રાજસ્થાનના બાડમેરમાં રામકથાનો મંડપ તૂટતાં 14 લોકોનાં મૃત્યુ, 24 ઘાયલ

ઇમેજ સ્રોત, ANI
રાજસ્થાનના બાડમેરમાં રવિવારે સાંજે રામકથા દરમિયાન વાવાઝોડા અને વરસાદથી મંડપ તૂટી પડ્યો હતો અને આ ઘટનામાં 14 લોકોનાં મૃત્યુ થયાં છે અને 50 કરતાં વધારે લોકો ઘાયલ થયા છે.
રાજસ્થાનનાં મુખ્ય મંત્રી અશોક ગેહલોતે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પ્રત્યે શોક વ્યકત કર્યો છે.
વડા પ્રધાન કાર્યાલયે સત્તાવાર ટ્ટિટર અકાઉન્ટ પરથી કહ્યું કે રાજસ્થાનના બાડમેરમાં મંડપ તૂટી પડવાની ઘટના કમનસીબ છે. મૃત્યુ પામનારના પરિવારજનો પ્રત્યે હું સાંત્વના પાઠવું છું અને ઘાયલો જલ્દી સાજા થાય તેવી આશા છે.
મુખ્ય મંત્રી અશોક ગેહલોતે જિલ્લા તંત્રને ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાતં તેમણે મૃત્યુ પામનાર તથા ઘાયલ થનાર લોકોને સંભવિત તમામ નાણાકીય મદદથી સહયોગ કરવાનું કહ્યું છે.
અધિકારીઓનું કહેવું છે કે સેંકડોની સંખ્યામાં લોકો ધાર્મિક આયોજન માટે એકઠા થયા હતા. તે જ સમયે આયોજન માટે લગાવવામાં આવેલો પંડાલ તૂટી પડ્યો. ઘાયલોમાંથી કેટલાક લોકોની સ્થિતિ ગંભીર છે.

મુઝ્ઝફપુરની હૉસ્પિટલમાંથી માનવકંકાલ મળ્યાં

ઇમેજ સ્રોત, ANI
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ બિહારમાં અત્યાર સુધીમાં 130 બાળકોનાં મૃત્યુ થયાં છે.
બિહારના મુઝ્ઝફરપુરની કૃષ્ણા મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાંથી માનવકંકાલ મળ્યાં છે. એક્યૂટ ઇન્સેફેલાઇટીસથી લગભગ 108 બાળકોનાં મૃત્યુ થયાં છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ત્યારે આ અવશેષો મળવા પર હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ એસ. કે. શાહીએ કહ્યું હતું કે, 'પોસ્ટમોર્ટમ વિભાગ પ્રિન્સિપાલની હેઠળ આવે છે, પરંતુ તેમાં પણ માનવીય સંવેદનાઓનું ધ્યાન રાખવું જોઈએ, હું તેમની સાથે વાત કરીશ અને તેમને આ બાબતની તપાસ કરવા માટે એક સમિતિ બનાવવાનું કહીશ.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બિહારમાં અત્યાર સુધી કુલ 130 બાળકોનાં મોત થઈ ચૂક્યાં છે.

કિમ જોંગ ઉનને ટ્રમ્પ તરફથી 'એક્સેલન્ટ' લેટર મળ્યો

ઇમેજ સ્રોત, AFP
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને યૂએસના રાષ્ટ્ર પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે એક પત્ર લખ્યો છે.
સ્થાનિક અહેવાલો મુજબ કિમે આ પત્રને 'એક્સેલન્ટ' ગણાવ્યો છે.
કેસીએનએ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર તેમણે કહ્યું છે કે તેઓ આ પત્રની 'રસપ્રદ બાબતો પર ચોક્કસ વિચાર કરશે.'
તેમણે ટ્રમ્પની વિશિષ્ટ હિંમતની પણ પ્રશંસા કરી હતી. આ મહિનાની શરૂઆતમાં ટ્રમ્પે કહ્યું હતું કે તેમને કોરિયાના નેતા દ્વારા સુંદર પત્ર મોકલવામાં આવ્યો છે.
ટ્રમ્પનો પત્ર કિમ જોંગ ઉનને ક્યારે અને કેવી રીતે મળ્યો તે અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી, તેમજ વ્હાઇટ હાઉસે પણ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.
વિયેતનામમાં ટ્રમ્પ અને કિમની વાટાઘાટોનું કોઈ પરિણામ આવ્યું નહોતું.
યૂએસએ ઉત્તર કોરિયાને તેમના પરમાણુ કાર્યક્રમો બંધ કરવા કહ્યું હતું જ્યારે ઉત્તર કોરિયાએ રાહતોની માગ કરી હતી.

હલવાની પરંપરા સાથે બજેટના દસ્તાવેજોનું કામ શરૂ

ઇમેજ સ્રોત, Pib
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બનેલી કેન્દ્રની નવી સરકારના પહેલા બજેટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ નાણા મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે હલવાની પરંપરા નિભાવ્યા બાદ હવે બજેટના દસ્તાવેજો છાપવાનું કામ શરૂ થઈ ગયું છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
હલવા સૅરિમની નાણામંત્રી નિર્મલા સીતારમણ, રાજ્ય કક્ષાના નાણા મંત્રી અનુરાગ ઠાકુર અને નાણા વિભાગના અધિકારીઓની હાજરીમાં નૉર્થ બ્લૉકમાં આયોજન કરવામાં આવ્યું હતું.
સામાન્ય ચૂંટણી બાદ બનેલી નવી સંસદના 17 જૂનથી શરૂ થયેલા સત્રમાં પાંચ જુલાઈના રોજ 2019-20નું પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે.
બજેટની ગુપ્તતા જાણવી રાખવા માટે આ પ્રક્રિયામાં સામેલ અધિકારીઓએ બજેટ રજૂ થાય ત્યાં સુધી નૉર્થ બ્લૉકના કાર્યાલયમાં જ રોકાવું પડે છે.
આ દિવસ દરમિયાન તેમને પોતાના પરિવારજનો સાથે વાત કરવા પર પણ પ્રતિબંધ હોય છે.

ન્યૂઝીલૅન્ડનો પાંચ રને વિજય

ઇમેજ સ્રોત, Getty Images
વર્લ્ડ કપમાં શનિવારે બે મૅચ રમાઈ, જેની બીજી મૅચમાં ન્યૂઝીલૅન્ડે વેસ્ટ ઇન્ડીઝને 5 રનથી હરાવ્યું.
માન્ચેસ્ટરમાં રમાયેલી આ મૅચમાં ન્યૂઝીલૅન્ડે 50 ઓવરમાં 291 રન કર્યા. આ લક્ષ્યનો પીછો કરતી વેસ્ટ ઇન્ડીઝની ટીમ 286 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.
વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ન્યૂઝીલૅન્ડે 8 વિકેટ ગુમાવીને 291 રન કરીને વેસ્ટ ઇન્ડીઝને 292 રનનું લક્ષ્ય આપ્યું હતું.
વેસ્ટ ઇન્ડીઝની શરૂઆત ઘણી ધીમી હતી, 6 ઓવર સુધી એક વિકેટ ગુમાવીને માત્ર 20 રન કર્યા હતા. ત્યાર બાદ ક્રિસ ગેલ અને શિમ્રોન હેટમાયરે હિટિંગ શરૂ કર્યું, જેમાં 21 ઓવર સુધી ફોર અને સિક્સ મારતાં રહીને સ્કોર 124 સુધી પહોંચાડ્યો.
બ્રેથવેટે સૌથી વધુ 101 રન કર્યા, ક્રિસ ગેલે 87 રન કર્યા. જ્યારે ન્યૂઝીલૅન્ડના કેન વિલિયમસનને 154 બૉલમાં 148 રન કરવા માટે પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યા હતા.

અમેરિકા -ઈરાન વચ્ચે તણાવની ભારત પર અસર

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવના કારણે ડીજીસીએ કહ્યું છે કે ભારતીય વિમાન કંપનીઓ ઈરાની હવાઈક્ષેત્રનો ઉપયોગ ટાળીને પોતાની ફ્લાઇટોના માર્ગ બદલશે.
ડીજીસીએ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતીય વિમાન કંપનીઓ તણાવવાળા હવાઈક્ષેત્રથી બચશે અને નવો માર્ગ નક્કી કરવામાં આવશે.
અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લે કેટલાક દિવસોથી તણાવ વધી ગયો છે અને બંને દેશો એકબીજાની વિરુદ્ધ તીખાં નિવેદનો આપી રહ્યાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












