સુસ્તી કે મંદી : ભારતનું અર્થતંત્ર આખરે કઈ દિશામાં જઈ રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આલોક જોશી,
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી હિન્દી માટે
છેલ્લા કેટલાક સમયથી એ વાત અંગે સતત ચર્ચા થઈ રહી છે કે અર્થતંત્રમાં મંદી છે કે નહીં. આ પ્રશ્નનો જવાબ હા કે નામાં આપનાર મોટા-મોટા વર્ગો છે.
બંને વર્ગો પાસે પોતપોતાના તર્ક પણ છે અને તેના સમર્થન માટેના આંકડા પણ છે, પરંતુ આ કોયડો માત્ર આંકડાથી તો ઉકેલાવાનો નથી. કહેવાય છે કે મંદી હોય ત્યારે તે ચારે તરફ દેખાય છે. તે ના ચૂપચાપ આવે છે, ના જાય છે.
બીજા કોઈની વાત માનો કે ન માનો પરંતુ રિઝર્વ બૅન્કની વાત તો માનવી જ પડશે. રિઝર્વ બૅન્કના ગવર્નરને તો ફેબ્રુઆરી મહિનામાં જ અર્થતંત્રમાં મંદી આવવાની શક્યતા છે તેવી ખબર પડી ગઈ હતી, એવું જણાવી ચૂક્યા છે.
તેમને આ અહેસાસ થયા બાદથી જ તેઓ મંદી સામે ઝઝૂમવા માટે તૈયારી કરી રહ્યા છે.
હવે તો સતત છઠ્ઠી વખત પૉલિસી રેટ એટલે કે આખા દેશની બૅન્કોને વ્યાજદર બાબતે માર્ગદર્શન આપનાર દરમાં ઘટાડો કર્યા બાદ પણ તેઓ કહી રહ્યા છે કે બૅન્કો અને નોન-બૅન્કિંગ માધ્યમો એટલે કે બીજી ફાઇનાન્સ કંપનીઓ દ્વારા કૉમર્શિયલ સૅક્ટરને અપાતી રકમમાં 88 ટકાનો ઘટાડો નોંધાયો છે.
એટલે કે જ્યાં 2018માં, એપ્રિલથી લઈને સપ્ટેમ્બર મહિનાના મધ્યભાગ સુધી, 100 રૂપિયા જતા હતા તેના સ્થાને આ વર્ષે માત્ર 12 રૂપિયા ગયા, પરંતુ 100 રૂપિયા સામે 12 રૂપિયા એ મોટી રકમ નથી લાગતી. તેથી આ ગણિતને બીજી રીતે સમજવું પડશે.
આ 12 ટકા રકમ એટલે 90,995 કરોડ રૂપિયા થાય અને 100 ટકા એટલે 7,36,000 કરોડ રૂપિયા અને આ રકમમાં જે ઘટાડો થયો છે એટલે કે 88 ટકા એટલે કે 6,45,000 કરોડ રૂપિયા થાય.
આ સાથે જ રિઝર્વ બૅન્કના રિપોર્ટમાં બીજા પણ આંકડા છે, પરંતુ એ બધા આંકડા વિશે જણાવવાથી તમે વધુ ગૂંચવાઈ જશો. તેમ છતાં જો તમે જાણવા માગતા હોવ તો રિઝર્વ બૅન્કની સાઇટ પર આ આંકડાઓ જોઈ શકો છો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીં વધારે મહત્ત્વની અને સમજવાની વાત તો એ છે કે આ કૉમર્શિયલ સૅક્ટર એટલે શું? તમને લાગી રહ્યું હશે કે કદાચ આ વેપાર માટે અપાતી લૉનનું બીજું નામ હશે, પરંતુ એવું બિલકુલ નથી.
તેમાં મૅન્યુફૅક્ચરિંગ એટલે કે ફેકટરી, ફાર્મિંગ એટલે કે ખેતી અને ટ્રાન્સપૉર્ટ એટલે કે ગાડીઓના કારોબારનો સમાવેશ થતો નથી.
તો હવે શું વધ્યું? હવે એમાંથી બાકી રહ્યા આસપાસ દેખાતા એ તમામ કારોબાર જે આ ત્રણેયમાં સામેલ નથી.
બધા નાના વેપારી, દુકાનદારો, આડતિયા અને રિટેલર એટલે કે અનાજથી લઈને હાર્ડવેર અને ફ્રિજ, ટીવી કે કાર વગેરેના ડીલર.
મગજ પર થોડું જોર નાખશો તો તમને સમજાઈ જશે કે આ જ લોકોના ભરોસે અર્થતંત્રનું ચક્ર ચાલે છે કે બીજા શબ્દોમાં કહીએ તો બજારમાં લેવડદેવડનું ચક્ર ચાલતું રહે છે.
દેવું મળી નથી રહ્યું કે કોઈ દેવું લઈ નથી રહ્યું?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
તો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે બૅન્ક તેમને દેવું આપી નથી રહી કે તેઓ દેવું લઈ નથી રહ્યા.
બજેટ અને તે પછી આવેલા ત્રણ સપ્લિમેન્ટ પરથી તમને એવું તો સમજાઈ જ ગયું હશે કે બૅન્કો માત્ર આ ક્ષેત્રને જ નહીં પરંતુ તમામને દેવું આપે એ માટે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહી છે.
તમારી પાસે પણ 5-7 કંપનીઓ કે બૅન્કોના ફોન આવતા જ હશે, જેઓ તમને લૉન આપવા માટે આતુર છે.
એટલે કે બૅન્કો તો નાણાં આપવા માગે છે અને જો આ લોકો લૉન નથી લઈ રહ્યા તો તેનાં કારણો શું છે એ સમજવું જરૂરી છે.
અર્થશાસ્ત્રીઓ પાસે આ વલણને સમજાવતાં કેટલાંક જટીલ કારણો હોઈ શકે છે, પરંતુ આપણે એ સમજવું જોઈએ કે આપણે લૉન શું વિચારીને લઈએ છીએ અને ક્યારે નથી લેતા.
આપણે ક્યારે લૉન લઈએ છીએ?

ઇમેજ સ્રોત, PTI
આપણે ઘર માટે ત્યારે જ લૉન લઈએ છીએ જ્યારે આપણને એવું લાગવા માંડે છે કે ઘરનું ભાડું વધતું જઈ રહ્યું છે અને લૉનના હપ્તા તો વધવાના નથી ઊલટું ઘરની કિંમત વધશે, એટલે લૉન ચૂકવી દેવાય ત્યાં સુધી તો ઘણો ફાયદો પણ થઈ ચૂક્યો હશે.
આપણે કાર માટે લૉન લઈએ છીએ, કારણ કે આપણને એવું લાગે છે કે હપ્તા પર કાર આવી જશે, આવવા-જવામાં આરામ રહેશે અને સ્ટેટસમાં પણ વધારો થશે, પરંતુ આ સાથે એક અન્ય જરૂરી વાત પણ છે.
આપણે લૉન ત્યારે જ લઈએ છીએ જ્યારે આપણને વિશ્વાસ હોય છે કે આપણી નોકરી જળવાઈ રહેશે, ના માત્ર પગાર મળતો રહેશે પરંતુ વધશે પણ ખરો.
જો માણસને આ વાત અંગે જરા પણ સંકોચ હોય તો તે લૉનના હપ્તા ચૂકવવામાં લાગી જાય છે. તે વિચારવા લાગે છે કે હપ્તામાંથી મુક્તિ મળશે તો અન્ય ખર્ચની વ્યવસ્થા તો ગમે ત્યાંથી કરી લઈશું.
હવે આ જ ઉદાહરણને એક વેપારીની દૃષ્ટિથી જુઓ. ધંધો ચાલી રહ્યો છે, માલની અવરજવર ચાલુ છે, ગ્રાહકોની લાઇનો લાગેલી છે - જો આવી પરિસ્થિતિ હશે તો તેને કોઈ ચિંતા નથી, બૅન્ક પાસેથી લૉન લીધી અને માલ ભરાવી લીધો, વધુ ઑર્ડર આપ્યા અને માલ વેચ્યો.
પ્રગતિની ગતિ વધતી રહેશે. પરંતુ જો એક દિવસ પણ માલ ઓછો વેચાય, આવી જ રીતે એક અઠવાડિયું વીતી જાય, તો ચિંતા થવા લાગે છે.
જો આવું જ આખા મહિના દરમિયાન ચાલતું રહે તો આ ચિંતા વધી જાય છે, સપ્લાયરના ઑર્ડર ઘટવા લાગે છે અને ગ્રાહકો પાસેથી પૈસા વસૂલવાની દિશામાં વધારે પ્રયત્નો થવા લાગે છે.
આ જ પરિસ્થિતિમાં બૅન્ક પાસેથી લૉન લેવાનું ઘટી જાય છે અને આ ઘટાડો ત્યાં સુધી ચાલુ જ રહે છે જ્યાં સુધી દુકાનદારને ફરીથી તેજીનો અહેસાસ ન થાય.

શું મંદી આવી ગઈ છે, કેવી રીતે સમજશો?

ઇમેજ સ્રોત, Getty Images
દુકાનદારીમાં મંદી ક્યારે આવે છે? આપણે બધા ક્યારે પોતપોતાના ખર્ચ ઘટાડી દઈએ છીએ, જરૂરિયાતની વસ્તુઓને બાદ કરતાં બાકીની વસ્તુઓની ખરીદી આપણે ક્યારે ટાળી દઈએ છીએ?
આ સમય ત્યારે જ આવે છે જ્યારે તમને તમારી કમાણી અને પોતાના રોજગારની ચિંતા થવા લાગે છે, જ્યારે એવા પ્રશ્નો ઊભા થવા લાગે છે કે ખબર નહીં કામ રહેશે કે નહીં, ખબર નહીં પગાર મળશે કે નહીં.
બચત પર કેટલા દિવસ સુધી ઘર ચાલશે અને બૅન્કમાં પણ વ્યાજનો દર ઘટતો જઈ રહ્યો છે વગેરે.
આ વાત કોઈ એક માણસ, એક પરિવાર કે એક મોહલ્લાની નથી પરંતુ આખા અર્થતંત્રમાં વિકાસ પ્રત્યે વધતા જઈ રહેલા અવિશ્વાસના સંકટની છે.
રિઝર્વ બૅન્કે પૉલિસી રેટમાં 25 બેઝિક પૉઇન્ટનો જેટલો ઘટાડો કર્યો છે, પરંતુ સાથે જ રિઝર્વ બૅન્કે જીડીપી એટલે કે દેશના વિકાસના દરમાં 0.8 ટકાના ઘટાડાનું અનુમાન કર્યું છે.

આશા, વાયદા અને માર્કેટ બધું હવા

ઇમેજ સ્રોત, Reuters
બજેટમાં સરકાર પાસેથી જે આશાઓ હતી તે પૂરી નથી થઈ, ત્યાર બાદ નેતાઓ અને અધિકારીઓએ વિચાર્યું કે કોઈ જાદુ જ કરી દેવાય તો સારું.
શેરબજારના બાજીગરોએ તો એવી હવા પણ બનાવી દીધી કે જાદુ થઈ ગયું છે, પરંતુ આ બધું 4 દિવસની ચાંદની સાબિત થયું અને ફરીથી એનો એ જ પ્રશ્ન સામે ઊભો થઈ ગયો.
આખરે વિકાસને પાટા પર કેવી રીતે લાવવો. જેમ-જેમ સમય પસાર થશે તેમ-તેમ આ પ્રશ્નનો જવાબ વધારે મુશ્કેલ બનતો જશે.
હું આ પ્રશ્નનો જવાબ નથી જાણતો. હું તો બસ એટલું જ જાણું છું કે જ્યારે પણ સામે મોટો પડકાર હોય ત્યારે બધાએ એકબીજાની સાથે મળીને કામ કરવું જોઈએ.
દેશમાં અને દેશની બહાર એવા ઘણા દેશપ્રેમીઓ અને વિદ્વાનો છે જેઓ આ સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે.
નિરાકરણ મેળવવા માટે બસ એટલી જ શરત છે કે બધા આ વાતને સમજે અને બધા સાથે બેસીને આ સમસ્યાનો માર્ગ કાઢે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












