અશોક ગેહલોત : વિજય રૂપાણી સાબિત કરે કે ગુજરાતમાં દારૂ પીવાતો નથી તો હું રાજકારણ છોડી દઈશ

અશોક ગેહલોત

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતના દારૂ પીવાના નિવેદન બાદ શરૂ થયેલો વિવાદ હજી શમવાનું નામ લેતો નથી.

અશોક ગેહલોતના નિવેદનને ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજ્યનું અપમાન ગણાવીને માફી માગવાની વાત કરી હતી.

વિજય રૂપાણીની માફી માગવાની વાત સામે અશોક ગેહલોતે કહ્યું છે કે જો તેમણે કહ્યું તે ખોટું હોય અને તે સાબિત કરી દે તો તેઓ રાજકારણ છોડી દેશે. નહીં તો વિજય રૂપાણી રાજકારણ છોડી દે.

અશોક ગેહલોતે ગુજરાતની દારૂબંધી મામલે કહ્યું હતું કે તેઓ ચૂંટણીઓના સમયે એક વર્ષ માટે ગુજરાતમાં હતા. ગુજરાતમાં આઝાદી બાદથી દારૂબંધી છે, પરંતુ ગુજરાતમાં સૌથી વધારે દારૂ પીવાય છે.

આ મામલે ગુજરાતના વિજય રૂપાણીએ કહ્યું, "ગેહલોતે ઘરેઘરે દારૂ પીવાય છે એવું કહીને સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે. તેમણે ગુજરાતીઓની માફી માગવી પડે."

line

સાબિત કરે તો હું રાજકારણ છોડી દઈશ : ગેહલોત

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

અશોક ગેહલોત મંગળવારે રાજસ્થાનના જોધપુરના પ્રવાસે હતા. આ સમયે તેમણે પત્રકારપરિષદ સંબોધી હતી.

અહીં તેમને વિજય રૂપાણીની માફી માગવાની વાત અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો.

તેના જવાબમાં ગેહલોતે કહ્યું, "મેં કહ્યું કે એ ત્યાંના લોકોને ઘરેઘરે (ગુજરાતના) ખબર છે. આ વાતની ઘરઘરમાં ચર્ચા થઈ હશે કે સાચું કહ્યું કે ખોટું કહ્યું. હું ખોટું બોલી રહ્યો છું કે ગુજરાતના મુખ્ય મંત્રી ખોટું બોલી રહ્યા છે?"

"મેં જે કહ્યું હતું તે જોઈને જ કહ્યું હતું. મને અનુભવ થયો તે પ્રમાણે કહ્યું હતું. ઘરઘરનો મતલબ જુમલો છે, તેનો મતલબ મોટાં ભાગનાં ઘરમાં દારૂ પીવાય છે."

"મેં એવું નહોતું કહ્યું કે સો ટકા લોકો દારૂ પીવે છે. તેઓ (રૂપાણી) અપરાધબોધથી પીડાઈ રહ્યા છે. ગુજરાતમાં આઝાદી બાદથી દારૂબંધી છે ત્યાં એટલા પ્રમાણમાં લોકો દારૂ પી રહ્યા છે કે કલ્પના ન કરી શકાય."

ગેહલોતે કહ્યું કે તેમણે (વિજય રૂપાણી) એવું કહેવું જોઈતું હતું કે દારૂ રાજસ્થાનથી આવતો હોય, મધ્ય પ્રદેશથી આવતો હોય, તો ત્યાંની સરકારો તેમની મદદ કરે કે તેમને ત્યાં દારૂની તસ્કરી ન થવી જોઈએ.

રાજસ્થાનના મુખ્ય મંત્રીએ કહ્યું કે આવું કહેવાના બદલે તેમણે (વિજય રૂપાણી) સ્પષ્ટતા કરી કે ત્યાં કોઈ દારૂ પીતા નથી.

તેમણે કહ્યું, "જો ત્યાં કોઈ દારૂ પીતું નથી અને મેં કહ્યું એ ખોટું છે તો તેઓ સાબિત કરી દે તો હું રાજકારણ છોડી દઈશ અથવા તેઓ રાજકારણ છોડી દે."

line

ભાજપ-કૉંગ્રેસ વચ્ચે દારૂબંધીને લઈને ઘમસાણ

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, Getty Images

અશોક ગેહલોતના નિવેદન બાદ ગુજરાતના વિજય રૂપાણી સૌપ્રથમ સામે આવ્યા અને તેમણે ગેહલોતને માફી માગવા કહ્યું હતું.

અશોક ગેહલોકના નિવેદનને રૂપાણીએ ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું હતું અને તેમણે એમ પણ કહ્યું હતું કે જો ગેહલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરાવે.

રૂપાણીએ ગુજરાત કૉંગ્રેસને પણ આ નિવેદન મામલે જવાબ આપવાનું કહ્યું હતું.

જે બાદ ભાજપના પ્રવક્તા અને અન્ય નેતાઓએ પણ અશોક ગેહલોતની ટીકા કરી હતી.

આ દરમિયાન ગુજરાતમાં ખુલ્લે ચોક દારૂ વેચાઈ રહ્યો હોવાનો દાવો કરતાં કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, "મુખ્ય મંત્રીના મતક્ષેત્ર રાજકોટ શહેરના જ જુદાજુદા વિસ્તારોમાં ગેરકાયદે દારૂ વેચાય છે અને કૉંગ્રેસના કાઉન્સિલર આના વિરુદ્ધમાં લડત લડે છે."

ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ કહ્યું હતું કે ગુજરાતમાં દારૂ મળે છે અને દારૂબંધી હોવા છતાં દારૂ વેચાય છે.

વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ આ મામલે ટ્વીટ કરીને ગુજરાતમાં દારૂબંધીના દાવા પોકળ હોવાની વાત કરી હતી.

મેવાણીએ ટ્વીટ કર્યું હતું, "ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં તમામ જિલ્લામાં દારૂ વેચાય છે."

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

line

અંગ્રેજોના આગમન પૂર્વે ગુજરાતમાં દારૂ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, iStock

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગુજરાતની દારૂબંધીની આ નીતિની ઘણી વખત ટીકા પણ થઈ છે.

સમાજશાસ્ત્રી વિદ્યુત જોષીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે આ પ્રકારની નીતિ, દારૂના ગેરકાયદેસર વેચાણને પ્રોત્સાહન આપે છે અને લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓના ખતરાને અવકાશ આપે છે.

દારૂબંધીની અસરો પર દક્ષિણ ગુજરાતના લોકો સાથેના તેમના અભ્યાસ વિશે વાત કરતાં વિદ્યુત જોષી કહે છે, "ગુજરાતમાં અંગ્રેજો આવ્યા એ પહેલાં, ઘણા સમાજ પોતાના ખાનપાનના ભાગરૂપે જાતે દારૂ બનાવતા હતા, જેનું વેચાણ થતું નહોતું."

"ઘરમાં જેમ શાક-રોટલી બને તેવી રીતે દારૂ પણ બનતો હતો અને તે સાવ સામાન્ય બાબત હતી."

વિદ્યુત જોષી કહે છે, "અંગ્રેજોના આગમન બાદ તેના ઉપર કંટ્રોલ આવ્યો, દારૂ બનાવવાના પરવાનાઓ પારસી સમાજના અનેક લોકોને આપવામાં આવ્યા."

"ગુજરાતની અલગ રાજ્ય (તત્કાલીન મુંબઈ રાજ્યમાંથી) તરીકેની સ્થાપના બાદ અહીં દારૂબંધી લાગુ કરવામાં આવી હતી, જેના પછી દારૂનું ગેરકાયદેસર વેચાણ શરૂ થયું."

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો