શન રજૂ કર્યું હતું.
ટાઇમ્સ ઑફ ઇંડિયાના અહેવાલ પ્રમાણે, બિલમાં વ્યક્તિની અંગત માહિતીને મંજૂરી વગર સંગ્રહી નહીં શકાય તથા તેનો ઉપયોગ નહીં કરી શકાય, તેવી જોગવાઈ કરવામાં આવી છે.
જોકે તેમાં 'ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા' જેવા અપવાદ રહેશે.
આ સિવાય કંપનીઓ માટે 'મહત્ત્વપૂર્ણ ડેટાને ભારતમાં જ પ્રોસેસ' કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આમ કરવામાં નિષ્ફળ રહેનારી કંપની સામે દંડનીય કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
કૉંગ્રેસ તથા તૃણમુલ કૉંગ્રેસે આ બિલનો વિરોધ કરતા કહ્યું હતું કે આ બિલ દ્વારા સરકાર 'જાસૂસીના ધંધા'ને પ્રોત્સાહન આપવા માગે છે અને તે બંધારણની જોગવાઈઓનો ભંગ કરે છે.
આ બિલ સંસદની સંયુક્ત સિલેક્ટ કમિટીને મોકલી દેવાયું હતું, જેમાં લોકસભાના 20 તથા રાજ્યસભાના 10 સંસદસભ્ય છે.
પ્રસાદે લોકસભાના 20 નામોની જાહેરાત કરી હતી, જેમાં ભાજપના 11 તથા વિપક્ષના નવ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યસભા દ્વારા તેના સંસદસભ્યોના નામોની જાહેરાત હવે પછી કરવામાં આવશે.
ગ્રેટા થનબર્ગ : Time Person of Year
વિશ્વમાં થઈ રહેલાં જળવાયુ પરિવર્તન તરફ વૈશ્વિક ચળવળને પ્રેરણા આપનાર સ્વિડનના ટીનેજર ગ્રેટા થનબર્ગને ટાઇમ મૅગેઝિને 'પર્સન ઑફ ધ યર 2019' જાહેર કર્યાં છે.
આ જાહેરાત થઈ તે પહેલાં સ્પેનની રાજધાની મેડ્રિડ ખાતે જળવાયુ પરિવર્તન સંબંધિત પરિસંવાદમાં તેમણે વૈશ્વિક નેતાઓને પ્રચારને બદલે નક્કર પગલાં લેવા આહ્વાન કર્યું હતું.
સપ્ટેમ્બર મહિનામાં ન્યૂયૉર્ક ખાતે આયોજિત સંયુક્ત રાષ્ટ્રોના જળવાયુ પરિસંવાદમાં તેમણે યુવાનોની લાગણીનો પડઘો વરિષ્ઠ નેતાઓ સમક્ષ રજૂ કર્યો હતો અને કહ્યું હતું:
"તમે ઠાલા વચનો દ્વારા મારું બાળપણ અને સપનાં ખૂંચવી લીધા છે. અમારી નજર તમારા (કામો) પર રહેશે."
વર્ષ 2018માં ગ્રેટાએ દર શુક્રવારે શાળાકીય શિક્ષણનો ત્યાગ કરીને 'પર્યાવરણીય હડતાલ' હાથ ધરી હતી જે સોશિયલ મીડિયા ઉપર #FridayForFutureના નામથી વિખ્યાત થયું હતું.
વર્ષ 1927થી ટાઇમ મૅગેઝિન દ્વારા દર વર્ષે 'પર્સન ઑફ ધ યર' આપવામાં આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો