You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'સ્ટેચ્યૂ માટે 3000 કરોડ ખર્ચનારી સરકાર સફાઈની મશીનરીમાં રોકાણ કેમ નથી કરતી?'
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતના ડભોઈમાં શનિવારે એક હોટલના ખાળકૂવાના સફાઈકામ દરમિયાન સાત લોકોનાં મૃત્યુ થયાં છે.
પોલીસનું કહેવું છે કે જ્યારે સફાઈ કર્મચારી બહાર ન આવ્યા ત્યારે અન્ય લોકો તેમને શોધવા માટે ખાળકૂવામાં ઊતર્યા હશે.
ગેસના કારણે ગૂંગળામણ થવાથી તમામ સાતનાં મૃત્યુ થયાં છે.
મૃતકો પૈકી મહેશભાઈ પાટણવાડિયા, અશોકભાઈ હરિજન, હિતેશભાઈ હરિજન તથા મહેશભાઈ હરિજન ડભોઈ પાસેના થુવાવી ગામના રેહવાસી હતા.
થુવાવી ગામના સરપંચ ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું કે અશોકભાઈ અને હિતેશભાઈ હરિજન પિતા-પુત્ર હતા અને થુવાવી ગામમાં અત્યારે ગમગીની છવાઈ છે.
તેઓ જણાવે છે કે ગામમાં 350-400ની દલિતોની વસતિ છે જેઓ વણકરવાસમાં રહે છે. તેમનું કહેવું છે કે આશરે 5-6 લોકો જ આ પ્રકારે સફાઈનું કામ કરતા હતા.
મૃત્યુ પામનાર એક મહેશ હરિજનના પરિવારમાં માતા-પિતા રહ્યા નથી, માત્ર તેમની પત્ની છે એવી માહિતી પણ તેઓ આપે છે.
જ્યારે વિજયભાઈ ચૌધરી અને સહદેવભાઈ વસાવા સુરતના ઉમરપાડા તાલુકાના હતા તથા અજયભાઈ વસાવા નેત્રંગ તાલુકાના હોવાનું જાણવા મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસ સબઇન્સ્પેક્ટર કે. એમ. વાઘેલા જણાવે છે કે સાત મૃતકો પૈકી ત્રણ સફાઈ કર્મચારીઓ હતા, એક ડ્રાઇવર અને અન્ય ત્રણ હોટલના કર્મચારીઓ હતા. તમામ મૃતદેહોને બહાર કાઢી લેવામાં આવ્યા છે.
ડભોઈ પોલીસ તથા અગ્નિશમન અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને ખાળકૂવામાંથી મૃતદેહોને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
પોલીસે ડભોઈ સ્થિત હોટલના માલિક હસન અબ્બાસ ભોરાનિયા પર કેસ દાખલ કર્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં ડભોઈના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ, કલ્પેશ સોલંકીને ટાંકીને લખ્યું છે, "ટૅન્ક સાફ કરવા માટે સફાઈ કામદારોને કામે લગાડવામાં આવ્યા હતા, અમારું અનુમાન છે કે એમાંથી એક પહેલાં ટૅન્કમાં પ્રવેશ્યો હતો અને ગેસના કારણે તેનો શ્વાસ રુંધાઈ ગયો હતો.''
"જ્યારે તેઓ બહાર ન આવ્યા ત્યારે બીજા લોકો તેને શોધવા નીચે ઊતર્યા હશે અને તેઓ પણ ગૅસના કારણે ગૂંગળાઈ ગયા હતા."
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
પોલીસ સબઇન્સ્પેક્ટર કે. એમ. વાઘેલાએ બીબીસી સાથે વાતચીતમાં કહ્યું હતું, "સફાઈ કામદારો જ્યારે ખાળકૂવામાં ઊતર્યા ત્યારે તેમની પાસે નિયમ મુજબ સુરક્ષાનાં સાધનો નહોતાં."
તેમણે જણાવ્યું કે મૃતદેહોનું પોસ્ટમૉર્ટમ કરાવવામાં આવ્યું છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
સરકાર સફાઈ મશીનરીમાં રોકાણ કેમ નથી કરતી? - મેવાણી
થૂવાવી ગામના રહેવાસી કમલેશ વસાવાએ બીબીસીને જણાવ્યું કે આશરે 50 વર્ષના અશોક , પુત્ર હિતેશ, એક અન્ય મહેશ હરિજન સાથે ડભોઈમાં હોટલમાં ખાળકૂવાની સફાઈ કામ માટે ગયા હતા. ત્યાં આ બનાવ બની ગયો હતો.
કમલેશ જણાવે છે કે થૂવાવી ગામમાંથી મહેશ પાટણવાડિયા પણ ડભોઈમાં દર્શન હોટલ ગયા હતા. તેઓ મળ અને કાદવ હઠાવવા માટે ટ્રૅક્ટર લઈને ત્યાં ગયા હતા.
તેમણે જણાવ્યું કે અશોકના પરિવારમાં પત્ની અને બે દીકરા હતા. હિતેશ મોટો દીકરો હતો જે તેમની સાથે કામ પર ગયો હતો.
તેમનો નાનો પુત્ર હજુ 15-16 વર્ષનો હશે એવું તેઓ જણાવે છે.
આ અંગે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ બીબીસીને કહ્યું કે સરકાર તેની પ્રાથમિકતાઓ બાબતે ગંભીર નથી. સ્ટેચ્યૂ કે ઉત્સવો પાછળ ધૂમ ખર્ચો કરનારી સરકાર રાજ્યમાં સફાઈની મશીનરીઓ માટે રોકાણ કેમ નથી કરતી એવો સવાલ તેઓ કરે છે.
જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે સફાઈ કામદારોના મૃત્યુ બાબતે ગુજરાત સમગ્ર દેશમાં બીજે ક્રમે છે તે શરમની વાત છે.
આ ઉપરાંત એમણે ટ્ટીટ કરતાં કહ્યું કે સરકાર સ્ટેચ્યૂમાં 3000 કરોડ રોકે છે પરંતુ સફાઈ કામદારોને ગટરમાં ન ઊતરવું પડે કે માથે મેલું ન ઉપાડવુ પડે તે માટે મશીનરીમાં રોકાણ નથી કરતી. જો સરકાર પ્રાથમિકતાઓ બાબતે ગંભીર હોત તો વડોદરામાં સાત લોકોએ જીવ ન ગુમાવ્યા હોત.
આ ઉપરાંત ડભોઈના કેસમાં અને વડગામ તેમજ થાનગઢ દલિત હત્યાકાંડ કેસમાં જિજ્ઞેશ મેવાણીએ પોતે મુખ્ય મંત્રી સાથે મુલાકાત કરશે એમ પણ ટ્ટીટ કર્યું છે.
2018 સુધીમાં 122નાં મૃત્યુ
નેશનલ સફાઈ કર્મચારી પંચની એક રિપોર્ટ મુજબ, 1993થી લઈને 2018 સુધીમાં ગુજરાતમાં ગટરમાં ઊતરવાને કારણે 122 લોકોનાં મૃત્યુ થયાં છે. આ પ્રકારની ઘટનાઓમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે.
આ જ ગાળામાં ભારતમાં સીવરમાં ઊતરવાને કારણે થયેલાં મૃત્યુનો કુલ આંકડો 676 છે અને તામિલનાડુમાં સૌથી વધુ 194 મૃત્યુ થયાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો