પ્રસાદમાં સાયનાઇડ આપતો સિરિયલ કિલર કેવી રીતે પકડાયો?

આંધ્ર પ્રદેશમાં એક કથિત સિરિયલ કિલર (હત્યારા) પર આરોપ છે કે તે લોકોને પ્રસાદમાં સાયનાઇડનું ઝેર ભેળવીને મોતને ઘાટ ઉતારી દેતો અને પછી તેમનો માલસામાન લૂંટી લેતો હતો.
તેણે તેના સગાસંબંધીઓ, મકાનમાલિક અને ઉધાર નાણાં આપનારા લોકોને આવી રીતે શિકાર બનાવ્યા હતા.
પોલીસે શકમંદ હત્યારા પર આ દસ લોકોની હત્યાના સંદર્ભમાં કેસ દાખલ કર્યો છે. પોલીસને એવી શંકા છે કે સિમહાદ્રી ઉર્ફ શિવાએ આંધ્રપ્રદેશના ત્રણ જિલ્લામાં ગત 20 મહિનાઓની અંદર આ હત્યાઓ કરી છે.
શિકાર બનેલા મૃતકો પૈકી ત્રણ મહિલાઓ છે. જેમાં શિવાના સંબંધી, મકાનમાલિક અને તેને ઉધાર આપનારી વ્યક્તિ સામેલ છે.
જોકે તેમાંનાં ચાર મોતને જ શંકાસ્પદ માનવામાં આવ્યાં છે અને બાકીનાં મોતને સામાન્ય મોત માની લેવામાં આવ્યાં હતાં.
પોલીસનું માનવું છે કે શિવાએ હત્યા કરવા માટે સાયનાઇડનો ઉપયોગ કર્યો અને તેને પ્રસાદમાં ભેળવીને આપી દીધી હતી અને હત્યાના કોઈ પુરાવા નહોતા છોડ્યા.
વળી તેમનું એવું પણ માનવું પણ છે કે હત્યા બાદ તેણે તેમનો સામાન પણ લૂંટી લીધો હતો.
વાત એમ છે કે ઑક્ટોબર મહિનામાં એલુરુ પોલીસ સ્ટેશનમાં કાટી નાગારાજુની શંકાસ્પદ મોતનો કેસ દાખલ થયો હતો. તેની તપાસ દરમિયાન બાદમાં વધુ વિગતો બહાર આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસનું આ મામલે કહેવું છે કે એલુરુ જિલ્લાના વેલાંકી ગામમાં રહેતા સિમહાદ્રી ઉર્ફ શિવાએ સરળતાથી પૈસા મેળવવાની લાલચને પગલે આ હત્યાઓ કરી હતી.

કેસ કેવી રીતે ઉકેલાયો?

ઇમેજ સ્રોત, iStock
કાટી નાગારાજુના ભાઈ અને ક્રાઇમબ્રાન્ચના ઇન્સ્પેક્ટર શ્રીનિવાસ રાવે બીબીસીને કાટી નાગારાજુના મોત અંગે શંકા કેવી રીતે ગઈ એ વિશે જણાવ્યું.
શ્રીનિવાસ રાવ અનુસાર તેમના ભાઈ 16 ઑક્ટોબરે પરિવારને જણાવ્યું હતું કે તેઓ બૅન્કમાં 1 લાખ 90 હજાર રૂપિયા અને 40 ગ્રામ ગોલ્ડ જમા કરાવવા જઈ રહ્યા હતા પણ તેઓ પરત ન ફર્યા.
શ્રીનિવાસ રાવ અનુસાર શિવાએ તેમના ભાઈને જાદૂઈ સિક્કાની લાલચ આપી હતી. આ સિક્કો ચોખાને પોતાવી તરફ આકર્ષે છે. જ્યારે નાગારાજુ શિવા પાસે પહોંચ્યા ત્યારે તેમને પૂજાનો પવિત્ર પ્રસાદ આપવામાં આવ્યો જેમાં સાયનાઇડ ભેળવેલું હતું.
રાવ કહે છે, "પ્રસાદ ખાધા બાદ મારા ભાઈએ થોડે દૂર સુધી ગાડી ચલાવી અને પછી રસ્તાના કિનારા પર પડી ગયા. તેમને હૉસ્પિટલ લઈ જવાયા પણ ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા."
કાટી નાગારાજુ શારીરિક શિક્ષણના શિક્ષક હતા અને તેમને સ્વાસ્થ્ય સંબંધી કોઈ જ સમસ્યા નહોતી.
તેમને બૅન્ક જવાનું હતું પણ તેઓ એક એવા વિસ્તારમાં બેભાન જોવા મળ્યા જે વિસ્તાર બૅન્કના માર્ગમાં નહોતો. આથી શંકા ઉપજી હતી.
રાવ વધુમાં કહે છે કે તેમના શરીરનો રંગ બદલાયેલો હતો અને તેમની પાસે પૈસા પણ નહોતા આથી અમે કેસ દાખલ કરાવી દીધો.
તેમનું કહેવું છે કે જો પહેલાં શંકાસ્પદ મોતની જ વ્યવસ્થિત તપાસ થઈ હોત તો બાકીની હત્યાઓ રોકી શકાઈ હોત.
તેઓ કહે છે કે આ પૂર્વે થયેલાં ત્રણ મોતને આઈપીસીની કલમ 174 હેઠળ શંકાસ્પદ મોત તરીકે ગણવામાં આવ્યાં હતાં પરંતુ પોલીસને કોઈ શકમંદ મળી ન શક્યું.
એલુરુ પોલીસને કાટી નાગારાજુની મોતની ગહન તપાસ કરી અને હત્યાઓના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવામાં સફળતા પણ મેળવી.
શ્રીનિવાસ રડતાં-રડતાં કહે છે કે ભલે સફળતા મળી પણ મેં મારો ભાઈ ગુમાવી દીધો.

હત્યાની તપાસ કેવી રીતે થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
પશ્ચિમ ગોદાવરી જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ નવદીપ સિંહે બીબીસીને કહ્યું કે પરિવારે કરેલી ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી હતી.
પોલીસે નાગારાજુના મોબાઇલની કૉલની વિગતો અને સીસીટીવી ફૂટેજીસની તપાસ કરી.
તેમાં તેમને જાણવા મળ્યું કે નાગારાજુએ શિવાને ઘણા ફોન કર્યા હતા અને આખરી ફોન પણ તેને જ કર્યો હતો.
પોલીસે શિવાને પૂછપરછ માટે બોલાવ્યો જેમાં બહાર આવ્યું કે તેણે છેલ્લા 20 મહિનામાં બીજી 9 હત્યાઓ કરી હતી.
શિવા પ્રસાદમાં સાયનાઇડ ભેળવીને લોકોને શિકાર બનાવતો હોવાથી પરિવારજનોને લાગતું કે મૃતકોની હત્યા હૃદયરોગના હુમલાથી અથવા કુદરતી રીતે થઈ છે. આથી તેઓ કેસ દાખલ કરતા ન હતા.
જેથી સિમહાદ્રી એટલે કે શિવા એક પછી એક હત્યાઓ કરતો ગયો. તે લોકો સાથે વાત કરતી વખતે નબળાઈ જાણી લેતો અને પછી શિકાર બનાવતો હતો.
પોલીસે કહ્યું કે કેટલાક એવા પણ લોકો હતા જે તેની જાળમાં ફસાયા બાદ તેમાંથી બચવામાં ભાગ્યશાળી રહ્યા હોય.
તે લોકોને ચોખાને આકર્ષિત કરતાં ભાગ્યશાળી સિક્કાની લાલચ આપતો અને પછી તેમને એકાંત સ્થળે બોલાવતો હતો.
તે સિક્કાના બદલામાં પૈસા અને ઘરેણાં લઈ લેતો પછી પ્રસાદમાં સાયનાઇડ ભેળવી ખવડાવી દેતો.

કોણ છે 'શિવા' સિમહાદ્રી?

એક ઍપાર્ટમૅન્ટમાં ગાર્ડનું કામ કરતો વેલંકી સિમહાદ્રી લોકોને ફસાવવા માટે પૈસા ડબલ કરવાની અને જાદૂઈ સિક્કા વેચવાની લાલચ આપતો હતો. તેનું એક અન્ય નામ શિવા છે.
તે આવી લાલચ આપતો અને પછી ધાર્મિક અનુષ્ઠાન કરીને ઝેરી પ્રસાદ ખવડાવી વ્યક્તિને શિકાર બનાવતો હતો. પોલીસ અનુસાર તેણે આ રીતે ભેગાં કરેલાં નાણાંથી એલુરુમાં મકાન પણ બનાવ્યું હતું.
શિવાએ 15 ફેબ્રુઆરી 2018ના રોજ કૃષ્ણા જિલ્લાના વલ્લાભનેની ઉમા માહેશ્વર રાવને પહેલો શિકાર બનાવ્યાં હતાં. તેમની પાસેથી શિવાએ 4 લાખ રૂપિયા અને ચાંદીની વીંટી લૂંટી લીધી હતી.
2 માર્ચ 2018ના રોજ કૃષ્ણા જિલ્લાના જ મર્રીબનદમ ગામના પુલુપ્પુ તવીતૈય્યાને નિશાન બનાવ્યા. તેમનું પણ બધું લૂંટી લીધું હતું
પછીના 20 દિવસમાં આ જ રીતે વિજયવાડા જિલ્લાના ગાંડીકોટા વેંકટ ભાસ્કર રાવની હત્યા કરી. પૈસા ડબલ કરવાની લાલચ આપી તેમની પાસેથી 1.7 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
આ ત્રણેય મોતને કુદરતી મોત માની લેવાયાં હતાં અને કોઈ કેસ દાખલ નહોતો થયો.
વળી કૃષ્ણા જિલ્લાના મુસ્તાબાદ ગામના કાડિયમ બાલા વેંકેટેશ્વરે શિવા પાસે જ્યારે પોતાના 2.9 લાખ રૂપિયા પાછા માગ્યા તો તેણે તેમની પણ સાયનાઇડથી હત્યા કરી દીધી.
પોલીસે આ મોતને શંકાસ્પદ મોત ગણીને કેસ દાખલ કર્યો હતો.
એપ્રિલમાં તેણે ફરી પાંચમી હત્યા કરી. તેણે એલુરુના ચોડાવારાપુ સૂર્યનારાયણને પાંચ લાખ રૂપિયા બમણા કરવાની લાલચ આપી. જેને લીધે તેમણે પૈસા અને જીવ બન્ને ગુમાવ્યા.
વળી 28 એપ્રિલે શિવાએ આયુર્વેદિક ચિકિત્સાના નામ પર પૂર્વ ગોદાવરી જિલ્લાના રામકૃષ્ણાનંદની હત્યા કરી દીધી. જોકે તે મામલે કોઈ કેસ દાખલ ન થયો.
શિવાએ પોતાના સગાસંબંધીઓને પણ શિકાર બનાવ્યા હતા. ડાયાબિટીસની દવાને બહાને તેણે રાજામહેંદ્રાવરમમાં રહેતા પોતોના સંબંધી કોટ્ટાપલ્લી રાધાવમ્માને સાયનાઇડ ખવડાવી દીધું.
વળી જાન્યુઆરી-2019માં તેણે 5 લાખ રૂપિયા રોકડા અને સોનાના 20 ઘરેણા લીધા બાદ પોતાના એક અન્ય સંબંધી સમંથાકૂર્તી નાગામણીની હત્યા કરી દીધી.
ઑગસ્ટ-2019માં તેણે તેના મકાનમાલિકને પણ પૈસા બેગણા કરવાની લાલચ આપી પૈસા અને ઘરેણાં પડાવી લીધાં.
તેના મકાનમાલિક રામુલમ્માના મૃત્યુ પર કોઈને શંકા ન થઈ. તેની પાસેથી તેણે એક લાખ રોકડ અને 40 ગ્રામ સોનું લઈ લીધું હતું.

સાયનાઇડ કેવી રીતે મળતું?
પોલીસ અનુસાર શિવાએ વિજયવાડામાં રહેતી અમીનુલ્લાહ નામની વ્યક્તિ પાસેથી આ ખતરનાક ઝેર મેળવ્યું હતું.
અમીનુલ્લાહના નાના ભાઈ મોટરસાઇકલના સ્પેરપાર્ટ્સનું યુનિટ ચલાવે છે. આથી તેમને કાયદેસર રીતે સાયનાઇડ મળી શકતું હતું.
અમીનુલ્લાહે તેમના ભાઈની જાણ બહાર જ કંપનીના નામ પર સાયનાઇડ ખરીદ્યું અને શિવાને આપી દીધું.
અમીનુલ્લાહનો ગુનાહિત ઇતિહાસ છે અને તેની પર કેટલાક કેસ ચાલી રહ્યા છે.
સિમહાદ્રીએ તેની સાથે ઘરોબો કેળવ્યો અને સાયનાઇડ મેળવી લીધું. હાલ પોલીસે બન્નેની ધરપકડ કરી છે.

ચોખાને આકર્ષતો સિક્કો શું છે?
પોલીસનું કહેવું છે કે આ એક દુર્લભ ધાતુનો બનેલો સિક્કો હોય છે જેનામાં ચોખાને આકર્ષિત કરવાની શક્તિ હોય છે. તે કૉપર અને ઇરિડિમ ધાતુઓના મિશ્રણથી બને છે.
તેની ચુંબકીય શક્તિ તેને કિંમતી પદાર્થ બનાવે છે આથી તેનો અવકાશ અને સૈન્ય સંશોધનોમાં પણ ઉપયોગ થાય છે.
એ સિક્કાઓ વિશે એવી પણ અફવાઓ છે કે તેમાં જાદૂઈ શક્તિ હોય છે અને તેની કિંમત કરોડો રૂપિયા હોઈ શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












