બોલીવૂડ : નરેન્દ્ર મોદીની સામે ઉઠ્યો સવાલ, 'દક્ષિણ ભારતીય કલાકારોની ઉપેક્ષા કેમ?'

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દિલ્હી ખાતે શાહરુખ ખાન અને આમિર ખાન સહિતના ફિલ્મી કલાકારો સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાત સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહી, કોઈએ આ મુલાકાતને બિરદાવી તો આ મુલાકાત અંગે ટીકા પણ કરાઈ છે.

વડા પ્રધાને કલાકારો સાથે સિનેમા થકી મહાત્મા ગાંધીનાં વિચારો અને જીવનમૂલ્યોનો પ્રચાર-પ્રસાર કરવાની અપીલ કરી હતી.

વડા પ્રધાને કહ્યું હતું કે લોકો અને સમાજ સાથે જોડાણ માટે ફિલ્મો, સંગીત અને નૃત્યો એ સારાં માધ્યમો બની છે.

આ કાર્યક્રમમાં શાહરુખ ખાન, આમિર ખાન, કંગના રનૌત, જૅકલિન ફર્નાન્ડિસ, ઇમ્તિયાઝ અલી, એકતા કપૂર, અનુરાગ બસુ, બોની કપૂર સહિતનાં દિગ્ગજો હાજર રહ્યાં હતાં.

નરેન્દ્ર મોદીએ કલાકારોને દાંડી સ્થિત મ્યુઝિયમ ખાતે જવાની અપીલ પણ કરી હતી.

તેમણે કહ્યું હતું, 'તમારે સ્ટેચ્યૂ ઑફ યુનિટી પણ જવું જોઈએ, જ્યાં દેશ અને દુનિયામાંથી લોકો આવે છે.'

આમિર ખાને કહ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની આ મુલાકાત શાનદાર રહી. તેમના વિચારો જાણીને સારું લાગ્યું. તેઓ પ્રેરણાદાયક છે."

કંગના રનૌતે કહ્યું, "મને લાગે છે, આ પહેલી સરકાર અને કદાચ પહેલા વડા પ્રધાન છે. જેઓ કળા અને કલાકારોને આટલું સમજે છે. મને લાગે છે કે ફિલ્મઉદ્યોગને આ પહેલાં આટલું સન્માન કોઈએ નથી આપ્યું."

એકતા કપૂરે કહ્યું કે તેમને પહેલી વખતે એવું લાગ્યું કે તેમની ઇંડસ્ટ્રીને તેમના કરતાં કોઈ વધારે જાણે છે.

ફિલ્મ નિર્દેશક અનુરાગ બસુએ કહ્યું, "જ્યારે ફિલ્મ બનાવીએ ત્યારે વારંવાર મનમાં વિચાર આવે છે કે આનો ઉદ્દેશ્ય શું છે? મનોરંજન તો ઉદ્દેશ્ય છે જ, છતાં ફિલ્મમેકરને આ સવાલ હંમેશાં ખૂંચે છે. આજે એક ઉદ્દેશ્ય, એક રસ્તો મળી ગયો. દિશા મળી ગઈ, જેની અમને બધાને જરૂર છે."

'દક્ષિણ ભારતીય કલાકારોની બાદબાકી કેમ?'

જોકે બીજી તરફ આ અંગે સવાલ પણ ઊઠી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર બીજી તરફ એવો સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે દક્ષિણ ભારતીય ફિલ્મ ઇંડસ્ટ્રીની કાર્યક્રમમાંથી બાદબાકી કેમ કરવામાં આવી?

ઉપાસના કોનિડેલાએ આ અંગે ટ્વીટ કર્યું છે.

ઉપાસના કોનિડેલા દક્ષિણના પ્રખ્યાત અભિનેતા ચિરંજીવીનાં પુત્રવધૂ છે.

નરેન્દ્ર મોદીને સંબોધીને કરેલા આ ટ્વીટમાં તેમણે લખ્યું છે, "અમે દક્ષિણ ભારતના લોકો તમને વડા પ્રધાન તરીકે ગમાડીએ છીએ."

તેમણે એવું પણ લખ્યું છે કે કાર્યક્રમમાં હિંદી ઇંડસ્ટ્રીના કલાકારો જ સામેલ થયા હતા અને દક્ષિણની ફિલ્મ ઇંડસ્ટ્રીની ઉપેક્ષા થઈ હતી.

તેમણે લખ્યું છે, "હું દુ:ખ અને આશા સાથે મારી લાગણી વ્યક્ત કરું છું."

ઉપાસનાએ કરેલા આ ટ્વીટ પર અનેક ટિપ્પણી પણ થઈ.

અનેક લોકોએ મોદીએ દક્ષિણ ભારતીય કલાકારોને ગણતરીમાં ન લીધા એ વાત સાથે સહમતી બતાવી.

તો સામે અમુક લોકોએ નરેન્દ્ર મોદીએ દક્ષિણ ભારતીય કલાકારો સાથે કરેલી મુલાકાતની તસવીરો પણ જવાબમાં રજૂ કરી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો