બીબીસીના નામે વાઇરલ કરવામાં આવેલી રોહિંગ્યાની તસવીરનું સત્ય : ફૅક્ટ ચેક

    • લેેખક, યાકૂત અલી
    • પદ, ફૅક્ટ ચેક ટીમ

દાવો : સોશિયલ મીડિયા (ફેસબુક, ટ્વિટર, વૉટ્સઍપ) પર રોહિંગ્યા બતાવવામાં આવતી એક બાળકીની તસવીર શૅર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બાળકીએ 54 વર્ષની વ્યક્તિ સાથે લગ્ન કર્યાં છે અને નાની ઉંમરે બે બાળકોને જન્મ આપ્યો છે.

આ તસવીર પર બીબીસીના લોગોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તસવીર શૅર કરતા લોકોએ એમ પણ લખ્યું છે કે બાળકી ભવિષ્યમાં ઓછામાં ઓછાં 20 બાળકોને જન્મ આપશે.

તસવીર શૅર કરતા લોકોમાંથી એક વ્યક્તિએ લખ્યું છે, "દેશમાં વધતી મુસ્લિમ વસતી, ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવા તરફ લઈ જઈ રહી છે અને આપણા કેટલાક ગદ્દાર નેતા પણ આ કામમાં તેમની સાથે છે. સમય પર જો તેના પર ધ્યાન ન આપવામાં આવ્યું તો આ સમસ્યા ખૂબ ગંભીર બની શકે છે."

વાઇરલ કરવામાં આવી રહેલી તસવીરનું સત્ય

જે તસવીર શૅર કરવામાં આવી રહી છે તે બીબીસીના જ એક વીડિયો રિપોર્ટમાંથી લેવામાં આવી છે. પરંતુ બીબીસીના રિપોર્ટમાં આવી કોઈ વાત કહેવામાં આવી નથી જેવા દાવા સોશિયલ મીડિયાની પોસ્ટ પર કરવામાં આવી રહ્યા છે.

બીબીસીએ રોહિંગ્યા મુસ્લિમો પર 2017 પર એક રિપોર્ટ બનાવ્યો હતો.

એ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે રોહિંગ્યા લોકો કયા રસ્તે મ્યાંમારથી બાંગ્લાદેશ તરફ આગળ વધી રહ્યા છે અને તે વીડિયોમાં તમે 2.07 મિનિટ પર આ બાળકીને જોઈ શકો છો.

આ બાળકી અને તેનાં સિવાય બીજા ઘણાં બાળકો એક સ્કૂલમાં વરસાદના કારણે બેઠેલા છે અને વીડિયોમાં બીબીસી સંવાદદાતા સંજૉય મજુમદાર કહી રહ્યા છે કે આ લોકો એક કે બે દિવસ રહેવાના છે અને આ લોકો ત્યાં સુધી ચાલતા રહેશે જ્યાં સુધી એક મોટા રેફ્યુજી કૅમ્પમાં ન પહોંચી જાય.

બીબીસીના જે મૂળ રિપોર્ટથી બાળકીની આ તસવીર લેવામાં આવી છે, તેને તમે અહીં જોઈ શકો છો.

વાઇરલ થઈ રહેલા સમાચારનું ખંડન કરતા બીબીસીના એક પ્રવક્તાએ કહ્યું, "જે તસવીર સોશિયલ મીડિયામાં ફેલાવવામાં આવી રહી છે તે બીબીસીના રિપોર્ટમાંથી લેવામાં આવી છે. આ રિપોર્ટમાં રોહિંગ્યા શરણાર્થીઓના બાંગ્લાદેશના શરણાર્થી કૅમ્પમાં પહોંચવાના પહેલા અનુભવો વિશે જણાવવામાં આવ્યું છે."

તેમણે કહ્યું, "આ રિપોર્ટના કોઈ પણ ભાગમાં એવો દાવો નથી કે જે બાળક તે બાળકીના ખોળામાં છે તે તેનું જ સંતાન છે."

"વાચકોએ બીબીસી સાથે જોડાયેલી કોઈ પણ પોસ્ટ પર વિશ્વાસ કરતાં પહેલાં બીબીસીની વેબસાઇટ પર આવીને પણ ચેક કરવું જોઈએ."

આ સિવાય અમે તમને એ પણ જણાવી દઈએ કે તસવીર ગત વર્ષે પણ coveragetimes.com દ્વારા વાઇરલ કરવામાં આવી હતી જેના પર અમારા સહયોગી વિનીત ખરેએ રિપોર્ટ કર્યો હતો.

જ્યારે વિનીત ખરેએ coveragetimes.comના તંત્રી રાજૂ સિકરવારને પૂછ્યું તો તેમણે પણ એ વાતની પુષ્ટિ કરી કે આ સમાચાર ખોટા છે. પણ જ્યારે અમે તેમને પૂછ્યું કે આ ખોટા સમાચાર ક્યાંથી લઈને આવે છે, તો તેમણે કહ્યું કે અમારા સોર્સ હોય છે અને ભૂલ થઈ જાય છે.

તમે એ રિપોર્ટને આ લિંકના માધ્યમથી જોઈ શકો છો.

સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહેલી તસવીર સાથે જે દાવો કરવામાં આવી રહ્યો છે, તે અમારી તપાસમાં ખોટો સાબિત થયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો