લોકસભા કલમ 370 : લોકસભામાં પણ જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ

ઇમેજ સ્રોત, lstv
લોકસભામાં જમ્મુ-કાશ્મીર રાજ્ય પુનર્ગઠન બિલ પર ચર્ચા બાદ બહુમતીથી પસાર થયું.
ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ચર્ચા દરમિયાન કહ્યું હતું કે 370ની નાબૂદી માટે બિલ લાવીને અમે કોઈ ભૂલ કરી નથી. અમે તો ઐતિહાસિક ભૂલને સુધારવા જઈ રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિલને પસાર કરાવવા બદલ ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન આપ્યા હતા.
આ સિવાય તેમણે રાજ્યસભા તથા લોકસભાની કાર્યવાહીને સારી રીતે ચલાવવા બદલ વેકૈયા નાયડુ અને ઓમ બિરલાનો આભાર માન્યો હતો.
મોદીએ નવ ટ્વીટ કરીને આશા વ્યક્ત કરી હતી કે આગામી દિવસોમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખના લોકોનું કલ્યાણ થશે.

19:11 જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ
જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ લોકસભામાં આજે પાસ થયું, બિલની તરફેણમાં 370 અને વિરોધમાં 70 વોટ પડ્યા હતા.

19:03 જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર લોકસભામાં મતદાન
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, LS TV

18:56 'જમ્મુ-કાશ્મીર ધરતી પરનું સ્વર્ગ રહેશે'
લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "સુપ્રિયા સુલેજીએ પૂછ્યું કે જમ્મુ-કાશ્મીરનાં પર્યાવરણ અને સુંદરતાનું શું થશે? દેશમાં પર્યાવરણ માટે કાયદો છે અને અનુચ્છેદ 370 હટાવવાની સાથે જ તે લાગુ પડશે. જમ્મુ-કાશ્મીર ધરતી પરનું સ્વર્ગ હતું, છે અને રહેશે."

18:33 પાંચ વર્ષમાં સામે આવશે 370ની ખામીઓ

લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આપણે ઐતિહાસિક ભૂલ કરવા જઈએ છીએ."
"અમે ભૂલ નથી કરી રહ્યા, અમે ઐતિહાસિક ભૂલ સુધારવા જઈ રહ્યા છીએ. વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં પાંચ વર્ષ પછી જમ્મુ-કાશ્મીરનો વિકાસ જોઈને ખાડીના લોકો સમજી જશે કે આર્ટિકલ 370માં ખામીઓ શું હતી."

13:50આગળનું કામ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને લેવાનું છે : જિતેન્દ્ર સિંહ
કલમ 370 અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર ચાલી રહેલી ચર્ચા પર કૉંગ્રેસને જવાબ આપતા મોદી સરકારના મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે હવે આગળનું કામ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને ભારતમાં ભેળવવાનું છે.

13:22 અલગતાવાદીઓ પોતાનાં બાળકોને વિદેશમાં ભણાવે છે : જિતેન્દ્ર સિંહ
જિતેન્દ્ર સિંહે કહ્યું, "કાશ્મીરમાં અલગતાવાદી સુવિધાના હિસાબે છે ના કે અલગતાવાદી અને ના પ્રતિબદ્ધતાથી. જો તેમની પ્રતિબદ્ધતા હોત તો તેઓ પોતાનાં બાળકોને વિદેશ ભણવા માટે ના મોકલતા અને પાડોશીઓના બાળકોને પથ્થરબાજ ના બનાવતા."

13:00 નહેરુની ઇચ્છા હતી જેને પૂરી કરી : જિતેન્દ્ર સિંહ
લોકસભામાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે ભાજપના સાંસદ અને મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે નહેરુને કલમ 370 પર લોકો સવાલ પૂછતા હતા. તો તેઓ કહેતા કે શાંતિ રાખો ઘસાતાં-ઘસાતાં ખતમ થઈ જશે. અમે નહેરુનું સપનું પૂર્ણ કર્યું કેમ કે તેમણે જ આની ઇચ્છા વ્યક્ત કરી હતી.

12:20 નહેરુને કારણે 370 : ભાજપના સાંસદ
જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠન બિલ પર ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ જુગલ કિશોર શર્માએ કહ્યું કે નહેરુને કારણે કલમ 370નું કલંક અમારી ઉપર આવ્યું. તેમણે કહ્યું કે સરદાર પટેલ અને શ્યામા પ્રસાદ મુખરજીએ ત્યારે તેનો વિરોધ કર્યો હતો. આ કલમે કાશ્મીરને ભારતથી દૂર રાખવાનું કામ કર્યું છે.

12:10 ભાજપે પૂછ્યું : કૉંગ્રેસ સાથે કે વિરોધમાં?
અમિત શાહે ચર્ચાની વચ્ચે પૂછ્યું કે કલમ 370 મામલે કૉંગ્રેસ પક્ષમાં છે કે વિરોધમાં, મનીષ તિવારી એ બતાવી દે. જેના પર મનીષ તિવારીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની મંજૂરી વિના તમે 370ને ખતમ ના કરી શકો. મનીષ તિવારીએ કહ્યું કે દરેક ચીજ કાળી કે ધોળી નથી હોતી.

11:51 બંધારણ સાથે રમી રહી છે સરકાર : મનીષ તિવારી
બંધારણની કલમ ત્રણ એ કહે છે કે કોઈ પણ પ્રદેશને તોડતા પહેલાં એ અનિવાર્ય છે કે એ પ્રદેશની વિધાનસભાનો અભિપ્રાય લેવો જોઈએ.
હાલ ત્યાં રાષ્ટ્રપતિ શાસન છે અને એ સમયે આ બિલ લાવવામાં આવ્યું છે, આ બંધારણની ખોટી વ્યાખ્યા કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરનું પોતાનું બંધારણ છે, હવે એ બંધારણનું શું થશે?
આપણે એવું જોયું છે કે કોઈ કેન્દ્રશાસિત પ્રદેશને રાજ્યમાં ફેરવવામાં આવે છે, પરંતુ આ પહેલીવાર હશે કે કોઈ રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવવામાં આવે છે.
જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની ભલામણ વિના તમે કલમ 370ને રદ ના કરી શકો.

11:35 અમિત શાહે બતાવ્યું કે આ અધિકાર માન્ય કેમ છે?
અમિત શાહે કહ્યું, "કલમ 370માં એ અધિકાર નિહિત છે અને બધા સભ્યો આ કલમને ધ્યાનથી વાંચી લે કે રાષ્ટ્રપતિને આ અધિકાર છે. રાષ્ટ્રપતિ આ મામલે નિર્ણય કરી શકે છે."
"એના પર પણ સમજી લો આ જોગવાઈનો ઉપયોગ કૉંગ્રેસે બે વખત કર્યો હતો. આ અંતર્ગત કૉંગ્રેસે મહારાજાને ખતમ કરીને સદર-એ-રિયાસત કરી અને બાદમાં સદર-એ-રિયાસતને હટાવીને ગવર્નર. જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન ચાલી રહ્યું છે. કલમ 356ના એક બી અનુસાર રાજ્યપાલ પાસે વિધાનસભાની તમામ શક્તિઓ હાંસલ છે અને રાજ્યપાલની ભલામણથી આ બિલ લાવવામાં આવ્યું છે."

11:27 આ બિલ ઐતિહાસિક : અમિત શાહ
અમિત શાહે કહ્યું કે આ પ્રસ્તાવ અને બિલ ભારતના સ્વર્ણિમ ઇતિહાસનો હિસ્સો હશે. આ બિલને કારણે આવનારા સમયમાં જમ્મુ-કાશ્મીર સદીઓ સુધી ભારતનું થઈ જશે.
તેમણે કહ્યું કે જ્યારે જમ્મુ-કાશ્મીર એવું બોલ્યા તેમાં પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર અને અક્સાઈ ચીન બંને પણ આવી જાય છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ

11:23 અમિત શાહે કહ્યું જીવ દઈ દઈશું
અમિત શાહે કહ્યું કે જમ્મુ-કાશ્મીર જ્યારે અમે કહીએ છીએ તો એમાં પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર પણ આવે છે.
તેમણે કૉંગ્રેસને સવાલ પૂછ્યો કે શું તમે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરને પોતાનું નથી માનતા? એ માટે અમે જીવ દઈ દઈશું.

11:16 અધીર રંજન ચૌધરીની આપત્તિ
લોકસભામાં કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે તીખી ચર્ચા થઈ હતી. અધીર રંજન ચૌધરીએ અનુચ્છેદ 370ને નિષ્પ્રભાવી કરવા પર સવાલો ઉઠાવ્યા હતા.

11:10 અમિત શાહે લોકસભામાં રાખ્યું બિલ
લોકસભામાં અમિત શાહે જમ્મુ-કાશ્મીર રાજ્ય પુનર્ગઠન બિલનો પ્રસ્તાવ રાખ્યો. આ બિલ દ્વારા જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત થઈ જશે.

11:00 કલમ 370 પર લોકસભામાં ચર્ચા
સોમવારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરને મળેલી સ્વાયત્તતા ખતમ કરવા માટે મોદી સરકારે કલમ 370ને નિષ્પ્રભાવી બનાવવાનો પ્રસ્તાવ લાવ્યો હતો.
આ સાથે જ પુનર્ગઠન બિલ પણ લાવવામાં આવ્યું હતું અને બંને બહુમત સાથે પાસ થઈ ગયાં હતાં. આજે આ બિલ પર લોકસભામાં ચર્ચા થઈ રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












