અયોધ્યા વિવાદ કેસ : સુપ્રીમ કોર્ટમાં નકશો ફાડનારા વકીલ રાજીવ ધવન કોણ છે?

ઇમેજ સ્રોત, Dr. Rajeev Dhavan Social By Ajay Singh
સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે અયોધ્યામાં રામજન્મભૂમિ વિવાદની સુનાવણી દરમિયાન એક સમયે એવું લાગ્યું કે જાણે બોલીવૂડ ફિલ્મમાં આવતી કોર્ટનો નજારો છે.
મુસ્લિમ પક્ષ તરફથી દલીલ કરી રહેલા સિનિયર વકીલ રાજીવ ધવને અયોધ્યા પરના એક પુસ્તકના નકશાને ફાડી નાખ્યો હતો.
આ ઘટના બાબતે અખિલ ભારતીય હિંદુ મહાસભાએ બાર કાઉન્સિલમાં ફરિયાદ કરી છે.
અખિલ ભારતીય હિંદુ મહાસભા તરફથી દલીલો કરી રહેલા વકીલ વિકાસ સિંહ એક પુસ્તકના નકશાને ખૂબ જ ઉત્સાહ સાથે દેખાડી રહ્યા હતા.
તેને બતાવીને હિંદુ મહાસભા કોર્ટમાં એ સાબિત કરવાની કોશિશ કરી રહી હતી કે રામનો જન્મ ત્યાં જ થયો હતો.
સિનિયર વકીલ વિકાસ સિંહ કોર્ટ રૂમમાં આ પુસ્તકને બતાવવાની મંજૂરી માગવાની ખૂબ જ ઉત્સાહથી કોશિશ કરી રહ્યા હતા. આ સમયે ધવન પોતાના પર કાબૂ રાખી શક્યા નહીં.
રાજીવ ધવનને આ મામલે ગુસ્સો આવ્યો અને તેમણે જજને કહ્યું, "માઇ લૉર્ડ, આને કોર્ટમાં શા માટે બતાવવામાં આવી રહ્યો છે, શું આ નકશાને ફાડવાની મંજૂરી છે?"
મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલે કશું ના કહ્યું, જજ રાજીવ ધવનને સાંભળતા રહ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ. ધવને કહ્યું કે અંતિમ સમયે આ નકશા પર ભરોસો ના કરવો જોઈએ. ધવને કોર્ટને અનુરોધ કર્યો કે આ નકશાને બતાવવાની મંજૂરી ના આપવી જોઈએ.

નકશો ફાડી નખાયો

ઇમેજ સ્રોત, Getty Images
વિકાસ સિંહ કોર્ટને કહી રહ્યા હતા કે પૂર્વ આઈપીએસ અધિકારી કિશોર કૃણાલના પુસ્તક 'અયોધ્યા રિવિઝિટેડ'ના નકશાને બતાવવાની અનુમતી મળવી જોઈએ અને કોર્ટ તેના પર ભરોસો કરી શકે છે.
આખરે વિકાસ સિંહે કહ્યું કે તેઓ કોર્ટને આ નકશો રેકૉર્ડમાં રાખવા માટે કહેશે નહીં.
આ ડ્રામા બાદ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ વકીલોને કહ્યું કે આ કેવી ચર્ચા ચાલી રહી છે? જો આ દિશામાં ચર્ચા ચાલતી રહી તો અમે ઊઠીને જતા રહીશું.
જે બાદ વિકાસ સિંહે સ્થિતિને સંભાળવાની કોશિશ કરી અને માફી માગી. વિકાસ સિંહે કહ્યું કે તેઓ હંમેશાં કોર્ટના અનુશાસનનું પાલન કરે છે.
જે બાદ ધવને આ નકશાને કોર્ટરૂમમાં જ ફાડી નાખ્યો. વકીલો અને વિઝિટરોથી ખચોખચ ભરેલા કોર્ટરૂમમાં બધા લોકો અચંબામાં પડી ગયા.

કોણ છે રાજીવ ધવન?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
1994માં અયોધ્યા મામલામાં ચર્ચામાં આવેલા રાજીવ ધવન સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ છે.
તેમણે અલાહાબાદ અને શેરવુડ સ્કૂલ, નૈનીતાલમાં અભ્યાસ કર્યો છે.
અલાહાબાદ યુનિવર્સિટીમાંથી બીએ. એલએલબી, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી બીએ એમએ અને લંડન યુનિવર્સિટીમાંથી પીએડીની પદવી પ્રાપ્ત કરી છે.
1994થી તેઓ સુપ્રીમ કોર્ટના વકીલ છે અને દેશના અનેક મહત્ત્વના કેસોમાં તેઓ દલીલો કરી ચૂક્યા છે.
વકીલ તરીકે ધારદાર દલીલો કરનારા ધવનને નાટકો પ્રત્યે અનોખો પ્રેમ છે. તેમણે શેક્સપિયર વિશેના નાટકમાં અભિનય કર્યો છે અને તેનું દિગદર્શન પણ કર્યું છે.
રાજીવ ધવનના પિતા શાંતિ સ્વરૂપ ધવન બ્રિટનમાં ભારતના રાજદૂત, પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ અને લૉ કમિશનના સભ્ય રહી ચૂક્યા છે.
અયોધ્યા વિવાદના કેસમાં રાજીવ ધવન સુન્ની વકફ બોર્ડ અને બીજા મુસ્લિમ પક્ષકારો તરફથી સુપ્રીમ કોર્ટમાં દલીલો કરતા હતા.
એનડીટીવીના અહેવાલ મુજબ રાજીવ ધવન કૉંગ્રેસના નેતા અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ પાસેથી વકીલાતમાં ઘણું શિખ્યા હતા. પછી તેઓ પોતાની રીતે આ ક્ષેત્રમાં સફળ થતા ગયા. મંડલ મામલામાં પણ તેઓ સમાચારોમાં ચમક્યા હતા.
આજતકના અહેવાલ પ્રમાણે રાજીવ ધવને આ પહેલાં પણ કેટલાક કેસમાં જજ સાથે ઉગ્ર દલીલો કરી હતી.
2013માં 2G મામલાની સુનાવણી દરમિયાન તેમની જસ્ટિસ જી. એસ સિંઘવી સાથે ઉગ્ર દલીલ થઈ ગઈ હતી.
તેમની 2014માં જસ્ટિસ કે. એસ. રાધાકૃષ્ણન અને જસ્ટિસ ખેહર સાથે પણ ઉગ્ર ચર્ચા થઈ હતી.
રાજીવ ધવનની વેબસાઇટ પ્રમાણે તેમણે કુલ 27 જેટલાં પુસ્તકો લખ્યાં છે.

છેલ્લા દિવસની સુનાવણી

ઇમેજ સ્રોત, Ani
રામમંદિર-બાબરી મસ્જિદ વિવાદ પર 40 દિવસો સુધી ચાલેલી સુનાવણી બુધવારે પૂર્ણ થઈ ગઈ.
એવું માનવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટ નવેમ્બરમાં પોતાનો ચુકાદો સંભળાવી શકે છે કારણ કે મુખ્ય ન્યાયાધિશ જસ્ટિસ રંજન ગોગોઈ 17 નવેમ્બરના રોજ નિવૃત થવાના છે.
આ એક ઐતિહાસિક ચુકાદો હશે. રાજકીય રૂપથી ખૂબ જ સંવેદનશીલ રામમંદિર અને બાબરી મસ્જિદની જમીનની માલિકી પરનો વિવાદ છે.
છેલ્લી સુનાવણીના એક દિવસ પહેલાં જસ્ટિસ ગોગોઈએ કહ્યું હતું કે બુધવારે સાંજે પાંચ વાગ્યે સુનાવણી પૂર્ણ થઈ જશે. જોકે, બુધવારે એક કલાક પહેલાં જ સુનાવણી પૂર્ણ કરવાની ઘોષણા કરી દીધી હતી.
સાથે જ કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો દલીલો બાકી હોય તો સંબંધિત પક્ષ ત્રણ દિવસની અંદર લેખિતમાં મોકલી શકે છે.
બેન્ચની અધ્યક્ષતા ભારતના મુખ્ય ન્યાયાધીશ કરી રહ્યા હતા. 40 દિવસો સુધી ચાલેલી લાંબી સુનાવણી બાદ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














