મોદી સરકાર 2.0 : રાજ'કારણ' અને મંત્રીપદનું મૅથેમૅટિક્સ

ઇમેજ સ્રોત, Twitter@BJP
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુરૂવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી વખત વડા પ્રધાન બન્યા છે, તેમની સાથે 57 અન્ય મંત્રીઓએ કૅબિનેટ, રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર) તથા રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા.
અમુક અપવાદરૂપ ચહેરાઓને બાદ કરવામાં આવે તો નવું મંત્રીમંડળ જૂની કૅબિનેટનું જ સ્વરૂપ છે.
નવી મોદી સરકારમાં અમિત શાહ, એસ. જયશંકર ઉપરાંત અનુરાગ ઠાકુર, રાવસાહેબ દાનવે, રમેશ પોખરિયાલ, પ્રતાપચંદ્ર સારંગી જેવા નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.
લોકસભા ચૂંટણી દરમિયાન પર્ફૉર્મન્સ તથા આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈને મંત્રીઓ ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો.
રાજ્યવર્ધનસિંહ રાઠોડ, મેનકા ગાંધી, ઉમા ભારતી, જયંત સિંહા, સુરેશ પ્રભુ, રાધા મોહન સિંહ, જગત પ્રકાશ નડ્ડા અને અનુપ્રિયા પટેલને પડતા મૂકવામાં આવ્યા છે.
નવા વરાયેલા મંત્રીઓને કયાં ખાતાં આપવામાં આવે છે, તે હવે પછી સ્પષ્ટ થશે.

અમિત શાહ

ઇમેજ સ્રોત, Twitter@BJP
ભાજપના અધ્યક્ષ અમિત શાહ લગભગ બે દાયકાથી વડા પ્રધાન મોદીના વિશ્વાસુ રહ્યા છે.
કેન્દ્ર પહેલાં ગુજરાતમાં મોદી સરકારમાં તેઓ પ્રધાનપદે રહી ચૂક્યા છે. રાજ્યમાં એક તબક્કે તેઓ પંદરથી વધુ ખાતાં સંભાળતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શાહ વર્ષ 2014માં ભાજપના અધ્યક્ષ બન્યા, તે પછી પાર્ટીએ ઝારખંડ, હરિયાણા, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, આસામ તથા ત્રિપુરા જેવા રાજ્યોમાં વિસ્તાર કર્યો છે.
શાહના નેતૃત્વમાં જ ભાજપને 303 બેઠક મળી છે અને એકલાહાથે 273નો બહુમતનો આંકડો પાર્ટીએ પાર કર્યો છે.
અમિત શાહનું કદ જોતાં નિષ્ણાતો માને છે કે તેમને ટોચના ચાર વિભાગ (નાણાં, વિદેશ, સંરક્ષણ તથા ગૃહ)માંથી કોઈ ખાતું સોંપવામાં આવે તેવી શક્યતા છે.
શાહની ગેરહાજરીમાં ભાજપની અધ્યક્ષતા કોને સોંપવામાં આવશે, તેની ઉપર નજર રહેશે.
નવા પ્રધાનમંડળમાં જે. પી. નડ્ડાને સ્થાન નથી મળ્યું, એટલે મીડિયામાં અટકળો વહેતી થઈ છે કે તેમને સંગઠનમાં સ્થાન નથી મળ્યું.

આપને આ પણ વાચવું ગમશે

એસ. જયશંકર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
નરેન્દ્ર મોદીએ પૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરને મંત્રીમંડળમાં સમાવિષ્ટ કરતા ઘણાને આશ્ચર્ય થયું છે.
1977ની બૅચ ઇંડિયન ફૉરેન સર્વિસના અધિકારી જયશંકર ચીન તથા અમેરિકાના રાજદૂત તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
વર્ષ 2017માં ડોકલામ ખાતે ભારત તથા ચીનની સેનાઓ સામસામે આવી ગઈ હતી, ત્યારે તેમણે તણાવને હળવો કરવા માટે ડિપ્લોમસી હાથ ધરી હતી.
વર્ષ 2007માં ભારત અને અમેરિકા વચ્ચે અણુ સહકાર સંધિ થઈ તેના ઘડતરમાં એસ. જયશંકરે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.
એસ. જયશંકરે મૂળ જાપાની મહિલા સાથે લગ્ન કર્યું છે અને તેમને ત્રણ સંતાન છે.
ચાલુ વર્ષે મોદી સરકારે તેમને દેશના ચોથા સૌથી મોટા નાગરિક સન્માન પદ્મશ્રી થી સન્માનિત કર્યા હતા.
હાલમાં એસ. જયશંકર કોઈ ગૃહના સભ્ય ન હોવાથી, આગામી દિવસોમાં તેમને રાજ્યસભાના માર્ગે સંસદ બનાવવામાં આવે તેવી શક્યતા છે.

'ઓડિશાના મોદી'

ઇમેજ સ્રોત, Twitter@BJP
ઓડિશાની બાલાસોર બેઠક ઉપરથી સંસદસભ્ય પ્રતાપ ચંદ્ર સારંગી (ઉં.વ. 64)ને તેમની સાદગીને કારણે 'ઓડિશાના મોદી' તરીકે ઓળખવામાં આવે છે.
સારંગી એકદમ સાદગીપૂર્ણ જીવન જીવે છે.
તેઓ સાયકલ ઉપર ફરે છે અને લોકો સરળતાથી મળી રહે છે. લોકસભા ચૂંટણી દરમિયાન સારંગીએ બીજુ જનતા દળ તથા કૉંગ્રેસના કોરડપતિ ઉમેદવારોને પરાજય આપ્યો હતો.
જિલ્લાની નિલગિરિ બેઠક ઉપરથી ધારાસભ્ય સારંગી ધારાસભ્ય રહી ચૂક્યા છે. નરેન્દ્ર મોદીએ તેમના માટે જાહેરસભા પણ કરી હતી.
ઓડિશામાં કુલ 21 બેઠક છે, જેમાંથી ભાજપને આઠ, બીજુ જનતાદળને 12 તથા કૉંગ્રેસને એક બેઠક મળી હતી.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ રાવસાહેબ દાનવે સળંગ પાંચમી વખત જાલના બેઠક ઉપરથી ભાજપના સાંસદ બન્યા છે.
દાનવે મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ છે. મહારાષ્ટ્રમાં ભાજપે 25માંથી 23 બેઠક ઉપર વિજય મેળવ્યો છે.
આ સિવાય નીતિન ગડકરી (કૅબિનેટ પ્રધાન, નાગપુર), પીયુષ ગોયલ (કૅબિનેટ પ્રધાન, રાજ્યસભાના સંસદસભ્ય) , અરવિંદ સાવંત (શિવસેના), પ્રકાશ જાવડેકર, રામદાસ અઠાવલે (આરપીઆઈ-આર), સંજય ધોતરે (અકોલા)ને મહારાષ્ટ્રમાંથી સ્થાન મળ્યું છે.
વિધાનસભા ચૂંટણીના અનુસંધાને પ્રધાનમંડળમાં આ સંસદસભ્યોના સમાવેશને રાજકીય રીતે જોવામાં આવે છે.
નવેમ્બર 2019માં રાજ્યની વિધાનસભાની મુદ્દત સમાપ્ત થશે.
ભાજપે વિધાનસભા ચૂંટણી માટે શિવસેના તથા આરપીઆઈ-આર સાથે ગઠબંધન કર્યું છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી

ઇમેજ સ્રોત, Twitter@BJP
વર્ષાંત સુધીમાં હરિયાણા ખાતે વિધાનસભાની ચૂંટણી યોજાશે. ભાજપે હરિયાણામાંથી ત્રણ સંસદસભ્યોને પ્રધાન બનાવ્યા છે.
રાવ ઇંદ્રજિત સિંહ ગુરુગ્રામની બેઠક ઉપરથી સંસદસભ્ય છે. તેમના પિતા રાજ્યના મુખ્ય મંત્રી હતા.
તેઓ અહિરવાલ વિસ્તારના આહીર (યાદવ) છે. કૃષ્ણપાલ ગુર્જર ઉદ્યોગનગરી તરીકે વિખ્યાત ફરિદાબાદ બેઠક ઉપરથી સંસદ છે.
આ સિવાય અનુસૂચિત જાતિની અનામત અંબાલા બેઠક ઉપરથી સંસદસભ્ય રતનલાલ કટારિયાને પણ પ્રધાન બનાવવામાં આવ્યા છે.
હરિયાણામાં ભાજપે તમામ 10 બેઠક ઉપર વિજય મેળવ્યો છે. અહીં આમ આદમી પાર્ટી, કૉંગ્રેસ, ઇંડિયન નેશનલ લોકદળ વચ્ચે મુખ્ય મુકબલો હતો.
વર્ષ 2014માં ભાજપે અહીં પ્રથમ વખત આપબળે બહુમતી મેળવી હતી અને જાટોના પ્રભુત્વવાળા રાજ્યમાં બિન-જાટ નેતા મનહરલાલ ખટ્ટરને મુખ્ય મંત્રી બનાવ્યા હતા.
ખટ્ટર અવિવાહિત છે અને નરેન્દ્ર મોદી હરિયાણાના સંગઠન મહાસચિવ તરીકે કામ કરતા હતા ત્યારથી તેમની વચ્ચે ઓળખાણ છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














