સ્વતંત્રતાદિવસની ઉજવણીમાં કરંટ લાગતાં બે વિદ્યાર્થીનાં મૃત્યુ, સંતરામપુરની ઘટના

ગુજરાતમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં સ્વતંત્રતાદિવસની ઉજવણી શોકમાં ફેરવાઈ છે. ધ્વજવંદન કાર્યક્રમની તૈયારી દરમિયાન કરંટ લાગતાં બે વિદ્યાર્થીઓનું સ્થળ પર જ મોત થયું.

બીબીસી ગુજરાતીના સહયોગી દક્ષેશ શાહે આપેલી માહિતી મુજબ આ ઘટના સંતરામપુર તાલુકાના કેનપુર ગામની શાળામાં બની છે.

હાલ પોલીસે બંને વિદ્યાર્થીઓના મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી છે.

મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓ દિપક અભેસિંગ રાણા અને ગણપત નાથાભાઈ વાળવાઈની ઉંમર 15 વર્ષ હતી.

પ્રાથમિક વિગતો મુજબ કેનપુર ગામની હાઇસ્કૂલમાં ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ આયોજનમાં ધોરણ-10માં અભ્યાસ કરી રહેલા બે વિદ્યાર્થીઓ ધ્વજ ફરકાવવા માટે લોખંડની મોટી પાઇપ ઊભી કરી રહ્યા હતા.

આ પાઇપ હાઇસ્કૂલ પરથી પસાર થતા જીવંત વાયરોના સંપર્કમાં આવી હતી. આથી બન્ને વિદ્યાર્થીઓને કરંટ લાગ્યો હતો.

કરંટ લાગવાથી બંને વિદ્યાર્થી પેટ અને હાથના ભાગે ગંભીર રીત દાઝી ગયા હતા અને ઘટનાસ્થળે મૃત્યુ પામ્યાં હતાં.

આ અંગે હજી પોલીસ તરફથી સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, સ્થાનિક લોકો આ ઘટના માટે શાળા અને શિક્ષકોની બેદરકારીને કારણભૂત માને છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો