મહારાષ્ટ્ર : અમિત શાહે તોડ્યું મૌન, કહ્યું શિવસેનાની નવી માગ સ્વીકાર્ય નથી

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન લાગુ થઈ ગયા પછી ભાજપ પ્રમુખ અમિત શાહે પહેલીવાર આ મુદ્દે મૌન તોડ્યું છે.

અમિત શાહે શિવસેનાની નવી માગણીઓ સ્વીકાર્ય નહીં હોવા અંગે તથા જે પક્ષ પાસે બહુમત હોય તે સરકાર બનાવી શકે છે એવી વાત કરી.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ભાજપ અને શિવસેનાએ સાથે મળીને લડી હતી. ભાજપને 105 બેઠકો અને શિવસેનાને 56 બેઠકો મળી હતી.

એનસીપી-કૉંગ્રેસ ગઠબંધનને અનુક્રમે 54 અને 44 બેઠકો મળી હતી.

જોકે, શિવસેના-ભાજપ વચ્ચે સત્તાની વહેંચણી અંગે વિખવાદ ઊભો થતાં સરકાર બની શકી નહીં.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી શિવસેના અને ભાજપ વચ્ચે સત્તાની વહેંચણીના વિવાદ અને રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં આવ્યું ત્યાં સુધી અમિત શાહે આ મુદ્દે કોઈ નિવેદન આપ્યું નહોતું.

રાષ્ટ્રપતિશાસન લાગુ થયા પછી હજી પણ સરકાર રચવા માટેની કવાયતો ચાલું છે અને એનસીપી-કૉંગ્રેસ તેમજ શિવસેના વચ્ચે સમાન લઘુત્તમ કાર્યક્રમ માટે વાતચીત થઈ રહી છે ત્યારે અમિત શાહનું નિવેદન સામે આવ્યું છે.

અમિત શાહે શું કહ્યું?

અમિત શાહે કહ્યું કે ચૂંટણી અગાઉ ''વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મે સાર્વજનિક રીતે જો ગઠબંધન જીતશે તો દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય મંત્રી બનશે એવું અનેક વાર કહ્યું હતું પંરતુ ત્યારે કોઈએ વાંધો ઉઠાવ્યો નહોતો.''

''હવે શિવસેના નવી માગણીઓ સાથે આવે છે જે અમને માટે સ્વીકાર્ય નથી.''

શિવસેના, કૉંગ્રેસ અને એનસીપી રાષ્ટ્રપતિશાસન લાગુ કરવા અંગે જે ટીકા કરે છે તેને અમિત શાહે ''લોકોની સહાનુભૂતિ મેળવવા માટે''ની ગણાવી.

તેમણે કહ્યું કે ''જો બહુમત હોય તો કોઈ પણ મહારાષ્ટ્રના રાજ્યપાલ પાસે જઈને સરકાર રચવાનો દાવો કરી શકે છે.''

સમાચાર સંસ્થા એએનઆઈના સંપાદક સ્મિતા પ્રકાશ સાથે વાત કરતા અમિત શાહે કહ્યું કે ''અમે શિવસેના સાથે સરકાર બનાવવા માટે તૈયાર છીએ પરંતુ શિવસેનાની એવી કેટલીક માગણીઓ છે જેની સાથે અમે સહમત નથી.''

રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં ઉતાવળ કરાઈ અને શિવસેના-એનસીપીને સરકાર રચવા માટે પૂરતો સમય ન આપવામાં આવ્યો તે અંગે અમિત શાહે કહ્યું કે ''મંગળવારે 12 વાગે એનસીપીએ પોતે સરકાર રચી શકે તેમ રાજ્યપાલને કહ્યું પછી એમના માટે રાત 8.30 સુધી રાહ જોવાની જરૂર ન રહી.''

એમણે કહ્યું કે ''વિધાનસભાના પરિણામ પછી રાજ્યપાલે 18 દિવસ સુધી રાહ જોઈ છતાં એક પણ પક્ષે સરકાર બનાવવાનો દાવો ન કર્યો. સરકાર રચવા માટે રાજ્યપાલના આમંત્રણની વાત તો 9 તારીખે આવી.''

એમણે કહ્યું કે ''રાજ્યપાલે હવે દરેકને સમય આપ્યો છે અને જે પણ પાર્ટી કે ગઠબંધન પાસે બહુમત હોય તેઓ રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કરી શકે છે.''

એમણે એમ પણ કહ્યું કે ''વિધાનસભા ભંગ નથી કરાઈ મુર્છિત કરાઈ છે. જો ભંગ કરાઈ હોત તો આરોપ બરાબર ગણાત.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો