You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
INDvSA : દક્ષિણ આફ્રિકાને 11 વર્ષ પછી ફૉલોઓન કરી ભારતે ઘરઆંગણે સતત 11મી ટેસ્ટ સિરીઝ જીતી
ભારતે દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝની બીજી મૅચમાં વિજય મેળવી સિરીઝ જીતી લીધી છે.
ભારતનો આ મૅચમાં ઇનિંગ અને 137 રનથી વિજય થયો છે.
ભારતે પહેલી ઇનિંગમાં પાંચ વિકેટે 601 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. દ
ક્ષિણ આફ્રિકાની ટીમ પહેલી ઇનિંગમાં માત્ર 275 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
દક્ષિણ આફ્રિકાની ટીમ 11 વર્ષ પછી ફૉલોઓન થઈ હતી. બીજી ઇનિંગમાં પણ દક્ષિણ આફ્રિકાની ટીમ 189 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી.
ભારત તરફથી ઉમેશ યાદવ અને જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. અશ્વિને બે વિકેટ લીધી હતી. જ્યારે ઇશાંત શર્મા અને મોહમ્મદ શમીએ એક એક વિકેટ લીધી હતી.
ભારત તરફથી પહેલી ઇનિંગમાં વિરાટ કોહલીએ 254* રન અને મયંક અગ્રવાલે 108 રન બનાવ્યા હતા. જ્યારે રવીન્દ્ર જાડેજાએ 91 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ચેતેશ્વર પુજારાએ 58 રન અને અજિંક્યા રહાણેએ 59 રન કર્યા હતા.
કૅપ્ટન વિરાટ કોહલીને મૅન ઑફ ધ મૅચ જાહેર કરાયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પહેલી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાના બૉલર રબાડાએ 30 ઓવરમાં 93 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે મહારાજાએ 50 ઓવરમાં 196 આપીને એક વિકેટ લીધી હતી. એસ મુથુસ્વામીએ 19.3 ઓવરમાં 97 રન આપીને એક વિકેટ લીધી હતી.
દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલી ઇનિંગમાં 275 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી.
પહેલી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાની ટીમમાંથી દસમાં ક્રમે બેટિંગ કરવા ઉતરેલાં મહારાજે 72 રન અને ફિલાન્ડરે અણનમ 44 રન કર્યા હતા.
તે બેઉની 109 રનની ભાગીદારીએ દક્ષિણ આફ્રિકાને 275 રન બનાવવામાં મદદ કરી હતી. કૅપ્ટન ફાફ ડુપ્લેસિસે 64 રન કર્યા હતા.
દક્ષિણ આફ્રિકાની ટીમના પહેલાં પાંચમાંથી ચાર બેટ્સમેન એક અંકના સ્કોરમાં આઉટ થયા હતા.
પહેલી ઇનિંગમાં ભારતના ઑફસ્પિનર રવીચંદ્રન અશ્વિને 28.4 ઓવરમાં 69 રન આપીને 4 વિકેટ લીધી હતી. ઉમેશ યાદવે ત્રણ, મોહમ્મદ શમીએ બે અને જાડેજાએ એક વિકેટ લીધી હતી.
ઘરઆંગણે સતત 11 ટેસ્ટ સિરીઝ જીતવાનો રેકોર્ડ
ભારતીય ક્રિકેટ ટીમે ભારતમાં સતત 11 ટેસ્ટ મૅચ સિરીઝ જીતીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
પોતાના હૉમ ગ્રાઉન્ડ પર સતત 10 ટેસ્ટ સિરીઝ જીતવાનો આ રેકોર્ડ ઑસ્ટ્રેલિયાના નામે હતો.
ઑસ્ટ્રેલિયાએ 2002થી 2008ની વચ્ચે સતત 10 ટેસ્ટ સિરીઝ પોતાના ઘરઆંગણે જીતી હતી.
ભારત આ 11 ટેસ્ટ સિરીઝમાં એક જ મૅચ ઓસ્ટ્રેલિયાની સામે હાર્યું છે.
ભારતે 2013થી 19ની વચ્ચે 31 ટેસ્ટ મૅચ રમી છે જેમાંથી 25 ટેસ્ટ મૅચ જીતી છે. એક હાર્યું છે અને 5 મૅચ ડ્રો રહી છે.
ભારત છેલ્લે 2012-13માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ હાર્યું હતું. અમદાવાદ ખાતે યોજાયેલી ટેસ્ટ મૅચમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. ત્યારપછી મુંબઈ અને કોલકાતા ખાતે યોજાયેલી બે ટેસ્ટ મૅચ ઇંગ્લેન્ડે જીતી હતી.
2008 પછી દક્ષિણ આફ્રિકાને ફૉલો-ઓન કરનાર ભારત પહેલી ટીમ
ભારતની ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને પૂણે ટેસ્ટ મૅચમાં ફૉલોઓન કરી હતી.
ભારતે પહેલી બેટિંગ કરતાં 601 રનનો ટાર્ગેટ દક્ષિણ આફ્રિકાની ટીમને આપ્યો હતો.
2008 પછી દક્ષિણ આફ્રિકાની ટીમ ક્યારેય ફૉલોઓન થઈ ન હતી.
દક્ષિણ આફ્રિકાની ટીમને આ અગાઉ ઇંગ્લેન્ડની ટીમે ફૉલોઓન કરી હતી.
સાહાનો એ કૅચ
ટેસ્ટ મૅચના ચોથા દિવસે રિદ્ધિમાન સાહાએ કરેલો દક્ષિણ આફ્રિકાના કૅપ્ટન ફાફ ડુપ્લેસિસનો કૅચ ચર્ચાસ્પદ રહ્યો હતો.
23મી ઓવરમાં અશ્વિનના ઑફ બ્રેક બૉલને ડુપ્લેસિસ રમવા ગયા ત્યારે પૅડ અને બૅટ વચ્ચેથી ઇનસાઈડ ઍજ નીકળીને બૉલ સાહાના હાથમાં ગયો.
સાહાએ કૅચ કરવા માટ ત્રણ વખત પ્રયત્ન કર્યા પરંતુ કૅચ કરી શક્યા નહીં. છેલ્લે ચોથા પ્રયત્ને સાહાએ કૂદકો મારીને કૅચ કર્યો હતો.
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં ટોપમાં
ભારત આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પહેલાં ક્રમે યથાવત્ત છે. ટેસ્ટ મૅચ ભારત ચાર ટેસ્ટ મૅચ હાલ સુધી રમ્યું છે. તેણે ચારેય ટેસ્ટ મચેમાં જીત મેળી હોવાથી તે હાલ 200 પોઇન્ટની સાથે પહેલાં ક્રમે યથાવત્ છે.
અગાઉ ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામેની બે ટેસ્ટ મૅચની સિરીઝની બંને ટેસ્ટ મેચ જીતી હતી. હવે દક્ષિણ આફ્રિકા સામેની બંને ટેસ્ટ મૅચને જીતી છે.
આગામી ત્રીજી ટેસ્ટ મૅચ 19 ઑક્ટોબર શનિવારે રાંચીમાં યોજાવાની છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો