You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Top News: સુરત અને મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
સુરતમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. બીજી તરફમાં મુંબઈમાં થાણે અને પાલઘરમાં પણ ભારે વરસાદને પગલે લોકો હાલાકી વેઠી રહ્યાં છે. શાળા-કૉલેજ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મુંબઈમાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે અને નાલાસોપારા, વસઈ વિસ્તારોમાં પરિસ્થિતિ ખરાબ છે. દરિયામાં ભરતીની ચેતવણી પણ આપવામાં આવી છે.
સુરતમાં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને પગલે ગરનાળાઓમાં પાણી ભરાયા હતા તો અનેક સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા હતા.
વરસાદને પગલે અનેક ત્રણ ફલાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી.
રસ્તાઓ પર પાણી ભરાતા અને શિક્ષણકાર્યને પણ અસર પહોંચી છે. સુરતમાં અનેક શાળાઓ બંધ રહી છે.
હવામાનખાતા દ્વારા દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે, પરંતુ તે ગત વર્ષ કરતાં હજી ઓછો છે.
વર્ષ 2018માં અત્યાર સુધીમાં 54 ટકા વરસાદ હતો જ્યારે આ વર્ષે હજુ 46 ટકા વરસાદ થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 15 ઇંચ વરસાદ થયો છે. છેલ્લા બે દિવસમાં વડોદરા અને આસપાસના વિસ્તારોમાં પડેલાં વરસાદથી સરેરાશ વરસાદમાં છ ટકાનો વધારો થયો છે.
આ વરસાદથી સરદાર સરોવરમાં 56.30 ટકા પાણીનો સંગ્રહ થયો છે, જ્યારે રાજ્યના અન્ય ડૅમોમાં કુલ મળીને 37.90 ટકા પાણીનો સંગ્રહ થયો છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ ડૅમ સિવાયના મોટા ભાગના ડૅમ ઓવરફ્લૉ થઈ ચૂક્યા છે. આ વરસાદના પગલે સમગ્ર ગુજરાતમાં લગભગ 58.18 લાખ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે.
અમરનાથયાત્રીઓને પાછા ફરવા આદેશ
જમ્મુ અને કાશ્મીર સરકારે લોકોને તાત્કાલિક ધોરણે તેમની અમરનાથયાત્રા ટૂંકાવીને પરત ફરવા આદેશ આપ્યો છે.
સરકારે કોઈ ચોક્કસ ઉગ્રવાદી હુમલાની દહેશતને પગલે સુરક્ષાના કારણોસર એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હોવાનું કહ્યું છે.
ઇન્ટેલિજન્સની માહિતી અનુસાર કાશ્મીર ખીણની હાલની સ્થિતિ મુજબ અમરનાથ યાત્રાને ઉગ્રવાદીઓ આદ્વારા નિશાન બનાવાય તેવી શક્યતા છે. તેથી તેઓ બની શકે તેટલા જલ્દી પોતાની યાત્રા ટૂંકાવીને પરત ફરે તેવી સલાહ આપવામાં આવી છે.
તાજેતરમાં સરકારે કાશ્મીરમાં વધારાના સુરક્ષાદળો તહેનાત કરતા ખીણ વિસ્તારમાં ભયનો માહોલ છે.
આ અંગે ભારતીય સેના દ્વારા યોજાયેલી પત્રકારપરિષદમાં લૅફ્ટનન્ટ જનરલ સરબજિત સિંહ ઢિલ્લોંએ કહ્યું હતું કે ''તેમને અમરનાથયાત્રાના માર્ગની આસપાસના વિસ્તારમાંથી પાકિસ્તાનમાં બનેલાં માઇન્સ અને શસ્ત્રો મળી આવ્યા છે. જેમાં પાકિસ્તાનની હથિયારી ફેક્ટરીના સિક્કાવાળી માઇન અને અમેરિકન સ્નાઇપર સ્નિપર રાઇફલ એમ-24નો સમાવેશ થાય છે.''
દિગ્વિજયસિંહે કહ્યું, તમે મને જ આતંકવાદી જાહેર કરી દેશો
રાજ્યસભામાં આતંકવાદ વિરુદ્ધ યૂએપીએ સંશોધન ખરડો પાસ થઈ ગયો. આ ખરડા પરની ચર્ચામાં કૉંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે રકઝક જોવા મળી.
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ રાજ્યસભામાં આ બિલ પર થઈ રહેલી ચર્ચામાં દિગ્વિજય સિંહે કહ્યું કે ''કૉંગ્રેસે ક્યારેય આતંકવાદ સાથે સમાધાન કર્યું નથી તેથી આ બિલ લઇને આવ્યા હતા. જ્યારે ભાજપે બે વખત સમાધાન કર્યું, પહેલાં રૂબિયા સઈદને છોડાવવા માટે અને પછી મસૂદ અઝહરને છોડવા માટે.''
આ સાથે દિગ્વિજયસિંહે શંકા વ્યક્ત કરી કે ''આ બિલનો દુરુપયોગ કરીને તેમને પણ આતંકવાદી જાહેર કરી દેવામાં આવશે.''
તેના જવાબમાં અમિત શાહે કહ્યું કે ''તેઓ (દિગ્વિજયસિંહ) કંઈ કરશે નહીં તો તેમને કંઈ થશે નહીં.''
ગુજરાત સરકાર આદિવાસીઓને જમીનને બદલે જમીન આપે - એનસીએસટી
સ્ટૅચ્યૂ ઑફ યૂનિટીની આસપાસના વિસ્તારોમાં ટૂરિઝમ ઝોન ઊભો કરવા બાબતે ગુજરાત સરકાર કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહી છે.
નેશનલ કમિશન ફોર શિડ્યૂલ ટ્રાઇબ્ઝ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે કે ગુજરાત સરકારે આદિવાસીઓને જમીનના બદલામાં જમીન આપવી જોઈએ.
ઇન્ડિયન એક્પ્રેસના અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં પ્રસ્તાવિત ટૂરિઝમ ઝોન માટે પોતાની જમીન નહીં આપવાના વિરોધમાં રહેલાં સ્થાનિકો સાથે એનસીએસટીના અધિકારીઓને મુલાકાત નહોતી કરી પરંતુ તેઓએ સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
ચાર દિવસની મુલાકાત બાદ એનસીએસટીના અધિકારીઓએ પત્રકાર પરિષદમા આ વાત કહી હતી.
કમિશનના પ્રમુખ નંદકુમાર સાઈએ કહ્યું, " અમે સ્થાનિકોને નથી મળી શક્યા પરંતુ સ્થાનિક અધિકારીઓ સાથે અમારે વાત થઈ છે. તે મુજબ જે લોકોની જમીન આ પ્લાન માટે સંપાદિત કરવામાં આવે તો તેમને જમીનના બદલામાં જમીન મળવી જોઈએ અને એ મુજબ આયોજન થવું જોઈએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો