You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નીતિશ કુમારે બિહાર મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું, ભાજપનો સમાવેશ નહીં
બિહારના મુખ્ય મંત્રી નીતિશકુમારે એમની કૅબિનેટનું વિસ્તરણ કર્યુ છે. રવિવારે રાજ્યપાલ લાલજી ટંડને રાજભવનમાં આયોજિત એક સાદગીભર્યા સમારોહમાં નીતિશકુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડના આઠ ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવડાવ્યા.
શપથ લેનારામાં શ્યામ રજક, અશોક ચૌધરી, નરેન્દ્ર નારાયણ યાદવ, સંજય ઝા, રામસેવક સિંહ કુશવાહા, નીરજ કુમાર, લક્ષ્મેશ્વર રાય અને એક માત્ર મહિલા બીમા ભારતીનો સમાવેશ થાય છે.
2015માં રાજદ-કૉંગ્રેસ-જદયુની સંયુક્ત સરકાર બની તે વખતે શ્યામ રજક અને નરેન્દ્ર નારાયણ યાદવને મંત્રી બનાવવામાં નહોતાં આવ્યાં. એ વખતે શ્યામ રજકે પાર્ટી પ્રત્યે નારાજગી જાહેર કરી હતી.
એ જ રીતે અશોક ચૌધરી મહાગઠબંધનની સરકારમાં શિક્ષણ મંત્રી હતા અને રાજ્યમાં એનડીએની સરકાર બન્યા પછી તેઓ કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને જદયુમાં જોડાઈ ગયા હતા.
અશોક ચૌધરી અગાઉ કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હતા.
રાજ્યની કૅબિનેટમાં અનેક મંત્રીઓના પદ ખાલી હતા અને એમ પણ કહેવામાં આવતું હતું કે કેટલાક વિભાગના મંત્રીઓ બદલાઈ શકે છે.
ભાજપનો સમાવેશ નહીં
મંત્રીમંડળના વિસ્તરણમાં નીતિશકુમારે ભાજપનો સમાવેશ કર્યો નથી. જોકે, બિહારના મંત્રીમંડળની મહત્તમ સંખ્યા 35 છે અને વિસ્તરણ પછી પણ એક મંત્રીપદ બાકી ખાલી રહે છે.
ઉપમુખ્ય મંત્રી સુશીલ કુમાર મોદીએ ટ્ટીટ કરીને કહ્યું કે નીતિશકુમારે ભાજપને એક ખાલી મંત્રીપદની ઓફર કરી છે અને ભાજપ એને ભરવાનો નિર્ણય ભવિષ્યમાં લેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નીતિશ કુમારે આ વિસ્તરણ કેન્દ્રીય મંત્રીમંડળની રચના પછી કર્યું છે. ઉલ્લેખનીય છે બિહારમાં ભાજપ સાથે સંયુક્ત સરકાર હોવા છતાં અને એનડીએનો ભાગ હોવા છતા નીતિશ કુમારની પાર્ટીએ કેન્દ્રીય કૅબિનેટમાં સામેલ થઈ નથી.
સમાચારો મુજબ ભાજપે જદયુને એક મંત્રીપદની ઓફર કરી હતી જેનાથી નીતિશ કુમાર નારાજ થયા છે એમ કહેવામાં આવે છે.
અલબત્ત વિસ્તરણ બાદ નીતિશ કુમારે કહ્યું કે જદયુની જે ખાલી જગ્યા હતી એ ભરવામાં આવી છે અને ભાજપ સાથે કોઈ નારાજગી નથી.
બિહારના મુખ્ય મંત્રીની માગણી હતી કે એમને સાંકેતિક પ્રતિનિધિત્વ નહીં પંરતુ હિસ્સા મુજબનું પ્રતિનિધિત્વ મળવું જોઈએ.
નરેન્દ્ર મોદીની શપથ વિધિ પછી જ્યારે નીતિશકુમાર પટના જવા રવાના થયા ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ ભવિષ્યમાં પણ કેન્દ્રની કૅબિનેટમાં સામેલ નહીં થાય.
આ સિવાય બિહારને ખાસ દરજ્જાને લઈને પણ નીતિશકુમાર તેમજ ભાજપા વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. તાજેતરમાં લોકસભાની ચૂંટણી વખતે જ જદયુના મહાસચિવ અને પ્રવક્તા કે.સી. ત્યાગીએ ફરી એક વાર બિહારને ખાસ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરી હતી.
અલબત્ત, 2014થી 2019 સુધી આવી માગ વારંવાર આવતી રહી છે તેમજ તેમાં સમયાંતરે ફેરફાર થતા રહે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
2017માં નીતિશ કુમારે મહાગઠબંધનથી છેડો ફાડ્યો
બિહારમાં 2015માં વિધાનસભાની ચૂંટણીઓ થઈ હતી. આ ચૂંટણી જદયુ-કૉંગ્રેસ-રાજદ એમ 3 પક્ષોએ સાથે મળીને લડી હતી અને સરકાર બનાવી હતી.
આ પછી 2017માં નીતિશ કુમારે મહાગઠબંધનથી છેડો ફાડી ભાજપનો હાથ પકડી લીધો.
ભાજપની મદદથી એમણે ફરી એક વાર સરકાર બનાવી. બીજીવાર સરકારનું ગઠન કર્યા પછી મંત્રીમંડળનું આ પ્રથમ વિસ્તરણ છે.
બિહારની એનડીએ સરકારમાં ભાજપ અને જદયુ ઉપરાંત લોક જનશકિત પાર્ટી પણ સામેલ છે. ભાજપ અને એલજીપીના ખાતામાંથી મંત્રીપદની હજી એક બેઠક ખાલી છે.
બિહારમાં નીતિશ કુમાર સિવાય મંત્રીમંડળમાં કુલ 35 સભ્યો હોઈ શકે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો