ભારત વિ. બાંગ્લાદેશ : 19મી ઓવરના ચાર બૉલ અને કૃણાલ પંડ્યાની ભૂલે ભારતને હરાવ્યું

દિલ્હીમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ટી-20માં પ્રથમ વખત બાંગ્લાદેશે ભારતને હરાવ્યું છે.

મુશફિકુર રહીમના શાનદાર પ્રદર્શનથી બાંગ્લાદેશે સિરીઝના પ્રથમ મુકાબલામાં ભારતને આસાનીથી હરાવીને 1-0ની લીડ મેળવી લીધી છે.

રવિવારે રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ વચ્ચે રમાયેલી મૅચમાં ભારતીય બૉલરોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.

જોકે, ભારતીય બૅટ્સમૅન પણ પોતાની પ્રતિષ્ઠાને અનુરૂપ પ્રદર્શન કરી શક્યા નહોતા.

પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે મહેમાન ટીમને જીતવા માટે 149 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ચાર બૉલ જેના કારણે ભારત હાર્યું

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ મૅચમાં 17 ઓવર સુધી બાજી કોના પક્ષમાં જશે તે કહી શકાય તેમ નહોતું.

કોહલી ટીમમાં ન હોવાથી કપ્તાની કરી રહેલા રોહિત શર્માએ 17મી ઓવર ખલીલ અહમદને આપી. ત્યાં સુધી બાંગ્લાદેશની 2 જ વિકેટ પડી હતી.

ખલીલે 17મી ઓવરમાં 9 રન આપીને બાંગ્લાદેશના પીચ પર સેટ થયેલા બૅટ્સમૅન સૌમ્ય સરકારને બૉલ્ડ કરી દીધા.

આ સાથે જ ભારત જીતશે તેવી આશા બંધાઈ હતી. જોકે, તે બાદ 18મી ઓવર યૂજવેન્દ્ર ચહલને આપવામાં આવી, જેમાં તેમણે 13 રન આપ્યા.

હવે બે ઓવરમાં એટલે કે 12 બૉલમાં બાંગ્લાદેશને જીતવા માટે 22 રનની જરૂર હતી.

છેલ્લી ઓવરમાં વિકેટ લઈ ગયેલા ખલીલ અહમદને ઓવર આપવામાં આવી. ખલીલના પ્રથમ બે બૉલમાં એક-એક રન આવ્યા.

1 રન સાથે જ સ્ટ્રાઇકમાં બાંગ્લાદેશના જીતના હીરો રહેલા મુશફિકુર આવ્યા. જેમણે 19મી ઓવરના ત્રીજા બૉલમાં સ્ક્વેર લેગમાં ચોગ્ગો ફટકાર્યો.

જે બાદ ચોથા બૉલમાં શોટ ફાઇન લેગમાં ચોગ્ગો ફટકાર્યો, પાંચમો બૉલ એકદમ લૉ ફૂલટૉસ હતો, જેમાં મુશફિકુરે શાનદાર સ્કેવર ડ્રાઇવ ફટકારીને બૉલને બાઉન્ડરી બહાર ફેંકી દીધો.

19મી ઓવરના છેલ્લા બૉલમાં મુશફિકુરે બેકવર્ડ પૉઇન્ટ અને શૉર્ટ થર્ડ મૅનની વચ્ચેથી ચાર રન ફટકાર્યા.

19મી ઓવરમાં કુલ 18 રન આવ્યા, જે આ મુજબ હતા 1,1,4,4,4,4.

20મી ઓવરમાં જીતવા માટે ચાર રનની જરૂર હતી, જેમાં ત્રીજા બૉલે સિક્સ મારીને બાંગ્લાદેશે પ્રથમ વખત ટી-20માં ભારતને હરાવી દીધું.

આ પહેલાં બંને ટીમ વચ્ચે રમાયેલી 8 મૅચમાં બાંગ્લાદેશ ભારત સામે જીતી શક્યું ન હતું.

કૃણાલ પંડ્યાની ભૂલ પણ નડી

18મી ઓવરમાં કૃણાલ પંડ્યા દ્વારા છોડવામાં આવેલો કૅચ પણ ભારતીય ટીમને ભારે પડી ગયો.

ચહલ બૉલિંગ કરી રહ્યા હતા અને કૃણાલ ડીપ મિડવિકેટમાં ફિલ્ડિંગ કરી રહ્યા હતા.

18મી ઓવરના ત્રીજા બૉલે મુશફિકુર રહિમે જોરથી શૉટ ફટકાર્યો અને બૉલ સીધો જ કૃણાલ પંડ્યાના હાથમાં ગયો.

જોકે, કૃણાલ આ કૅચ કરી શક્યા નહીં અને બૉલ બાઉન્સ થઈને બાઉન્ડરી બહાર જતો રહ્યો.

આ સાથે છૂટેલા કૅચે ભારતના હાથમાંથી બાજી પણ છીનવી લીધી.

ભારતના બૅટ્સમૅન નિષ્ફળ

ભારત તરફથી શિખર ધવને સૌથી વધારે 41 રન બનાવ્યા હતા.

જોકે, વિરાટ કોહલીની ગેરહાજરીમાં મિડલ ઑર્ડરના કોઈ બૅટ્સમૅન બાંગ્લાદેશના બૉલરો સામે ટકી શક્યા નહીં.

શ્રેયસ ઐયરે 22 અને રિષભ પંતે 27 રન બનાવ્યા. છેલ્લી ઓવરોમાં કૃણાલ પંડ્યા અને વૉશિંગ્ટન સુંદરે ઝડપથી અનુક્રમે 15 અને 14 રન બનાવ્યા.

બીજી તરફ ભારતીય ટીમના યુવા બૉલરો ખાસ કમાલ કરી શક્યા નહીં.

મૅચના હીરો રહેલા મુશફિકુર રહીમે 43 બૉલમાં 60 રન બનાવીને પોતાની ટીમને જિતાડી હતી.

સૌમ્ય સરકારે 39 અને મોહમ્મદ નઇમે 26 રનનું યોગદાન આપ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો