અક્ષય કુમાર : પિતા બન્યા 'વિલન' ત્યારે એમનો 'હીરો' તરીકે જન્મ થયો હતો
- લેેખક, વિકાસ ત્રિવેદી
- પદ, બીબીસી સંવાદદાતા
રાજીવ ભાટિયા તરીકે કે જે વાત તેમણે ગુસ્સામાં કહી હતી તે અક્ષય કુમાર બનીને સાચી સાબિત કરી.
દિલ્હીના ચાંદની ચોકની પરાઠાવાળી ગલીમાં ભાટિયા સાહેબના ઘરેથી ચીસ સંભળાઈ.
એ અવાજ હરિ ઓમ ભાટિયાનો હતો. બાળક ભણવામાં નબળું હતું. પિતાએ ગાલ પર લાફો મારીને પુછયું- ભણીશ નહીં તો કરીશ શું?
ગુસ્સામાં બાળક જવાબ આપ્યો - હું હીરો બની જઈશ.
9 સપ્ટેમ્બર 1967માં કાશ્મીરી માતા અને પંજાબી પિતાના ઘરમાં જન્મેલા એ પુત્રનું નામ રાજીવ ભાટિયા હતું જેમણે ગુસ્સામાં કહેલી એ વાતને અક્ષય કુમાર બનીને સાચી સાબિત કરી.
રાજીવના પિતા પહેલાં સૈન્યમાં હતા. પછી એકાઉન્ટન્ટની નોકરી કરવા લાગ્યા. થોડા સમય પછી ભાટિયા પરિવાર દિલ્હીથી મુંબઈ શિફ્ટ થયો. રાજીવને માટુંગાની ડૉન બૉસ્કો શાળામાં પ્રવેશ અપાવ્યો.

રાજીવ ભાટિયાની અક્ષય કુમાર બનવાની સફર

ઇમેજ સ્રોત, Getty Images
રાજીવ રમત-ગમતમાં ખૂબ જ રસ લેતા. પડોશી છોકરાને કરાટે કરતો જોઈને કરાટેમાં રસ જાગ્યો. 10મા ધોરણ સુધીનું ભણતર પૂર્ણ કરીને પિતા પાસે જીદ કરીને રાજીવ માર્શલ આર્ટ શિખવા માટે બૅંગ્કોક ચાલ્યા ગયા. બ્લૅક બૅલ્ટ મેળવ્યો.
પાંચ વર્ષ પછી કોલકાત્તા-ઢાકામાં ટ્રાવેલ એજન્ટ અને હોટલમાં કામ કરી રાજીવ દિલ્હી આવી ગયા. કેટલાંક સમય સુધી લાજપત રાય માર્કેટમાંથી સોનાનાં દાગીના ખરીદીને મુંબઈમાં વેચ્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારબાદ બાળકોને માર્શલ આર્ટ શીખવવાનું શરૂ કર્યું. તે સમયે તેઓ મહિને ચાર હજાર રૂપિયા કમાતા હતા.
રાજ્યસભા ટીવીને આપેલાં ઇન્ટરવ્યૂ મુજબ, કોઈની સલાહને ધ્યાનમાં રાખીને રાજીવ ભાટિયા મૉડલિંગ તરફ વળ્યા.
ફર્નિચરની દુકાનમાં થયેલાં પહેલાં ફોટોશૂટ માટે રાજીવ ભાટિયાને 21 હજાર રૂપિયાનો ચેક મળ્યો. રાજીવને આ કામથી મળેલો ચેક તો ગમ્યો પરંતુ તેના પર લખેલું નામ પસંદ ના આવ્યું.
પછી રાજીવ ભાટિયાએ પોતાનું નામ બસ આમ જ બદલીને અક્ષય કુમાર કરી દીધું.
એ કેવળ સંયોગ છે કે નામ બદલ્યાના બીજા જ દિવસે અક્ષય કુમારને મુખ્ય હીરોના રૂપમાં પોતાની પહેલી ફિલ્મ મળી ગઈ.
આ ફિલ્મ હતી 1991માં આવેલી સૌગંધ. જોકે આ અગાઉ તેમણે એક ફિલ્મ 'આજ'માં પણ નાનો રોલ કર્યો હતો.
હવે ભલે અક્ષય કુમાર 'ચોકીદાર' નરેન્દ્ર મોદીની નજીક ગણાતા હોય, પરંતુ એક સમય એવો પણ હતો કે જ્યારે એક ચોકીદારે અક્ષય કુમારનો રસ્તો રોક્યો હતો.
30-32 વર્ષ પહેલાં મુંબઈમાં એક ઘરની બહાર અક્ષય કુમારે પોતાનું ફોટોશૂટ કરાવ્યું.
અક્ષય આ ફોટોશૂટ ઘરની અંદર કરાવવા માંગતાં હતા પરંતુ ચોકીદારે અંદર જવા ન દીધા.
આજે તે ઘરની માલિકી અક્ષય કુમારની છે. આ ઘરને ખરીદવા સુધીનો અક્ષય કુમારનો પ્રવાસ લાંબો રહ્યો.

