You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગીરના સિંહ : છેલ્લાં પાંચ વર્ષમાં 413 સિંહનાં મોત થયાં, જેમાં 145 સિંહબાળ હતાં
ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ મુજબ ગીર અને અન્ય વિસ્તારમાંથી વર્ષ 2013થી 2018 વચ્ચે 413 સિંહોનાં મોત થયાં છે. જેમાંથી 35 ટકા મોત બીમારીના કારણે થયાં છે, તેમજ આ 413માંથી 45 ટકા સિંહબાળ છે.
સિંહના મોત અંગની માહિતી સરકારે વિધાનસભામાં આવી હતી. આ મામલે કૉંગ્રેસના ધારાસભ્યએ પ્રશ્ન પૂછ્યો હતો.
413માંથી 132 સિંહણો, 119 સિંહ અને 154 સિંહબાળ છે. 2016-17 વચ્ચે સૌથી વધુ 98 સિંહોનાં મોત થયાં છે.
44 સિંહનાં મોત વૃદ્ધાવસ્થાને કારણે થયાં છે અને 70 સિંહનાં મોત જંગલમાં ખુલ્લા કૂવા, વાહનો સાથેના અકસ્માત અને ટ્રેન અકસ્માતમાં થયાં છે.
જ્યારે જૂન 2015માં અમરેલી અને ભાવનગર જિલ્લામાં આવેલા પૂરમાં 11 સિંહનાં મૃત્યુ થયાં હતાં
મલિકે વન ડે ક્રિકેટને અલવિદા કહ્યું
પાકિસ્તાનના 37 વર્ષના ઑલરાઉન્ડર શોએબ મલિકે વન ડે ઇન્ટરનેશનલમાંથી સંન્યાસ લઈ લીધો છે.
શુક્રવારે પાકિસ્તાન બાંગ્લાદેશ સામેની મૅચમાં 94 રનથી જીત્યું હતું. શોએબ મલિકને આ ટીમમાં 11 ખેલાડીઓમાં સ્થાન મળ્યું નહોતું.
પાકિસ્તાનની જીત બાદ શોએબ મલિક મેદાન પર આવ્યા તો ખેલાડીઓએ બે હરોળમાં ઊભા રહીને તેમને ગાર્ડ ઑફ ઑનર આપ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
20 વર્ષ બાદ ક્રિકેટને અલવિદા કહેતાં મલિકે કહ્યું, "મેં પહેલાં જ કહ્યું હતું કે હું વર્લ્ડ કપ બાદ સંન્યાસ લઈ લઈશ, આજે હું અહીં તેની જાહેરાત કરું છું. મારા પ્રશંસકોનો આભારી છું, જેમણે મને હંમેશાં સહકાર આપ્યો અને હું તેમને પ્રેમ કરુ છું."
શોએબે ઑક્ટોબર 1999માં વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચથી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે 287 મૅચમાં 44 અડધી સદી સાથે 7,534 રન કર્યા તેમજ 158 વિકેટ લીધી હતી.
તેમજ 35 ટેસ્ટ ક્રિકેટ મૅચમાં 3 સદી અને 8 અડધી સદી સાથે 1,898 રન કર્યા. જ્યારે 111 ટી-20 મૅચમાં સાત અડધી સદી સાથે 2,263 રન કર્યા.
જોકે, તેમની કારકિર્દીની અંતિમ મૅચમાં વર્લ્ડ કપમાં ભારત સામે તેઓ 0 રનમાં આઉટ થયા હતા, જેથી તેમને ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
હનીસિંઘના ગીત સામે ફરિયાદ
રૅપર હનીસિંઘ વિરુદ્ધ પંજાબ સ્ટેટ વીમેન્સ કમિશનના ચેર પર્સન મનીશા ગુલાટી દ્વારા સુઓમોટો કરવામાં આવી છે.
જેમાં મહિલાઓ માટે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરવા બદલ પંજાબ પોલીસને તેમની વિરુદ્ધ પગલાં લેવા કહેવામાં આવ્યું છે.
ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ મુજબ હનીસિંઘે તેમના નવા સિંગલ 'મખના'માં 'આઈ એમ વુમનાઈઝર' એવા શબ્દોનો ઉપયોગ કર્યો છે.
મનિશા ગુલાટીએ કહ્યું, "બીજા દેશના લોકો હરે કૃષ્ણ હરે રામનાં ભજનો ગાય છે અને હનીસિંઘ ઘણી વખત બળાત્કારી જેવા શબ્દોનો ઉપયોગ કરે છે."
"જે સ્ત્રી દાક્ષિણ્યની વિરુદ્ધ છે. જો તેઓ આવું કરવાનું બંધ ન કરી શકતા હોય તો જે દેશમાં આવું કરવાની છૂટ હોય તેમણે ત્યાં જતાં રહેવું જોઈએ."
શુક્રવારે પંજાબ પોલીસને આ અંગે ફરિયાદ કરતાં મનિષા ગુલાટીને હનીસિંઘના પ્રશંસકો દ્વારા તેમને ટ્રોલ કરવામાં આવ્યાં હતાં.
આ અંગે પંજાબ પોલીસના ડીજીપી દિનકર ગુપ્તાએ કહ્યું કે અમે મુદ્દાની કાયદાકીય તપાસ કરી રહ્યા છીએ, તેમાં કોઈ વાંધાજનક બાબત હશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
મમતા બેનરજીએ મોદી સરકારના બજેટને દૃષ્ટિવિહિન ગણાવ્યું
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ શુક્રવારે સંસદમાં રજૂ થયેલા સામાન્ય બજેટને 'સંપૂર્ણ રીતે દૃષ્ટિવિહિન' ગણાવ્યું છે.
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ મમતા બેનરજીએ કહ્યું કે આ બજેટથી મોંઘવારી વધશે.
તેમણે ટ્વિટ કરતાં કહ્યું, "બજેટ 2019 'સંપૂર્ણ રીતે દૃષ્ટિવિહિન' છે પાટા પરથી ઊતરી ગયું છે. માત્ર સબટેક્સ જ નથી વધાર્યો પરંતુ વધારાની એક્સાઇઝ ડ્યૂટીના કારણે પેટ્રોલ અને ડિઝલના ભાવ 2.30 રૂપિયા સુધી વધી જશે."
તેમણે આગળ લખ્યું કે મોંઘવારી વાહન વ્યવહારથી લઈને બજાર મારફતે રસોડા સુધી પહોંચશે. આ ચૂંટણીનું ઇનામ છે.
બેબીલોનને યૂનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો
ઐતિહાસિક મેસોપોટેમિયન શહેર બેબીલોનને યૂનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું છે.
1983ના વર્ષથી ઇરાક આ 4 હજાર વર્ષ જૂના શહેરને યૂનાઇટેડ નેશન્સની યાદીમાં સ્થાન મળે તે માટે પ્રયત્નો કરતું હતું.
આ શહેર તેના હૅંગિંગ ગાર્ડન માટે જાણીતું છે, જે વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવે છે.
આ શહેરને પહેલાં સદ્દામ હુસૈનના મહેલ માટે અને પછી તે યૂએસ સેના દ્વારા છાવણી તરીકે ઉપયોગમાં લેવાયું ત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
આ જાહેરાત કરતાં યૂનેસ્કોએ કહ્યું, "બેબીલોન સર્જનાત્મકતા અને કલાત્મકતાનો ઉત્તમ નમૂનો છે. વિશ્વની સાત અજાયબીઓમાંના હૅંગિંગ ગાર્ડને કલાત્મક, લોકપ્રિય અને ધાર્મિક સંસ્કૃતિને વિશ્વ કક્ષાએ પ્રેરિત કર્યા છે. સાથે જ આ શહેરની સ્થિતિ તેની સંભાળની તાતી જરૂરિયાત પણ દર્શાવે છે."
બેબીલોન શહેર સાથે બુર્કીના ફાસોના જાણીતા મેટલર્જીના વિસ્તાર, બ્રાઝિલના પરાતી અને ઇલાહા ગ્રાન્ડ, આઇસલૅન્ડનો વતનાક્લ નેશનલ પાર્ક તેમજ ફ્રાન્સના ફ્રેન્ચ ઑસ્ટ્રલ લૅન્ડ્ઝ ઍન્ડ સીઝને પણ હેરિટેજ સાઇટની યાદીમાં સ્થાન મળ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો