INX Media case: જ્યારે ચિદમ્બરમની જેમ જ અમિત શાહને CBI શોધતી હતી
- લેેખક, ડૉ ધીમંત પુરોહિત
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ઇતિહાસનું પુનરાવર્તન થતું રહે છે, કારણ કે આપણે એમાંથી કોઈ બોધપાઠ નથી લેતા - એવું આપણે સાંભળ્યું છે, પણ આપણી આંખ સામે ઇતિહાસના પુનરાવર્તનને આટલી નાટ્યાત્મક રીતે ભજવાતું પહેલીવાર જોયું.
21મી ઑગસ્ટની રાત્રે પોણા દસે દેશના પૂર્વ ગૃહ-નાણામંત્રી પી. ચિદમ્બરમની ગિરફ્તારીનાં દૃશ્યો કોઈ સાઉથ ઇન્ડિયન ફિલ્મના ડ્રામાથી કમ નહોતા.
દિલ્હી હાઈકોર્ટે આગોતરા જામીન રદ કર્યા અને સુપ્રીમ કોર્ટે પણ પિટિશનની તત્કાળ સુનાવણીનો ઇનકાર કર્યો.
27 કલાકથી ગાયબ ચિદમ્બરમ 21મી ઓગસ્ટની રાત્રે 9 વાગે અચાનક દિલ્હીની કૉંગ્રેસ હેડ ઑફિસમાં પ્રગટ થયા.
તેઓ પત્રકાર પરિષદમાં લખેલું નિવેદન વાંચી ગયા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહનું નામ લીધા વગર બંનેને 'પેથોલોજીકલ લાયર' કહ્યા અને પત્રકારોના કોઈ પણ પ્રશ્નોના જવાબ આપ્યા વગર ત્યાંથી નીકળી ગયા.
સીબીઆઈને આની ખબર પડતા એ કૉંગ્રેસ હેડકવાર્ટર દોડી. પરંતુ એ પહેલા તો ચિદમ્બરમ એમના જોર બાગ સ્થિત ઘરે પહોંચી ગયા.
પછી શરુ થયો દેશના ઇતિહાસમાં રાજધાની દિલ્હીમાં ક્યારેય જોવા ના મળ્યો હોય એવો પોણા કલાકનો અજીબોગરીબ રાજકીય ડ્રામા.
ચિદમ્બરમના ઘરના કંપાઉંડનાં દરવાજા બંધ હતા. દેશ આખાનું મીડિયા દરવાજાની બહાર હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સીબીઆઈની ટીમ ત્યાં પહોંચી. એમની પાસે ચિદમ્બરમની ધરપકડનું વૉરંટ હતું.
એમની માટે પણ દરવાજા ન ખોલાયા ત્યારે સીબીઆઈ અધિકારીઓ ફિલ્મી સ્ટાઈલમાં કંપાઉન્ડ ઠેકીને અંદર પ્રવેશ્યા.

ઇમેજ સ્રોત, Getty Images
બહાર હવે કૉંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધપ્રદર્શન શરું કરી દીધું હતું.
આ બધાની વચ્ચે સીબીઆઈ ચિદમ્બરમને ગિરફ્તાર કરી, પોતાની કારમાં બેસાડીને લઈ ગઈ. આ શરમજનક દૃશ્યો ટાળી શકાયાં હોત.
પી. ચિદમ્બરમ જેવા વરિષ્ઠ કૉંગ્રેસી અને પૂર્વ કેન્દ્રીય મંત્રીએ આવું શું કામ કર્યું હશે? એ વાતનો જવાબ કાળના ગર્ભમાં બરાબર નવ વર્ષ પહેલા, 25મી જુલાઈ 2010ની લગભગ આવી જ ઘટનામાં છે. જેનું ઍક્શન રિપ્લે આજની ઘટનામાં જોવા મળ્યું.

અમિત શાહ જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હતા

ઇમેજ સ્રોત, Getty Images
2010ના એ દિવસોમાં આજના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હતા અને ચિદમ્બરમ કેન્દ્રીય મંત્રી. આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા.
એ વખતે અમિત શાહ પર સોહરાબુદ્દીન શેખના કથિત નકલી ઍન્કાઉન્ટરનો ગંભીર આરોપ હતો.
ગુજરાત સરકારીની એક તપાસ એજન્સીએ કબૂલ્યું હતું કે ઍન્કાઉન્ટર નકલી હતું. સીબીઆઈ ગઈ કાલે જેમ ચિદમ્બરમને શોધતી હતી બરોબર એવી જ રીતે તે વૉરંટ લઈને અમિત શાહને શોધી રહી હતી.
ચાર દિવસ સુધી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ સીબીઆઈને હાથતાળી દઈને ગાયબ રહ્યા.
ચાર્જશીટ ફાઈલ થઈ એટલે અમિત શાહે 24મી જુલાઈ 2010ના રોજ મંત્રીપદેથી રાજીનામું આપવું પડ્યું. છતાં તેઓ સીબીઆઈની પકડથી દૂર હતા.

જ્યારે અમિત શાહે ચિદમ્બરમની જેમ પત્રકારપરિષદમાં પ્રગટ થયા

ઇમેજ સ્રોત, Getty Images
25 જુલાઈ 2010ની બપોરે પત્રકારોને તાત્કાલિક એક અગત્યની પત્રકાર પરિષદ માટે અમદાવાદ ખાનપુર સ્થિત બીજેપી ઑફિસ પહોંચવાનો સંદેશ મળ્યો.
અમારા સૂત્રો કહેતા હતા કે આ પત્રકાર પરિષદમાં અમિત શાહ હાજર થશે.
જેમ ગઈ કાલે ચિદમ્બરમ અચાનક કૉંગ્રેસ હેડ ઑફિસ પહોંચ્યા અને પત્રકારપરિષદ સંબોધી એવી જ ઘટના એ વખતે બની હતી.
એ વખતે આજતકના બ્યૂરો ચીફ તરીકે હું મારી ટીમ અને ઓબી વાન સાથે પત્રકારપરિષદ લાઇવ કવર કરવા ગયો હતો.
અમારા સૂત્રો સાચા હતા. અમિત શાહ એ પત્રકારપરિષદમાં આવ્યા. ચિદમ્બરમની માફક જ એમણે પણ બધા આરોપો નકાર્યા અને એ વખતની યુપીએ સરકાર પર કિન્નાખોરીનો આરોપ લગાવ્યો.
ગઈ કાલે ચિદમ્બરમે પત્રકારોના કોઈ જ પ્રશ્નોના જવાબ ન આપ્યા જ્યારે એ દિવસે અમિત શાહે પત્રકારોના બધા જ પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
સૌથી રસપ્રદ પ્રશ્ન અને ઉત્તર છેલ્લો હતો. મેં એમને પૂછ્યું, 'આટલા દિવસ તમે હતા ક્યાં અમિતભાઈ?' આટલા બધા ટૅન્શન વચ્ચે સાવ હળવાશમાં અમિત શાહે એનો જવાબ આપેલો, 'તમારા ઘેર હતો ધીમંતભાઈ!'.
ગંભીર વાતાવરણમાં શરુ થયેલી એ પત્રકારપરિષદ પત્રકારો અને અમિત શાહના ખડખડાટ હાસ્ય સાથે પૂરી થઈ હતી.

ઇતિહાસનું પુનરાવર્તન

ઇમેજ સ્રોત, Getty Images
ચિદમ્બરમને પકડવા સીબીઆઈએ કૉંગ્રેસ હેડ ઑફિસથી જોર બાગ સ્થિત એમના ઘર સુધી ખરેખર દોડાદોડી કરવી પડી અને દીવાલ પણ ઠેકવી પડી.
જોકે, ચાર દિવસ ગાયબ રહ્યા પછી અમિત શાહે સીબીઆઈને એટલી દોડાવી નહોતી.
એમણે જાતે જ અમદાવાદના ખાનપુર સ્થિત ભાજપ ઑફિસથી ગાંધીનગર સીબીઆઈની ઑફિસ પહોંચી સરેન્ડર કર્યું હતું.
ચિદમ્બરમે એક રાત આખી સીબીઆઈની ઑફિસમાં કાઢી છે અને હજી સુપ્રીમમાં સુનાવણી શુક્રવારે છે.
જોકે, એ વખતે અમિત શાહે સરેન્ડર કર્યા પછી સીબીઆઈ તેમને સીધી મણિનગર મૅજિસ્ટ્રેટને ઘેર લઈ ગઈ હતી.
સીબીઆઈએ પૂછપરછ માટે રિમાન્ડની માગણી કરી નહોતી અને તેમને ન્યાયિક કસ્ટડીમાં સાબરમતી મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
એ પછીથી અદાલતે અમિત શાહને ગુજરાતમાં પ્રવેશ ન કરવાની શરતે મુક્ત કર્યા હતા. આને કારણે જ અમિત શાહ લાંબો સમય ગુજરાતથી દૂર દિલ્હીમાં રહ્યા અને એ પછીની વાત હવે ઈતિહાસ છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