ફ્લાઇટ ચૂકી જવાથી શરૂ થઈ ફિલ્મની સફર

ઇમેજ સ્રોત, Getty Images
એકવખત અક્ષયને મૉડલિંગ માટે બેંગ્લુરુ જવાનું હતું. પરંતુ સવારની સાત વાગ્યાની ફ્લાઇટને સાંજની સાત વાગ્યાની સમજી લીધી અને ફ્લાઇટ ચૂકી ગયા.
બીબીસીને આપેલાં એક ઇન્ટરવ્યૂમાં અક્ષય કુમારે કહ્યુ હતું, "ફ્લાઇટ ચૂકી જતા હું આખો દિવસ હેરાન રહ્યો. સાંજે એક મૉડલ કૉર્ડિનેટરને પોતાની તસવીર દેખાડવા ગયો.
ત્યાં મને પ્રમોદ ચક્રવર્તી મળ્યા. તસવીર જોઈને તે બોલ્યા - ફિલ્મ કરીશ? મેં હા પાડી તો તેમણે મને પાંચ હજારનો ચેક આપ્યો."
આ પછી અક્ષયે ઘણી ફિલ્મો કરી.
ખિલાડી સિરીઝ, મોહરા, ઇક્કે પે ઇક્કા, દિલ તો પાગલ હે, અફલાતૂન, સંઘર્ષ, ધડકન, અંદાજ, બેવફા, હેરા-ફેરી, ઓએમજી, બેબી, રૂસ્તમ, પૅડમેન, ટૉઇલેટ એક પ્રેમ કથા, જૉલી એલએલબી...., 150 જેટલી ફિલ્મો.
અક્ષય ઘણી વખત અનેક ફિલ્મો સાથે કરતાં હતા. એનું પરિણામ એવું પણ આવ્યું કે અક્ષયની 16 ફિલ્મ સતત ફ્લૉપ થઈ.
કહેવામાં આવે છે કે શૂટિંગ દરમિયાન કોઈ ડાયલૉગ બોર્ડ પર લખીને ઉભું રહે છે, જેને જોઈને અક્ષય ડાયલૉગ બોલે છે.
આ વિશે અક્ષય કહે છે- રીટૅક થાય તો કામ વગર લોકોનો ટાઈમ વેસ્ટ થશે.
અક્ષય કુમાર એક વાર કામ માંગવા માટે રાજેશ ખન્ના પાસે ગયા હતા. જોકે તે ફિલ્મ ચંકી પાંડેને મળી હતી.
અક્ષય નિરાશ થઈને પરત ફર્યા હતા. પરંતુ રાજેશ ખન્ના પાસે માગણીનો સિલસિલો 2001 સુધી ચાલ્યો.


ઇમેજ સ્રોત, Getty Images
આખરે અક્ષયે રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા પાસેથી ટ્વિંકલ ખન્નાનો હાથ માંગ્યો.
આ વખતે રાજેશ ખન્ના ના ન પાડી શક્યા. વર્ષ 2001માં અક્ષય અને ટ્વિંકલ ખન્નાના લગ્ન થયા.

અક્ષય કુમાર : '..એક બેઈમાન છે?'

ઇમેજ સ્રોત, VENUS
અક્ષય કુમારને ફિલ્મી મૅગેઝિનમાં 'લેડી કિલર' કહેવામાં આવે છે.
અક્ષયે બીબીસીને કહ્યું હતું, "હું લેડી કિલર નથી, હું તેમને આકર્ષિત કરું છું. હું તમામ કામ ઈમાનદારીથી કરવાનો પ્રયત્ન કરું છું. જે કહેવું છે તે કહી દઉં છું અને જોડ-તોડ કરતો નથી."
"ક્યારેક ડિપ્લોમૅટિક પણ થઈ જાઉ છું જેથી બીજાને તકલીફ ન થાય. મને લાગે છે કે આ તમામ બાબતોથી મહિલાઓ અને બીજાઓને આકર્ષિત કરી શકું છું."
"આ તમામ લગ્ન પહેલાંની વાતો છે. લગ્ન પછી મારે મારો આ ક્રાઉન બીજાને સોંપવો પડ્યો."
અક્ષયે લગ્નના પહેલાં જે વાત કરી હતી, જેની ઘણી ચર્ચાઓ આજે પણ છવાયેલી રહે છે.
રવિના ટંડન, શિલ્પા શેટ્ટી, રેખા અને બીજા પણ ઘણા નામ એમની સાથે જોડાય છે.
આ નામો પર અક્ષય કુમારે ક્યારેય ખુલીને વાત કરી નથી પરંતુ ફિલ્મી દુનિયા સાથે જોડાયેલાં મોટા ભાગના લોકોને ખ્યાલ હતો કે અક્ષયના કથિત રીતે ઘણા અફેયર્સ રહ્યા હતા.
પત્રકાર વીર સંઘવીને આપેલાં ઇન્ટરવ્યૂમાં રવિના ટંડને આ વિશે ખુલીને વાત કરી હતી.
રવિનાએ કહ્યું હતું કે, "જ્યારે તમારો સિક્કો જ ખોટો હોય ત્યારે તમે બીજા વિશે શું કહી શકશો. મારા માટે ઈમાનદારી મહત્ત્વની છે. તે ઇચ્છતા હતા કે હું દર વખતે આવું કરું. મેં ત્રણ વર્ષ આવું કર્યું પરંતુ પછી હું હારી ગઈ."
"તે એ છોકરો હતો, જેણે કહ્યું હતુ કે હું તારી સાથે જ લગ્ન કરવા માંગુ છું. તારામાં એ તમામ વસ્તુઓ છે જે મારે જોઈએ છે. અમારાં ઝઘડાં થતાં."
"પછી મનાવવાના ક્રમમાં અમે સગાઈ કરતા. અમારી બે વખત સગાઈ થઈ. એક વખત જ્યારે અમારું બ્રેકઅપ થયું ત્યારે તેણે બીજા સાથે સગાઈ કરી લેતો. મેં તેને ચોખ્ખું કહ્યું - આ કોઈ રમકડું નથી કે એક તૂટી ગયું તો બીજું લઈ આવો."

અક્ષયનું અંગત જીવન

ઇમેજ સ્રોત, Getty Images
અક્ષયને દીકરો આરવ અને બેટી નિતારા બે બાળકો છે.
અક્ષયે પોતાના બરડે આરવનું નામ લખાવ્યું છે. ફિટનેસ સિવાય અક્ષયને ગાડીઓનો પણ શોખ છે. રોલ્સ રૉયસથી લઈને બેન્ટલે સુધીની ગાડીઓ અક્ષયના પાર્કિંગમાં છે.
અક્ષય ઘણી વખત કહી ચૂક્યા છે કે સવારે ચાર-પાંચ વાગે ઊંઠી જાય છે અને હંમેશા ટાઈમથી શૂટિંગ પર પહોંચી જાય છે. ધૂમ્રપાનથી દૂર રહેનારા અક્ષય કુમાર મીઠાઈના શોખીન છે પરંતુ તે સાત વાગ્યા પછી કાંઈ ખાતાં નથી.
અક્ષયે ફિટનેસ અને ફિલ્મમાં દોઢ દાયકો પસાર કર્યો પરંતુ તેમને ખૂબ ઓછા એવો પુરસ્કાર મળ્યા છે.
જાન્યુઆરી 2017માં આપેલાં એક ઇન્ટરવ્યૂમાં અક્ષય કુમાર કહે છે, "મારી પત્ની બોલે છે કે જુઓ મારા માતા-પિતાને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. તમને નથી મળ્યો. આ વાત મને ડંખે છે."
આ વાતને કહે હજુ કેટલાંક મહિનાઓ જ વીત્યા હતા ને એપ્રિલ 2017માં અક્ષય કુમારને 'રુસ્તમ' અને 'એયરલિફ્ટ' ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
અક્ષય કુમારને પદ્મ શ્રી પુરસ્કાર પણ મળી ચૂક્યો છે.

વિવાદોની ભુલ ભુલ્લૈયા : ખેલાડી કુમાર

ઇમેજ સ્રોત, AFP
અક્ષય કુમાર પોતાના પ્રેમ સંબંધો સિવાય પણ અનેક કારણોસર વિવાદોમાં રહ્યા છે.
એક ફૅશન શોમાં પત્ની ટ્વિંકલના હાથે પોતાનું જિન્સનું બટન ખોલાવવા બદલ અક્ષયની ઘણી ટીકા થઈ હતી. આ વાત 2009ની છે.
ફૅશન શોના રૅમ્પની આગળની બાજુએ ટ્વિંકલ બેસેલાં હતા. રૅમ્પ પર વૉક કરતાં અક્ષય આવે છે અને ટ્વિંકલનો હાથ પકડીને જિન્સનું બટન ખોલાવે છે.
એ જ અક્ષય કુમારે એક બંડીની જાહેરાત કરી હતી જેની પંચલાઈન હતી - બટન ખુલ્લું છે તમારું.
2017માં અક્ષય કુમાર અને હાસ્ય કલાકાર મલ્લિકા દુઆની વચ્ચે પણ વિવાદ થયો હતો.
'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચૅલેન્જ શો'માં એક નિયમ હતો, જેમાં કોઈ સ્પર્ધક સારું પ્રદર્શન કરે તો જજે પોતાની ખુરશી પરથી ઉભા થઈને એક અલગ સ્ટેજ પર લગાવેલી ઘંટી વગાડવાની હતી.
એવું કરતાં અક્ષય કુમારે મલ્લિકા દુઆને કહ્યું હતું, "મલ્લિકાજી આપ ઘંટી બજાઓ, મેં આપકો બજાતાં હું."
ટીકા અને વિવાદ થતાં ટ્વિંકલ ખન્નાએ અક્ષય કુમારનો બચાવ કર્યો હતો. જોકે 'મિસૅઝ ફની બૉન્સ' પુસ્તક લખનાર ટ્વિંકલને આ બચાવ ટીકાઓના કેન્દ્રમાં લઈ ગયો હતો.

અક્ષય કુમારની દેશભક્તિ અને વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
આમ તો અક્ષય કુમાર બાળપણથી સૈન્યમાં જવા માંગતાં હતા. અક્ષયના કહેવા મુજબ, મર્ચન્ટ નેવીનો ડ્રેસ તેમને ખૂબ જ પસંદ હતો.
પરંતુ વાસ્તવિક જીવનમાં દેશભક્તિ દર્શાવવાની ઉણપ ફિલ્મો દ્વારા અને બહારથી તેમણે પૂર્ણ કરી દીધી. 'ભારત માતા કી જય' અને દેશ પ્રેમ માર્કા જેવી ઘણી બધી ફિલ્મો અને નિવેદનો અક્ષય કુમારના નામ સાથે જોડાયેલાં છે.
આમાં એરલિફ્ટ, સ્પેશિયલ 26, ગોલ્ડ, બેબી, ટૉઇલેટ એક પ્રેમ કથા જેવી ફિલ્મ મુખ્ય હતી. પીએમ નરેન્દ્ર મોદી પ્રત્યેનો અક્ષયનો પ્રેમ ફિલ્મની સ્ક્રિપ્ટમાં જોવા મળે છે.
'ટૉઇલેટ-એક પ્રેમ કથા' ફિલ્મમાં અક્ષય મોદી સરકારની યોજનાઓના વખાણ કરતાં જોવા મળે છે. જવાબમાં પીએમ મોદીએ પણ અક્ષયની એક્ટિંગ બદલ તેમની પીઠ થાબડમાં રાહ જોઈ ન હતી.
'પૅડમૅન' જેવી ફિલ્મો દ્વારા અક્ષયે મહિલાઓના એક જરૂરી વિષય પર જાગૃતિ ફેલાવી. અક્ષયે કહ્યું, "સંરક્ષણ બજેટના બે ટકા સેનિટરી પૅડ પર લગાવવામાં આવે."
બેંગલુરુમાં છોકરીઓ સાથે થયેલી છેડતી પર અક્ષય કુમારે કહ્યું હતું, "આપણે માણસમાંથી જનાવર નહીં, જંગલી બની રહ્યા છીએ. જનાવર પણ માણસથી સારા છે."

ઇમેજ સ્રોત, Getty Images
2017માં લૉર્ડ્સના મેદાન પર અક્ષય કુમારે ઝંડો ઉલટો પકડ્યો હતો. ત્યારે લોકોએ સોશિયલ મીડિયા પર આપત્તિ દર્શાવી હતી. પરિણામે અક્ષયને માફી માંગવી પડી.
અક્ષય કુમારની કેનેડાની નાગરિક્તા પર પ્રશ્નો ઊભા કરવામાં આવે છે. જોકે અક્ષય કુમારનો દાવો છે કે કેનેડાની નાગરિકતા તેમને સન્માનમાં આપવામાં આવી છે.
પરંતુ કેટલાંક લોકો આને લઈને અક્ષય પર નિશાન તાકતા રહે છે. એનું કારણ એ વીડિયો છે જેમાં અક્ષય કહેતાં દેખાય છે કે ટોરંટોમાં મારું મકાન છે, જ્યારે હું બૉલિવુડમાંથી નિવૃત થઈશ તો હું કેનેડા આવીને વસી જઈશ.
2019ની સામાન્ય ચૂંટણી પહેલાં એક્ટરમાંથી પત્રકાર બનીને તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો બિન રાજકીય ઇન્ટરવ્યૂ પણ કર્યો હતો જેને લઈને ઘણો વિવાદ થયો હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












