You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કર્ણાટક : 17 ધારાસભ્યો અયોગ્ય હોવાના નિર્ણયને સુપ્રીમે યોગ્ય ઠેરવ્યો
સુપ્રીમ કોર્ટે જનતાદળ સેક્યુલર અને કૉંગ્રેસના ગઠબંધનની સરકાર સામે બળવો કરનારા 17 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાના સ્પીકરના નિર્ણયને સાચો ઠેરવ્યો છે.
આ ધારાસભ્યો બળવાખોર બન્યા હોવાથી કર્ણાટકમાં જેડીએસ અને કૉંગ્રેસની સરકાર પડી ગઈ હતી અને ભાજપના યેદિયુરપ્પાને સરકાર બનાવવાની તક મળી હતી.
જોકે, કોર્ટે કર્ણાટક વિધાનસભા સ્પીકરના એ નિર્ણયને રદ કરી દીધો છે જેમાં તેમણે આ ધારાસભ્યો પર 2023 સુધી ચૂંટણી લડવા પર રોક લગાવી દીધી હતી.
આ 17 ધારાસભ્યોમાં 14 કૉંગ્રેસના અને 3 જેડીએસના ધારાસભ્યો છે.
કર્ણાટક વિધાનસભાના સ્પીકરે જુલાઈમાં પક્ષાંતર ધારા હેઠળ આ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા હતા.
સ્પીકરે જ્યારે આ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા ત્યારે એમ પણ કહ્યું હતું કે આ વિધાનસભાનો કાર્યકાળ ખતમ થાય ત્યાં સુધી તેઓ ચૂંટણી લડી શકશે નહીં.
સ્પીકરના આ ફેંસલાને સુપ્રીમ કોર્ટે અમાન્ય ઠેરવ્યો છે.
અયોગ્ય ઠેરવાયેલા ધારાસભ્યોએ સ્પીકરના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને આ નિર્ણયને અયોગ્ય ઠેરવવા આગ્રહ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી તરફ જેડીએસ અને કૉંગ્રેસ પણ કોર્ટમાં ગયા હતા કે ધારાસભ્યોને અયોગ્ય ગણાવવાના નિર્ણયને કાયમ રાખવામાં આવે.
આ બેઠકો પર 5 ડિસેમ્બરના રોજ પેટાચૂંટણી થવાની છે. 224 બેઠકોવાળી કર્ણાટકની વિધાસભામાં ભાજપ પાસે 106 ધારાસભ્યો છે.
કર્ણાટકના મુખ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા યેદિયુરપ્પાએ કહ્યું છે કે તેઓ સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારે છે.
તેમણે કહ્યું, "હું સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને આવકારું છું. આવતીકાલથી જ અમે આ વિધાનસભા બેઠકો જવાનું શરૂ કરી દઈશું. અમે આ તમામ બેઠકો જીતીશું."
યેદિયુરપ્પાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું આ 17 ધારાસભ્યો ભાજપમાં જોડાશે?
આ મામલે જવાબ આપતા તેમણે કહ્યું કે સાંજ સુધી રાહ જુઓ, તેઓ તેમના સાથે વાત કરશે અને કેન્દ્રીય નેતૃત્વ સાથે પણ વાત કરશે. સાંજ સુધીમાં આ મામલે નિર્ણય લેવામાં આવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો