Top News: ગુજરાતી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની 'અર્જુન ઍવૉર્ડ' માટે પસંદગી

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ગુજરાતી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનું નામ અર્જુન ઍવૉર્ડ માટે પસંદ કરવામાં આવ્યું છે.

અર્જુન ઍવૉર્ડ રમતના ક્ષેત્રે ઉમદા પ્રદર્શન કરવા સંદર્ભે આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે રવીન્દ્ર જાડેજાએ વર્લ્ડકપ 2019ની સેમીફાઇનલમાં ન્યૂઝીલૅન્ડ સામે 59 બૉલમાં 79 રન ફટકાર્યા હતા.

આ સિવાય અન્ય 19 ખેલાડીઓને પણ આ સન્માન આપવામાં આવશે.

આ ખેલાડીઓમાં પૂનમ યાદવ, તેજેન્દ્ર પાલ સિંહ તૂર, મોહમ્મદ અનાસ, સ્વપ્ના બારમન, ગુરપ્રીત સિંહ સંધુ, હૉકી ખેલાડી ચિંગ્લેનસના સિંઘ કંગુજામ અને શૂટર અંજુમ મૌદગીલનો સમાવેશ થાય છે.

કાશ્મીરની ખીણના એક-તૃતીયાંશ વિસ્તારમાં કર્ફ્યુમાં રાહત

જમ્મુ અને કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે શનિવારે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે કાશ્મીરની ખીણના એક-તૃતીયાંશ વિસ્તારમાં કર્ફ્યુમાં થોડી રાહત અપાઈ હતી.

દિલબાગ સિંહે એવો પણ દાવો કર્યો કે લોકો તંત્રને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે લોકો સૈન્યને સહયોગ કરી રહ્યા છે જોકે કેટલાક હિંસામાં સામેલ હોવાની પણ વાત તેમણે કરી.

'ધ હિંદુ' અખબાર સાથેની વાતચીતમાં દિલબાગ સિંહે કહ્યું કે 'એક-બે કે કેટલાક ઉપદ્રવી સૈન્ય પર પથ્થર ફેંકે અને સૈન્ય સાથે સંઘર્ષ કરે તો એ 'બહુ મોટો' મુદ્દો નથી.'

જોકે, ખીણમાં સીઆરપીસીની કલમ 144 હજુ પણ લાગુ છે, જે એક જગ્યાએ ચારથી વધુ વ્યક્તિને એકઠા થતાં રોકે છે.

આમાં સવારે સાત વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી થોડી ઢીલ અપાઈ હતી.

આર્ટિકલ 370 વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી

'ઇન્ડિયા ટુડે'ના અહેવાલ અનુસાર રિટાયર્ડ બ્યુરોક્રેટ અને પૂર્વ આર્મી અધિકારીઓ દ્વારા આર્ટિકલ 370માં બદલાવ અને જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરવા મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.

અરજીકર્તાઓનું કહેવું છે કે સરકારનું આ પગલું 'બંધારણીય રીતે ગેરકાયદે' છે.

અરજીકર્તાઓમાં પૂર્વ ઍર વાઇસ માર્સલ કપિલ કાક, પૂર્વ મેજર જનરલ અશોક મહેતા, પૂર્વ આઈએએસ અધિકારી હિંદલ હૈદર તૈયબજી, અમિતાભ પાંડે, ગોપાલ પિલ્લઈ અને ગૃહવિભાગનાં જમ્મુ-કાશ્મીર મામલાનાં વાર્તાકાર રાધા કુમારનો સમાવેશ થાય છે.

અરુણ જેટલીની તબિયત નાદુરસ્ત, લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા

ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલી બીમાર હોવાને કારણે દિલ્હીની એઇમ્સમાં દાખલ છે. પીટીઆઈના હવાલાથી 'ઇન્ડિયન એક્સપ્રેસ' લખે છે કે જેટલીને લાઇફ-સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે.

ગઈ કાલે પીયૂષ ગોયલ, બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમાર તેમના ખબરઅંતર પૂછવા એઇમ્સ પહોંચ્યા હતા.

અખબાર એવું પણ નોંધે છે કે ડૉક્ટરોની આખી ટીમ જેટલી પર નજર રાખી રહી છે.

જોકે, સત્તાવાર રીતે એઇમ્સ દ્વારા આ મુદ્દે મેડિકલ બુલટિન બહાર પાડવામાં આવ્યું નથી.

કાશ્મીર મુદ્દો ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય રીતે ઉકેલે : ટ્રમ્પ

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સાથે ફોન પર થયેલી વાતચીતમાં કાશ્મીરના મુદ્દાને ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય રીતે ઉકેલે એવી વાત કરી છે.

ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાનના અમેરિકા પ્રવાસ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે 'વડા પ્રધાન મોદીએ તેમને કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા' કરવા કહ્યું હતું.

જોકે, ભારતે ટ્રમ્પના આ દાવાને ફગાવી દીધો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો