જળ સલામતી જનજીવન, અર્થવ્યવસ્થા અને અસ્તિત્વ સામે મોટો પ્રશ્ન બનશે?

પાણી ભરવા જતી છોકરી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
    • પદ, વરિષ્ઠ અર્થશાસ્ત્રી

આગામી સમયમાં ભારતની આર્થિક અને સામાજિક પ્રગતિ માટે Water Security એટલે કે જળ સુરક્ષા અને તે થકી પાણીની પૂરતી ઉપલબ્ધિ મહત્વનું પરિબળ બની ચૂક્યું હશે.

આ સંયોગોમાં આવનાર વર્ષોમાં પાણીની પરિસ્થિતિ અને તેને કારણે દેશ સામે ઊભા થનારા પડકારો વિશે વિચારવાનો સમય ઘણા વખતથી પાકી ગયો હતો.

હમણાં જ 30 જૂનના દિવસે આ દેશના વડા પ્રધાને 'મન કી બાત' થકી પ્રજા સાથે વાત કરતા જે ત્રણ મહત્વના પ્રશ્નો આ દેશ સામે મૂક્યા તેમાં પાણી સૌથી પહેલા ક્રમે હતો.

આ માટેની ચિંતા કરીને કેન્દ્ર સરકારે 'જળશક્તિ' મંત્રાલયની રચના કરી આ દિશામાં એક પગલું ઉઠાવ્યું છે.

ત્યારે પાણીની આજની સ્થિતિ અને ભવિષ્યમાં ઊભી થનારી પરિસ્થિતિ બાબતે ચર્ચા જરૂરી જણાય છે.

પાણી ભરતાં મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

આ લેખમાં કેટલીક મહત્વની માહિતી સાથે આવી ચર્ચા આગળ વધારવાનો એક પ્રયાસ કર્યો છે.

જળ એજ જીવન

જળ એજ જીવનનું અમૃત

અમૃત એ જ સંજીવની

જળનું ટીપે ટીપું બચાવી

આ અમૃતને વેડફાતું રોકીએ

પાણી બચાવો

પાણી આપણને બચાવશે....

પાણી

આપણા દાદાએ નદીઓમાં જોયું

આપણા પિતાએ કુવામાં જોયું

આપણે નળમાં જોયું

આપણા બાળકો બોટલમાં જોઇ રહ્યા છે.

આપણા પૌત્રો શું કેપ્સ્યુલમાં જોશે?

જો આપણે આ રીતે જ અવગણના કરીશું તો

પાણી માત્ર આંસુમાં જ જોવા મળશે.

આપણે ધસમસતા વિનાશ તરફ આગળ વધી રહ્યા છીએ.

પાણી બચાવીએ

ભાવિ પેઢીને સલામત રાખીએ.

પૃથ્વીનો 71 ટકા ભાગ પાણીથી ઢંકાયેલો છે જેમાં ભૂગર્ભ જળ 1.6 % છે અને વાતાવરણમાં પાણીની વરાળ, વર્ષા અને વાદળ સ્વરુપે તે 0.001 % ભાગ છે.

line

પાણી ક્યાં કયાં વહેચાયેલું છે?

અડધું સૂકાયેલું તળાવ

ઇમેજ સ્રોત, Getty Images

સમુદ્રમાં ખારા પાણીરૂપે - 97 %

ગ્લેશિયર અને હિમ સ્વરૂપે - 2.4 %

નદી, તળાવો વગેરેમાં મીઠું પાણી - 0.6 %

એટલે કે મારા-તમારા-આપણાં સૌના વપરાશ માટે મીઠુ પાણી પૃથ્વી ઉપરના પાણીના માત્ર 0.6 ટકા છે.

તે ઝડપથી ઘટતું જાય છે...

આ વહેંચણી પણ એક સરખી નથી

દેશનું લગભગ 2/3 ભાગનું પાણી ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, મેઘના તેમજ રાવી, બિયાસ, સતલજ તેમજ સિંધુના તટ પ્રદેશમાં છે જેની વસ્તી દેશની 1/3 છે.

આમ દેશની બાકીની 2/3 વસતી પાસે માત્ર ત્રીજા ભાગ (1/3) નું પાણી છે.

10 કરોડ કરતાં વધારે વસતી પાણીની હલકી ગુણવત્તા ધરાવતા પ્રદેશોમાં વસે છે.

માથાદીઠ ઓછા પાણીની સરેરાશ ધરાવતા રાજ્યોમાં હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા રાજ્યોનો સમાવેશ થાય છે.

line

વોટર સ્ટ્રેસની પરિસ્થિતિ કોને કહેવાય?

પાણી ભરવા જતાં મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

1000 ઘન મીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષથી ઓછી પાણીની ઉપલબ્ધિને દુનિયામાં વોટર સ્ટ્રેસ કન્ડિશન એટ્લે કે પાણીની સખત તંગી કહેવાય છે.

દેશનો ઘણો મોટો ભાગ વોટર સ્ટ્રેસ (પાણીની સખત તંગી) સ્થિતિમાં છે.

જ્યારે કોઈ વસ્તુની તંગી હોય ત્યારે એને અછતના સમયે સંઘરવાની શક્તિ કેળવવી જોઈએ.

જળસંસાધનોને લાગેવળગે છે ત્યાં સુધી પાણીની તીવ્ર તંગી તરફ જઈ રહેલા ભારત પાસે પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા પણ ખૂબ જ ઓછી છે.

આ પરિસ્થિતિમાં ચોમાસું નિષ્ફળ જાય તે વખતે દેશના કેટલાંક રાજ્યોમાં પાણીની ઉપલબ્ધિની વિકટ પરિસ્થિતી પેદા થતી આપણે જોઈએ છીએ.

ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને છેલ્લે છેલ્લે તમિલનાડુ આના ઉદાહરણો છે.

આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી કે હરિયાણા પણ આમાંથી બાકાત તો નથી જ.

દક્ષિણ ભારતમાં પાણીની કટોકટી

ઇમેજ સ્રોત, Getty Images

આમ આગામી સમયમાં વધતી જતી વસતી, એની સાથોસાથ કંઈક અંશે શહેરો, ઉદ્યોગો અને ખેતીમાં પાણીનો વધતો જતો વપરાશ અને ઘટતી જતી ઉપલબ્ધિ ભારતને પાણીની તીવ્ર તંગીવાળા દેશ તરફ લઇ જવાના છે.

તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની 'મન કી બાત'ના મુદ્દાઓમાં આ મુદ્દાને પ્રાધાન્ય આપ્યું અને જળસંચય તેમજ જળસંવર્ધનને લોક ચળવળ બનાવવા આહવાન કર્યું.

તેની સાથોસાથ જળ સંસાધનો માટેનું એક અલગ મંત્રાલય પણ અસ્તિત્વમાં આવ્યું.

આ બધું જ આવનાર સમયમાં પાણી મોરચે દેશમાં ઊભી થનાર પરિસ્થિતિની ચિંતા તરફ અંગુલિનિર્દેશ કરે છે.

આ ચિંતામાં વધારો કરે તેવી બાબત, 'ભારત પાસે ઓછામાં ઓછું પાણી સંગ્રહ કરવાની ક્ષમતા', કરે છે.

એક નજર આ વિગતો પર નાખીએ.

ભારતમાં ઓછામાં ઓછું પાણી સંગ્રહાય છે. અને એટલે આજે પણ ચોમાસા ઉપર આધારિત રહીને દેશની કૃષિ અને અર્થ વ્યવસ્થા ચાલે છે.

બે વસ્તુ આ બાબત પરથી સ્પષ્ટ થાય છે - એક, મુશ્કેલીના સમયમાં જેના ઉપર આધાર રાખી શકાય તેવો ભરોસાપાત્ર પાણી સંગ્રહનો જથ્થો આપણી પાસે ખૂબ જ ઓછો છે.

બીજું, આ કારણને લઈને ભારતમાં આજે પણ ત્રણ ચતુર્થાંશ ભાગની ખેતી આકાશીયા એટલે કે માત્ર વરસાદ પર આધાર રાખનાર કૃષિ વ્યવસ્થા છે.

4 થી જુલાઈ 2019ના રોજ સંસદ સમક્ષ મુકાયેલ 'ઇકૉનૉમિક સર્વે'માં 2018-19ના વર્ષમાં ભારતે 283.24 મિલિયન ટન અનાજ પેદા કર્યું એવી વાત છે.

અત્યારે ભારતની વસતી 130 કરોડ છે જે વધીને 2050માં 170 કરોડ થશે.

તેની સાથોસાથ અન્નની જરૂરિયાત 350 મિલિયન ટન થશે.

આ વ્યવસ્થા તરફ પહોંચવા માટેનું એક મહત્ત્વનું પરિબળ હાઇટેક રેઈન ઈન્ડિપેન્ડેન્ટ એગ્રીકલ્ચર એટલે કે વરસાદ ઉપર નિર્ભર ન હોય અને ઉચ્ચ ટૅકનૉલૉજી વાપરતી હોય તેવી કૃષિ વ્યવસ્થા વિકસાવવી પડશે.

આ માટે પણ માથાદીઠ પાણીનો જે જથ્થો આપણે સંગ્રહ કરીએ છીએ તે પૂરતો નહીં હોય.

ખાલી ડૅમ

ઇમેજ સ્રોત, Getty Images

મોટા બંધ બાંધવાનું હવે મુશ્કેલ અને ખૂબ ખર્ચાળ તેમજ વિસ્થાપનના મોટા પ્રશ્નો ઊભા કરે તેવું બનવાનું છે.

તે સંયોગોમાં પાણીનો સંગ્રહ કરતાં સ્થાનિક ઉપાયો આપણે યોજવા પડશે.

પાણીના વપરાશ અંગે પણ કેટલાંક ખોટા ખ્યાલોમાંથી બહાર આવવું પડશે.

જ્યારે જ્યારે પાણીની તંગીની વાત આવે એટલે તરત શહેરો અને ઉદ્યોગો ઉપર માછલાં ધોવાવાના શરૂ થઈ જાય છે.

આજ દિન સુધી પાણીની તંગી બાબતે ક્યારેય કૃષિ સામે આંગળી ચીંધાતી મેં જોઈ નથી.

આ સૌથી મોટી કરુણતા છે. પાણીનો મોટામાં મોટો વપરાશકાર કૃષિ છે.

કૃષિ, ઉદ્યોગો અને પીવા તેમજ ઘર વપરાશ માટે દુનિયામાં તેમ જ ભારતમાં કેટલું પાણી વપરાય છે તેની વિગતો પર એક નજર નાખવાથી આ વાત વધુ સ્પષ્ટ બનશે.

પાણીના વપરાશનો આંકડો

પાણી બચાવવું હોય તો સૌથી પહેલું ખેડૂતે સમજવું પડે કે છોડને ભેજ જોઇએ છે, પાણી નહીં.

ફુવારા (સ્પ્રિંકલર) અને ટપક (ડ્રીપ) જેવી પદ્ધતિઓ અને મલ્ચિંગ ફરજિયાત અપનાવવું પડે એવી પરિસ્થિતિમાં આપણે પહોંચી ગયા છીએ.

આમ પાણી બચાવવાની ઝુંબેશનો સૌથી વધુ ફાયદો, ખેડૂત પાણીની અગત્યતાના મુદ્દે સભાન બને અને પાણીનો બગાડ તેમજ રેલાણ થકી પાણી આપવાના ગેરફાયદા સમજે, તેમાં રહેલો છે.

વડા પ્રધાન જે જનજાગૃતિ અને લોક ચળવળ અભિયાન શરૂ કરવાની વાત કરે છે તેમાં સૌથી મુશ્કેલ કામ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રે આ સભાનતા ઉભી કરવાનું છે.

પ્રમાણમાં શહેરો અને પીવાનું તેમજ ઉદ્યોગો માટેનું પાણી બચાવવાની સભાનતા ઊભી કરવી અને પરિણામ મેળવવા સહેલું છે, ત્યારે આ ઝુંબેશની શરૂઆત કૃષિક્ષેત્ર થાય તો મહત્તમ પરિણામો મળે એમાં કોઈ શંકા નથી.

પણ સરવાળે તે ખેડૂત તેમ જ ખેતી બન્ને માટે ઉપકારક નીવડશે એ વાત આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૌ કોઈ અને તેમાં પણ પહેલા નવરચિત 'જળશક્તિ' મંત્રાલયને જો સમજાય તો પ્રધાનમંત્રીની ચિંતાનો ખૂબ જ હકારાત્મક ઉકેલ મળી શકશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો