રાહુલ ગાંધીએ ટ્વીટ કરી બિહાર અને આસામની જૂની તસવીરો : ફૅક્ટ ચેક

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

કૉંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે સવારે બિહાર અને આસામ રાજ્યના ઘણા જિલ્લાઓમાં આવેલા પૂર અંગે પાર્ટી કાર્યકર્તાઓને અપીલ સાથેની કેટલીક તસવીરો ટ્વીટ કરી હતી.

તેમણે ટ્વીટમાં લખ્યું, "આસામ, બિહાર, ઉત્તર પ્રદેશ, ત્રિપુરા અને મિઝોરમમાં પૂરથી સ્થિતિ નિયંત્રણ બહાર છે. જનજીવન પર માઠી અસર પડી છે."

"હું આ બધા રાજ્યના કૉંગ્રેસ કાર્યકર્તાઓને અપીલ કરું છું કે તેઓ સામાન્ય લોકો માટે રાહત અને બચાવકાર્યમાં તરત જોડાય."

અમને જાણવા મળ્યું કે જે તસવીરો રાહુલ ગાંધીએ ટ્વિટર પર શૅર કરી તે થોડાં વર્ષ જૂની છે. તેમાંથી એક તસવીર 2015 અને એક 2016ની છે.

બિહાર અને આસામમાં ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પછી જળસપાટી વધવાથી સેંકડો ગામો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે અને બંને રાજ્યોમાં જનજીવન પર અસર પડી છે.

માત્ર આસામમાં જ પૂરથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા 42 લાખથી વધુ ગણાવાઈ રહી છે અને વિવિધ જિલ્લામાં 180થી વધુ સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યાં છે.

સોશિયલ મીડિયા પર લોકો આ રાજ્યની સ્થિતિ સામાન્ય થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે અને પોતાના સંદેશ સાથે ઘણી તસવીરો અને વીડિયો પણ શૅર કરી રહ્યા છે.

પરંતુ રાહુલ ગાંધી એકલા જ નથી જેમણે પૂરની જૂની તસવીરોને 2019ની સમજીને પોસ્ટ કરી હોય.

અમને જણાયું કે એવી ઘણી તસવીરો છે જેને ફેસબુકના ગ્રૂપ પર મોટી સંખ્યામાં શૅર કરવામાં આવી રહી છે.

સેંકડો લોકોએ તેને વૉટ્સઍપ અને ટ્વિટર પર પણ શૅર કરી છે. જોકે, આ તસવીરોને બિહાર કે આસામની હાલની સ્થિતિ સાથે કોઈ જ લેવાદેવા નથી.

જાણો આવી ચાર તસવીરોનું સત્ય

પહેલી તસવીર

નાક સુધી ભરેલા પાણીમાં એક બાળકને ખભા પર લઈને જતી એક વ્યક્તિની તસવીર વર્ષ 2013ની છે. જેને પૂરગ્રસ્ત વિસ્તારની ગણાવાઈ રહી છે.

રિવર્સ ઇમેજથી મળેલી જાણકારી અનુસાર, 24 જૂન, 2013માં એક તમિલ ભાષાના બ્લૉગમાં આ તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

બાદમાં ચેન્નાઈની રાઉન્ટ ટેબલ ઇન્ડિયા નામની એક સંસ્થાએ વર્ષ 2015માં આસામના પૂરગ્રસ્ત લોકો માટે ફંડ એકઠું કરવા માટે આ તસવીરનો પોતાના પોસ્ટરમાં ઉપયોગ કર્યો.

બીજો ફોટો

પૂરના પાણીથી બચવા ઘરની છત પર બેઠેલાં ચાર બાળકોની આ તસવીર 27 જુલાઈ, 2016ની છે. આ તસવીર ફોટો જર્નલિસ્ટ કાલિતાએ લીધી છે.

ફોટો એજન્સી ગેટી અનુસાર, આ તસવીર આસામ રાજ્યના ગુવાહાટી શહેરથી દક્ષિણ-પશ્ચિમમાં આવેલા કામરૂપ જિલ્લાની છે.

આ વિસ્તાર વર્ષ 2016માં બ્રહ્મપુત્રા નદીમાં પાણી વધવાના કારણે પૂરગ્રસ્ત થઈ ગયો હતો.

ત્રીજી તસવીર

એક વાઘના મૃતદેહ પાસે હોડીમાં બેઠેલા વનવિભાગના કર્મચારીઓની આ તસવીર બે વર્ષ જૂની છે.

સોશિયલ મીડિયા પર આ તસવીરને વર્ષ 2019ના પૂરની ગણાવીને શૅર કરવામાં આવી રહી છે.

પરંતુ 18 ઑગસ્ટ, 2017ની આ તસવીર ફોટો એજન્સી એપી (અમેરિકન પ્રેસ)ના ફોટો જર્નલિસ્ટ ઉત્તમ સોકિયાએ કાજિરંગા નેશનલ પાર્ક પાસે લીધી હતી.

વર્ષ 2017માં આ તસવીર ઘણા અખબારોએ છાપી હતી અને લખ્યું હતું કે આસામમાં આવેલા પૂરમાં કાજિરંગા નેશનલ પાર્કમાં 225થી વધુ પ્રાણીઓનાં મૃત્યુ થયાં.

પાર્કના અધિકારીઓએ ગયા વર્ષે જણાવ્યું હતું કે વર્ષ 2012માં 793 અને 2016માં 503 પ્રાણીઓનાં પૂરના કારણે મૃત્યુ થયાં હતાં.

ચોથી તસવીર

પાણીમાં ડૂબેલા એક મોટા ભાગની આ ઍરિયલ તસવીર છેલ્લા કેટલાક દિવસોમાં #AssamFloods સાથે સેંકડો વખત શૅર થઈ છે, પરંતુ આ તસવીર આસામની નથી.

રિવર્સ ઇમેજ સર્ચથી મળેલા પરિણામ મુજબ, આ તસવીર વર્ષ 2008માં બિહારમાં આવેલા પૂરની છે, પણ એ વખતે કોઈ લેખ કે અખબારમાં આ તસવીર ઉપયોગમાં લેવાઈ હોવાનું જાણવા મળતું નથી.

જોકે, વર્ષ 2014માં અને 2015માં પ્રકાશિત ઘણા લેખોમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો