You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કર્ણાટકમાં રાજકીય સંકટ : કૉંગ્રેસ-જેડીએસના 11 ધારાસભ્યોએ રાજીનામાં
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
કૉંગ્રેસ તથા જેડીએસ ધારાસભ્યોનાં રાજીનામાં બાદ કર્ણાટકના મુખ્ય મંત્રી એચ. ડી. કુમારસ્વામીની સરકાર ઉપર સંકટ ઊભું થયું છે.
શનિવારે કૉંગ્રેસના આઠ તથા જનતા દળ સેક્યુલરના ત્રણ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં.
કુમારસ્વામી હાલ અમેરિકામાં છે અને એચ. ડી. દેવેગૌડાના કહેવા પ્રમાણે, તેમને ધારાસભ્યોનાં રાજીનામાં અંગે કોઈ માહિતી નથી.
ધારાસભ્યો રાજ્યના રાજ્યપાલ વજુભાઈ વાળાને રજૂઆત કરશે, જેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની રહેશે.
ઑપરેશન કમલ 4.0
બેંગ્લુરુથી બીબીસી પ્રતિનિધિ ઈમરાન કુરૈશી જણાવે છે, "ભાજપે 'ઑપરેશન કમલ 4.0' હાથ ધર્યું હોય તેમ જણાય છે."
"કૉંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યો દ્વારા રાજીનામાએ આ વ્યૂહરચનાના ભાગરૂપ હોય શકે છે."
"રાજીનામું ધરી દેનારા કૉંગ્રેસના 11 ધારાસભ્યોમાંથી ત્રણને કૉંગ્રેસના પૂર્વ મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાની નજીક માનવામાં આવે છે."
જેડીએસના સર્વેસર્વા એચ. ડી. દેવેગૌડાના કહેવા પ્રમાણે આ અંગે સ્પીકર કોઈ નિર્ણય લે તે પછી જ તેઓ કંઈ કહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી બાજુ કેન્દ્રીય પ્રધાન ડી. વી. સદાનંદ ગૌડાના કહેવા પ્રમાણે, કર્ણાટકમાં ભાજપને સરકાર રચવાનું આમંત્રણ મળશે તો બી. એસ. યેદિયુરપ્પા પાર્ટીના મુખ્ય પ્રધાન હશે.
રાજીનામા સમયે સ્પીકરની ગેરહાજર
ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ, જેડીએસના ધારાસભ્યો રાજીનામાં આપવા માટે પહોંચ્યા ત્યારે સ્પીકર ત્યાં ન હતા, આથી ધારાસભ્યોએ સ્પીકર કાર્યાલયને રાજીનામાં સોંપી દીધાં હતાં.
બી. સી. પાટીલ, એચ. વિશ્વનાથ. નારાયણ ગૌડા, શિવરામ હૈબર, મહેશ કુમથાલી, રામલિંગા રેડ્ડી, રમેશ જારખિહોલી, પ્રતાપ ગૌડા પાટીલે તેમના રાજીનામા સુપ્રત કર્યા હોવાના અહેવાલ છે.
કર્ણાટક વિધાનસુધાના સ્પીકર રમેશ કુમારના કહેવા પ્રમાણે, "મારે મારી દીકરીને લેવા જવાની હતી એટલે હું ઘરે ગયો હતો."
"મેં મારા કાર્યાલયને કહ્યું છે કે ધારાસભ્યોનાં રાજીનામાં લઈ લેવા તથા તેમને સ્વીકારપત્ર સોંપી દેવા."
"11 ધારાસભ્યોએ રાજીનામાં સોંપી દીધાં છે. હું સોમવારે આ મામલો ધ્યાને લઈશ."
વજુભાઈ વાળા લેશે નિર્ણય
સમગ્ર રાજકીય સંકટ અંગે રાજ્યપાલ વજુભાઈ વાળાની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની રહેશે.
રાજ્યસભામાં ભાજપના સંસદસભ્ય જી. વી. એલ. નરસિંહ્મારાવના કહેવા પ્રમાણે, "કર્ણાટકની જનતાએ જેડીએસ-કૉંગ્રેસની યુતિને જનતાએ નકારી કાઢી છે."
"બંને પક્ષોએ યુતિ કરી હોવા છતાં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો, જે ગઠબંધન સામે સરકારનો આક્રોશ દર્શાવે છે."
"ધારાસભ્યોએ પણ જનતાના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો હોય તેમ જણાય છે."
કર્ણાટક કૉંગ્રેસના વડા દિનેશ ગુંડુ રાવ હાલમાં યુનાઇટેડ કિંગ્ડમમાં છે, તેઓ સોમવારે પરત ફરશે. આ સિવાય કર્ણાટક કૉંગ્રેસના પ્રભારી કે. સી. વેણુગોપાલ બેગ્લુરુ જવા રવાના થઈ ગયા છે.
બીજી તરફ કૉંગ્રેસે બળવા જેવી સ્થિતિને શાંત કરવા માટે તજવીજ હાથ ધરી છે.
પાર્ટીના નેતા અને રાજ્ય સરકારમાં પ્રધાન ડી. કે. શિવકુમારના કહેવા પ્રમાણે કોઈએ રાજીનામું નથી આપ્યું અને તેઓ ધારાસભ્યોને મળીને તેમને સમજાવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો