Miss India : ફાઇનલમાં પહોંચેલી બધી યુવતીઓ એક જેવી જ કેમ લાગે છે?

    • લેેખક, ગીતા પાંડે
    • પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી

મિસ ઇન્ડિયા સ્પર્ધાના કારણે પ્રિયંકા ચોપરાની બોલીવૂડની કારકિર્દી શરૂ થઈ હતી. આ એટલી મહત્ત્વની સ્પર્ધા છે કે કોઈનું પણ ભાગ્ય બદલી શકે છે.

એ જોતાં મિસ ઇન્ડિયા સ્પર્ધાની ફાઇનલમાં પહોંચેલી યુવતીઓની પ્રચાર માટે લેવામાં આવેલી તસવીરમાં તમામનાં ચહેરા પર આશાભર્યું સ્મિત હોય તેમાં કંઈ નવાઈ નથી.

જોકે, ફાઇનલ સુધી પહોંચ્યાનો આનંદ માણવાના બદલે આ યુવતીઓની તસવીરના કારણે ભારે વિવાદ ઊભો થયો છે.

કોલાજ કરીને તૈયાર કરાયેલી આ તસવીરમાં બધી જ યુવતીઓ એક સમાન રંગ ધરાવે છે તે વાતની ભારે ટીકા થઈ છે.

ટીકાકારો કહે છે કે આયોજકોને ગોરી ત્વચાનો મોહ હોય તેવું દેખાય આવે છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત થયેલી આ તસવીરમાં 30 ખૂબસુરત યુવતીઓ દેખાય છે. તસવીર પ્રકાશિત કરનાર અખબારની માલિક કંપની જ આ સ્પર્ધાનું આયોજન કરે છે.

કોઈએ આ તસવીર ટ્વીટર પર શૅર કરીને આકરો સવાલ પણ પૂછ્યોઃ "આ તસવીરમાં વાંધાજનક બાબત શું છે?" તે સાથે જ તેના તરફ સૌનું ધ્યાન ખેંચાવા લાગ્યું હતું.

બધી જ યુવતીના એક સરખા ખભા સુધી લંબાયેલા વાળ અને એક સરખી ગોરી ત્વચાને કારણે કોઈએ કટાક્ષ પણ કર્યો કે બધી એકસમાન લાગી રહી છે.

કેટલાકે મજાકના સ્વરમાં આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું કે હકીકતમાં આ બધી અલગ અલગ નહીં પણ એક જ યુવતી છે.

ટ્વિટર પર આ તસવીર ફરતી થઈ તે સાથે જ ટીકાકારો કહેવા લાગ્યા કે વ્યક્તિગત રીતે કોઈ યુવતીની તસવીર વાંધાજનક નથી, પરંતુ સમગ્ર રીતે આ તસવીરમાં ત્વચાના વાનનું જે વૈવિધ્ય હોય છે તે જોવા મળતું નથી.

ભારતમાં ગોરી ત્વચાનો સૌને મોહ હોય છે તેનો જ પડઘો આમાં પડી રહ્યો છે એવી ટીકા થઈ હતી.

સ્પર્ધાના ગ્રૂમિગ એક્સપર્ટ શમિતા સિંહે બીબીસીને કહ્યું કે મૂળ તસવીરોને રિ-ટચ કરવામાં આવી છે કેમકે તમામ સ્પર્ધક 'પ્લાસ્ટિક જેવી' લાગી રહી હતી.

એમણે ભારપૂર્વક ફોટોશોપ ટીમને સ્પર્ધામાં ભાગ લઈ રહેલી યુવતીઓનો રંગ ન બદલવાનું કહેવામાં આવ્યું હોવાનું જણાવ્યું. એમનું કહેવું છે કે ન્યૂઝપેપર પ્રિન્ટને લીધે બધી યુવતીઓ આવી દેખાઈ રહી છે.

બીબીસી અંગ્રેજીમાં લેખ છપાયા બાદ સ્પર્ધાના આયોજકોએ પોતે ગોરી ત્વચાની તરફેણ નથી કરતા તે દર્શાવતો, અમે ઉજળો વાન નથી ધરાવતા અને એનું અમને ગૌરવ છે એ મુજબનો એક લેખ લખ્યો છે.

અલબત્ત, 1990ના દાયકાના મધ્યથી ભારતમાં સૌંદર્ય સ્પર્ધાનું આયોજન એક મોટો વેપાર બની ગયો છે.

ભારતની એકથી વધુ યુવતીઓ આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધા પણ જીતી આવી. જેમ કે મિસ ઇન્ડિયા જીત્યા પછી ઐશ્વર્યા રાય, સુસ્મિતા સેન અને પ્રિયંકા ચોપરા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિજેતા બન્યાં હતાં.

સૌંદર્ય સામ્રાજ્ઞી બનેલી ઘણી યુવતીઓ બોલીવૂડમાં સફળ હીરોઇન પણ બની શકી છે.

છેલ્લાં થોડાં વર્ષોમાં દેશભરમાં સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવા માટે યુવતીઓને તૈયાર કરવા માટેના તાલીમ વર્ગો ખૂલી ગયા છે.

જોકે, આજ સુધીમાં મોટા ભાગે ગોરી ત્વચા ધરાવનારી યુવતીને જ સૌંદર્યની મૂર્તિ તરીકે પસંદ કરાતી રહી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

લગ્નનાં બજારમાં ગોરી કન્યાની માગ

આ વાતની નવાઈ લાગવી જોઈએ નહીં.

ભારતમાં ઉજળા વાનનો ભારે મોહ છે. ખાસ કરીને સ્ત્રીઓ તો ગોરી જ હોવી જોઈએ તેવું માનવામાં આવે છે. ઘણા લોકો ગૌર વર્ણને શ્યામ વર્ણ કરતાં વધારે ઉચ્ચ માને છે.

દાખલા તરીકે લગ્નની બજારમાં પણ ગોરી કન્યાની માગ હંમેશાં વધારે હોય છે.

1970ના દાયકામાં ભારતમાં પ્રથમ ફેર એન્ડ લવલી બ્રાન્ડની ક્રીમ વેચાણમાં મૂકાઈ હતી.

તે પછી ત્વચાને ગોરી બનાવવાનો દાવો કરનારાં કૉસ્મેટિક્સનું વેચાણ ભારતમાં સૌથી વધુ થઈ રહ્યું છે. આવી બનાવટોની જાહેરખબરોમાં હિન્દી ફિલ્મોની ટોચની અભિનેત્રીઓ ચમકતી રહી છે.

આવી ક્રીમ અને જેલની જાહેરખબરમાં અમુક દિવસમાં તમારી ત્વચામાં આવી જશે નિખાર એવો દાવો કરાય છે.

એટલું જ નહીં, ગોરી ત્વચાના કારણે ગ્લેમરસ જોબ મળી જાય, પ્રેમી મળી જાય અને લગ્ન થઈ જાય તેવા સપનાં પણ આ જાહેરખબરો દેખાડતી રહે છે.

ત્વચા-વર્ણવાદ

આ પ્રકારની સૌંદર્ય સ્પર્ધા જેમાં માત્ર ધોળી ચામડીને જ પ્રાધાન્ય મળે તે પણ આવી ખોટી માન્યતાઓને બળ પ્રદાન કરવાનું જ કામ કરે છે.

2005માં કેટલાક ભેજાંને એવું પણ સૂઝ્યું કે માત્ર ભારતીય નારીઓને જ શા માટે, પુરુષોને પણ ઉજળી ત્વચાનો મોહ હોઈ શકે છે. તેથી ભારતની પ્રથમ પુરુષ માટેની ફેરનેસ ક્રીમ ફેર એન્ડ હેન્ડસમ પણ દાખલ કરવામાં આવી હતી.

તેના પ્રચારમાં સુપરસ્ટાર શાહરુખ ખાનને લેવામાં આવ્યા હતા અને તેના કારણે આ ક્રીમને સફળતા પણ મળી ગઈ.

હાલના વર્ષોમાં ઘેરો રંગ અસલી આકર્ષણ છે અને #unfairandlovely એવી ઝુંબેશ પણ ઉપાડવામાં આવી છે.

આવી ઝુંબેશમાં "ત્વચા-વર્ણવાદ"નો નકાર કરીને લોકોને શ્યામ વર્ણનો મહિમા કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

ગયા વર્ષે મેં એક અન્ય ઝુંબેશ વિશે પણ લખ્યું હતું, જેમાં પ્રચલિત હિંદુ દેવ-દેવીઓની કલ્પના શ્યામ વર્ણમાં કરવામાં આવી હતી.

આવી ઝુંબેશ છતાં, તમને આઘાત લાગશે કે હવે માત્ર બાહ્ય ત્વચા નહીં, પણ બગલના વાળથી માંડીને ગુપ્તાંગો સુધીના ભાગોને ઉજળા બનાવી દેવાનો દાવો કરનારી નવી નવી ક્રીમ અને જેલ બજારમાં આવવા લાગી છે.

સૌંદર્ય પ્રધાનોનું કરોડોનું બજાર

ભારતમાં તેનું ચલણ કેટલુ વધ્યું છે તેનો અંદાજ એ બાબત પરથી આવી જશે કે દેશમાં દર વર્ષે તેનું વેચાણ કરોડો રૂપિયામાં થાય છે.

એક અંદાજ અનુસાર મહિલાઓ માટેના સૌંદર્ય પ્રસાધનોનું બજાર 2023 સુધીમાં 5000 કરોડ રૂપિયા સુધીનું થઈ જવાનું છે.

ત્વચાને ગોરી બનાવતા ઉત્પાદનોનો બચાવ કરનારા કહે છે કે આ વ્યક્તિગત પસંદની બાબત છે.

તેઓ કહે છે કે જો સ્ત્રીઓ પોતાના હોઠને વધારે ગુલાબી બનાવવા માટે લિપસ્ટિક લગાવી શકતી હોય, પછી ગોરી દેખાવા માટે ક્રીમ કે જેલ લગાવે તો તેમાં ખોટું શું છે?

આ વાત તાર્કિક લાગશે, પણ તેની વિરુદ્ધ ઝુંબેશ ચલાવનારા એ બાબત તરફ ધ્યાન દોરે છે કે ગોરી ત્વચાનો મોહ અયોગ્ય છે.

તેના કારણે શ્વેત વર્ગ વધારે ઊંચો છે તે વાત આડકતરી રીતે સતત દૃઢ કરાતી રહે છે.

તેના કારણે ખોટા સામાજિક ધોરણો ઊભા થાય છે અને તેનું નુકસાન શ્યામ અને ઘઉંવર્ણના લોકોને ભોગવવું પડે છે.

તેઓ આત્મવિશ્વાસનો અભાવ અનુભવે તેવું બની શકે છે. આવી માનસિકતા તેમના વ્યક્તિગત તેમજ વ્યવસાયી જીવનની પ્રગતિને પણ અવરોધે છે, એમ ઝુંબેશ ચલાવનારા કહે છે.

શ્યામ વર્ણની મૉડેલ્સ ઘણી વાર કહેતી હોય છે કે તેમની અવગણના થતી હોય છે અને ફિલ્મોમાં હીરોઇન તરીકે પણ આપણે શ્યામ વર્ણની યુવતીને બહુ ઓછી જોઈએ છીએ.

જાહેરખબર એજન્સીઓની સ્વનિયંત્રક સંસ્થા એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ 2014માં નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી.

જાહેરખબરોમાં શ્યામ વર્ણના લોકો 'અનાકર્ષક, દુઃખી, તણાવગ્રસ્ત કે ચિંતાગ્રસ્ત હોય' તેવું કોઈ નિરુપણ કરવું નહીં તેવી માર્ગદર્શિકા અપાઇ હતી.

'લગ્ન, નોકરી કે બઢતીની' તકની બાબતમાં તેઓ ફાવતા નથી તેવું નિરુપણ કરવાની પણ મનાઈ તેમાં કરવામાં આવી છે. આમ છતાં જાહેરખબરોમાં આવા ઇશારા થતા જ રહે છે.

અગાઉ બહુ ખુલ્લી રીતે આવી વાત જણાવાતી હતી, તેને હવે આડકતરી રીતે ઇશારામાં દેખાડવામાં છે.

ફિલ્મના લોકપ્રિય અભિનેતા અને અભિનેત્રીઓ પણ આવી જાહેરખબરો કરતા જ રહે છે.

જોકે હું આ લખી રહી હતી ત્યારે જ દિલને ટાઢક થાય તેવા એક સમાચાર આવ્યાઃ દક્ષિણ ભારતની અભિનેત્રી સાઇ પલ્લવીએ ફેરનેસ ક્રીમની એક જાહેરખબર, 2 કરોડ રૂપિયા મળતા હોવા છતાં નકારી દીધી.

પલ્લવીએ જણાવ્યું હતું, "આવી જાહેરખબર કરીને પૈસા મળે તેને મારે શું કરવાના? મારે એવી કોઈ જરૂર નથી."

"હું એટલું જ કહીશ કે આપણે જે ધોરણો નક્કી કર્યા છે તે ખોટા છે. આ ભારતીય વર્ણ છે. આપણે વિદેશીઓ પાસે જઈને પૂછી ના શકીએ કે તમે ગોરા કેમ છો."

"એ તેમની ત્વચાનો રંગ છે અને આ આપણી ત્વચાનો રંગ છે."

પલ્લવીના નિવેદનને ઘણા લોકોએ વધાવી લીધું હતું. ખાસ કરીને મિસ ઇન્ડિયાની તસવીરમાં બધી જ યુવતીઓ એકસરખી ગોરી કરીને દેખાડવામાં આવી છે ત્યારે આ નિવેદન એક નવી શરૂઆત કરવાનું લાગે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો