નરેન્દ્ર મોદીના જન્મદિને ગુજરાતની શાળાઓમાં કલમ 370 અંગે શું આદેશ અપાયો?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં કલમ 370 અને આર્ટિકલ 35A પરનો એક સરકારી પત્ર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી રાકેશ વ્યાસે બહાર પાડેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને શાળામાં ઊજવવો અને તેમાં 370ની કલમ તથા આર્ટિકલ 35A અંગે વાત કરવી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ છે. એ સમયે ગુજરાતમાં તેની ઉજવણી થવાની છે.

આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે સરકારી ગ્રાન્ટ લેતી શાળાઓ અને ગ્રાન્ટ ન લેતી હોય તેવી શાળાઓએ પણ કાર્યક્રમો આયોજિત કરવા.

તેમાં જણાવ્યા મુજબ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 370 અને 35A અંગે વકતૃત્વ સ્પર્ધાઓ રાખવી, નિબંધ સ્પર્ધા રાખવી તથા નિષ્ણાતોનાં ભાષણ પણ રાખવાં.

ઉપરાંત તેમાં કહેવામાં આવ્યું છે કે દરેક શાળાઓએ આયોજિત કરેલા કાર્યક્રમની તસવીરો શિક્ષણ નિયામકને મોકલી દેવી.

પરિપત્ર પાછળનો ઉદ્દેશ શું છે?

અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી રાકેશ વ્યાસે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે આ પરિપત્રમાં કંઈ ખોટું નથી.

તેમણે કહ્યું, "અમે જ કાર્યક્રમ કરવાની વાત કરી છે તેમાં કંઈ ખોટું નથી. દર વખતે શાળાઓમાં ચર્ચાતા વિષયો પર વાત થતી હોય છે."

"હાલના સમયમાં કલમ 370 અને 35A ચર્ચાતો મુદ્દો છે, દરેક ચર્ચાતા મુદ્દાની પ્રાર્થનામાં ચર્ચા થતી હોય છે."

"જેમાં આવા નિર્ણયો કોણ લઈ શકે, રાજ્ય કે કેન્દ્ર સરકાર આવી બાબતો વિશે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટેનો આ પ્રયાસ."

વ્યાસના કહેવા પ્રમાણે આવનારા સમયમાં પાઠ્યપુસ્તકોમાં પણ ફેરફારો કરવા પડશે. હાલ જે 29 રાજ્યો લખાય છે, તેને હવે 28 કરવાં પડશે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશો 7 હતા તે હવે 8 થશે.

તેમણે કહ્યું, "આ અંગે વિદ્યાર્થીઓને માહિતી મળે તે માટે 17 સપ્ટેમ્બરે પ્રાર્થનામાં આવા કાર્યક્રમ રાખવાનું નક્કી થયું છે."

"17મી સપ્ટેમ્બરના આ કાર્યક્રમનો ઉદ્દેશ રાજકીય નથી પરંતુ વડા પ્રધાન અને સંસદ સાથે બાળકોને જોડી શકાય એ અંગેનો છે."

'રાજકીય છાપ ઊભી કરવાનો પ્રયત્ન'

જિલ્લા શિક્ષણ અધિકારીની વાત સાથે કેટલાક લોકો સહમત થતા નથી અને તેમાંના એક છે ભાવનગર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ વિદ્યુત જોશી.

જોશીના કહેવા પ્રમાણે બાળકોને જ્ઞાન આપવા વડા પ્રધાનનો જન્મદિવસ પસંદ કરવામાં આવ્યો છે. બીજી વાત એ છે કે કલમ 370 નાબૂદ થઈ નથી, તેના અનુચ્છેદ નાબૂદ થયા છે.

તેઓ કહે છે, "આ એક રાજકીય સ્ટંટ છે. તમે બંધારણ જાણતા હોવ અને અત્યારસુધીની રાજકીય સ્થિતિ જાણતા હોવ તો આ કાર્યક્રમ શક્ય બની શકે બાકી આ એક તાયફો સાબિત થશે."

"જો માહિતી નહીં હોય તો વિદ્યાર્થીઓને તેમાં કંઈ ખબર જ નહીં પડે. બાળકોના મનમાં આ એક રાજકીય છાપ ઊભી કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે."

"ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતો વિદ્યાર્થી ગુજરાતમાં ચૂંટણી આવે ત્યારે મતદાર બનવાનો છે એટલે આ રાજકીય મૂવમૅન્ટ છે."

"આ મામલે શાળાનાં બાળકોને કોઈ સમજ પડવાની નથી. કલમ 370ના પ્રચાર કરવાની વાત છે એટલે 17 સપ્ટેમ્બરના રોજ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે."

"સાદા શબ્દોમાં કહીએ તો આર્થિક મુશ્કેલીથી અન્યત્ર ધ્યાન દોરવાની આ કોશિશ છે."

'સરકારી ખર્ચે ભાજપનો પ્રચાર'

આ મામલે કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ બીબીસી સાથે વાત કરતા કહે છે કે આ એક રાજકીય પગલું છે.

તેમણે કહ્યું, "વડા પ્રધાનનો જન્મદિવસ ઊજવવો હોય તો તેમના પક્ષના લોકો ઊજવે, તેમના પ્રશંસકો ઊજવે, શાળામાં આ પ્રકારે ઉજવણી કરવી એ રાજકીય ઍજન્ડા છે."

"શાળાઓમાં સામાન્ય રીતે મહાનુભાવો અને દિવંગત નેતાઓના જન્મદિવસ ઊજવાય છે. ક્યારેય કોઈ વડા પ્રધાનના ફરજિયાત જન્મદિવસ ઊજવાતા નથી."

મોઢવાડિયા કહે છે કે આ એક સ્વપ્રસિદ્ધિની વાત છે અને પહેલીવારના મતદાતાને ભરમાવવાનો આ એક પ્રયાસ છે.

તેઓ કહે છે, "જો બાળકોને કલમ 370 અને 35A વિશે માહિતી આપવી હોત તો કાયદો પ્રસાર કર્યો ત્યારે કેમ શાળામાં કાર્યક્રમ ના રાખ્યા?"

"વડા પ્રધાનના જન્મદિવસે આવો કાર્યક્રમ રાખવાનો ઉદ્દેશ પાછળ એવું લાગે છે કે ભાજપ સરકારી પૈસે પોતાનો પ્રચાર કરે છે અને નવા મતદાતાઓ સામે ઇતિહાસ તોડી-મરોડીને મૂકી રહી છે."

આ પહેલાં પણ પરિપત્ર પર થયો હતો વિવાદ

ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષે સરદાર પટેલના નિર્વાણદિને શાળા-કૉલેજોમાં સરદારની પ્રતિમા સ્થાપવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.

ગુજરાત સરકારના ગૃહવિભાગના એસીએસ એ. એમ. તિવારીએ 12 ડિસેમ્બરના રોજ આ પરિપત્ર બહાર પાડ્યો હતો.

જેમાં સરદાર પટેલના નિર્વાણદિન 15 ડિસેમ્બરે રાજ્યની તમામ સરકારી શાળા અને કૉલેજોમાં એક્તા યાત્રામાં વપરાયેલી પટેલની મૂર્તિઓને પ્રસ્થાપિત કરવા જણાવાયું હતું.

પરિપત્રમાં લખ્યું હતું કે દરેક જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મૅજિસ્ટ્રેટે એક્તા યાત્રામાં વપરાયેલી તમામ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિઓ સરકારી શાળા અને કૉલેજમાં પ્રસ્થાપિત થાય એ માટે વ્યવસ્થા કરવી.

પરિપત્રમાં એવો પણ ઉલ્લેખ હતો કે જો મૂર્તિ એક્તા યાત્રા દરમિયાન ખંડિત થઈ હોય તો એનો ઉપયોગ ન કરવો અને સામાન્ય નુકસાન થયું હોય તો એને રિપૅર કરી પ્રતિષ્ઠા કરવી.

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આ પરિપત્રને કારણે એ સમયે વિવાદ થયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો