બાપુ બોલે તો.... 'ગાંધીજી પ્રસ્તુત છે?' એ સવાલ કેટલો પ્રસ્તુત છે?

મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાની પ્રતિષ્ઠા માટે ભરપૂર પ્રયાસ કર્યા, જે મોટા સ્તરે નિષ્ફળ નીવડ્યા
    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગાંધીજીની સ્મૃતિ ક્યાં સુધી ટકી રહેશે? તેમને યાદ રાખવાની કશી જરૂર છે ખરી? વૈશ્વિકીકરણના જમાનામાં, બધા પક્ષોની આર્થિક વિચારસરણીમાં ખાસ તફાવત રહ્યો નથી, ત્યારે ગાંધીજીનું રટણ કરવાનો શો ફાયદો?

તેનાથી ઠાલા માનસિક સંતોષ કે દંભ સિવાય બીજું કશું નીપજે ખરું? આવા સવાલ વર્ષોથી થતા રહ્યા છે અને ગોડસેની વકીલાતની પરંપરા હવે વધારે મજબૂત બની છે ત્યારે, આવા સવાલ પ્રકારાંતરે થતા પણ રહેશે. શો હોઈ શકે તેનો જવાબ?

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

વિશાળ પટ, વિવિધ પ્રવાહો

લોકો વચ્ચે મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહાત્મા ગાંધીએ જીવનનાં છેલ્લાં વર્ષોમાં માનસિક ઉપરાંત અનેક શારીરિક તકલીફો વેઠી

ગાંધીજીનું જીવન અનેક પ્રવાહોમાં વહેંચાયેલું હતું. તેમના સમયનો ભાગ્યે જ એવો કોઈ વિષય હશે, જેની પર તેમણે કશું કહ્યું ન હોય.

સંઘર્ષ અને રચનાત્મક પ્રવૃત્તિ તેમના જીવનમાં સમાંતરે ચાલ્યાં.

આઝાદીની લડાઈની સાથે અસ્પૃશ્યતાનિવારણ, હિંદુ-મુસ્લિમ એકતા, ચરખો-ખાદી, ગ્રામસ્વરાજ, બુનિયાદી તાલીમ, કુદરતી ઉપચાર જેવાં ઘણાં ક્ષેત્રોમાં તેમણે નોંધપાત્ર કામ કર્યું. ભારતભરમાં તે ઘૂમી વળ્યા.

જાહેર જીવનમાં લોકપ્રિયતાને સર્વસ્વ ગણીને તેમાં રાચવાને બદલે, અળખામણા થઈને લોકોને કહેવા જેવું કહેવાની ફરજ તેમણે અનેક વાર નિભાવી.

સત્ય અને અહિંસાની પ્રતિષ્ઠા માટે તેમણે ભરપૂર પ્રયાસ કર્યા, જે મોટા સ્તરે નિષ્ફળ નીવડ્યા પણ વ્યક્તિગત સ્તરે ઘણા લોકોને તે સ્પર્શ્યા.

ગાંધીજીને એક વાર મળીને કે ફક્ત તેમના વિશે જાણીને પોતાનું આખું જીવન ગાંધીજીએ ચીંધેલી કોઈ પ્રવૃત્તિમાં વીતાવી દેનારા ઘણા નીકળ્યા.

માણસ તો દરેક કાળમાં માણસ જ હોય છે, મર્યાદાઓથી ભરેલો ને નબળાઈઓ ધરાવતો. પણ ગાંધીજીના સમયમાં, તેમના એકંદર પ્રભાવને લીધે લોકોમાં રહેલાં બંને પ્રકારનાં તત્ત્વોમાંથી સારા તત્ત્વોને બહાર આવવા માટે વધુ અનુકૂળતા મળી.

પછી કોમી વિખવાદ સારપને ભરખી ગયો અને અભૂતપૂર્વ હિંસા ફાટી નીકળી, ત્યારે ગાંધીજી કેવળ આંસુ સારીને બેસી રહેવાને બદલે, જતી જિંદગીએ આંસુ લૂછવા નીકળ્યા.

જીવનનાં છેલ્લાં વર્ષોમાં માનસિક ઉપરાંત અનેક શારીરિક તકલીફો વેઠી અને પોતે સેવેલું સ્વપ્ન વેરવિખેર થઈ જાય ત્યારે શું થઈ શકે તેનો ઉત્તમ દાખલો પૂરો પાડ્યો. આઝાદીનો ઉત્સવ ઉજવવા દિલ્હીમાં હાજર રહીને સન્માનવર્ષામાં નહાવાને બદલે, તે કલકત્તામાં કોમી હિંસા ઠારવા રહ્યા.

આટલા વિશાળ પટ અને વિવિધ પ્રવાહોમાં અસંમતિનાં ઠેકાણાં હોય જ. તેને આગળ કરીને આખેઆખા ગાંધીને ફેંકી દેવામાં-ભૂલાવી દેવામાં કે સરકારી અભિયાનો પૂરતા વાપરી લેવામાં કે ગાંધીહત્યારાને દેશપ્રેમનાં પ્રમાણપત્રો આપવામાં કેટલું ડહાપણ છે, તે આપણે જ વિચારવાનું છે-- અલબત્ત, એ વિચારવા જેટલી સ્થિરતા રહી હોય તો.

લાઇન
લાઇન

ટીકાકારોના પ્રકાર

લોકો વચ્ચે મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહાત્મા ગાંધીએ આપણી સામે કેટલાક આદર્શો મૂક્યા છે

જાહેર જીવનની કોઈ પણ વ્યક્તિની જેમ ગાંધીજીના જીવનકાર્યનું કડક મૂલ્યાંકન કરી જ શકાય.

તેમની આકરી ટીકા પણ થઈ શકે. પરંતુ એ ટીકા પૂર્વનિર્ધારિત ખંડનકાર્યક્રમ હોય એટલે કે પહેલાં ટીકા કરવાની ગાંઠ વાળ્યા પછી મૂલ્યાંકન કરેલું હોય, તો તેમાં સૂકા ભેગું લીલું પણ ઘણું બળી જાય છે.

અરુંધતિ રોય પ્રકારના ઘણા લોકોની ટીકા આ પ્રકારમાં આવે, જેમાં ગાંધીજી સામેના કેટલાક વાંધા વાજબી અને ઠેકાણાસરના હોય, પણ ટીકાનો ઉત્સાહ એટલો બધો ઉભરાતો હોય કે તે સાવ બીજા અંતિમે પહોંચી જાય.

એવી જ રીતે, ઘણા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય અભ્યાસીઓ પણ ઝાડવાંની ટીકા કરવા જતાં જંગલ પરથી નજર હટાવી લે છે અને ગાંધીજીને લગભગ નકામા ને ખોટા ચગાવાયેલા પાત્ર તરીકે સાબિત કરવા સુધી પહોંચે છે.

ડૉ. આંબેડકર પ્રત્યે યોગ્ય રીતે જ આદરભાવ ધરાવતા ઘણા લોકો માટે ગાંધીજીને ખલનાયક સિદ્ધ કરવાનું જાણે અનિવાર્ય બની જાય છે.

પૂના કરાર કે વર્ણવ્યવસ્થાના સમર્થન જેવા ઘણા મુદ્દા જેમ ગાંધીજીના દૃષ્ટિબિંદુથી સમજાવી શકાય, તેમ ડૉ. આંબેડકરના દૃષ્ટિબિંદુથી પણ સમજાવી શકાય.

તેમાંથી ડૉ. આંબેડકરનું દૃષ્ટિબિંદુ સ્વીકારી શકાય અને ગાંધીજીની ટીકા પણ થઈ જ શકે.

પરંતુ એટલું કર્યા પછી, દલિત પ્રશ્નમાં ગાંધીજીનું જે કંઈ બિનવિવાદાસ્પદ પ્રદાન હોય તેનો સાવ એકડો કાઢી નાખવો અથવા દલિત પ્રશ્ને તેમની તળિયાઝાટક ટીકા કર્યા પછી પણ, તેમનાં બાકીનાં પાસાંને સંપૂર્ણપણે અવગણવાં અને બદલાનો છૂપો આનંદ મેળવવો, એમાં નથી ગાંધીજીને ન્યાય થતો, નથી એવી રીતે મૂલ્યાકંન કરનારની વિચારશક્તિને.

મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગાંધીજીએ મૂકેલા આદર્શ કઠણ લાગે એવા છે જેના પર ગાંધીજી પણ સો ટકા પાર ઉતરતા ન હતા

ગાંધીજીના આત્યંતિક ટીકાકારોનો બીજો પ્રકાર એટલે ગોડસેપ્રેમીઓ, મુસ્લિમદ્વેષીઓ અને હિંદુ ધર્મની વિશાળ સમજને બદલે રાજકીય હિંદુત્વની સંકુચિત-ધિક્કારમૂલક સમજ ધરાવતા લોકો.

આવી સમજને લીધે તે ગાંધીજીને ધિક્કારતા હોય છે અને પોતાનો ધિક્કાર વાજબી કે ધાર્મિક કે દેશપ્રેમના પ્રતિક જેવો ગણાવવા માટે તે હાથે ચડી તે ખોટી કે અધકચરી માહિતીનો ઉપયોગ કરતા જોવા મળે છે.

સાચી માહિતીનું તેમને મન કશું મહત્ત્વ નથી હોતું. પોતાનો આશય સિદ્ધ થાય એવી વિગતો કે તેના સગવડીયા અંશો જ તેમને ખપે છે.

ત્રીજા અને પ્રમાણમાં નિર્દોષ પ્રકારમાં એવા લોકો આવે, જે ક્યાંકથી અર્ધસત્ય કે જૂઠી માહિતીના ગટગટાવીને પછી ગાંધીજી વિશે અભિપ્રાય બાંધી લે છે.

આવી માહિતી હવે સોશિયલ મીડિયા પર જથ્થાબંધના હિસાબે મળી રહે છે.

આવા ટીકાકારો ઉપરાંત ગાંધીજીને નકરા માર્કેટિંગ ગુરુ કે કમ્યુનિકેટર તરીકે સ્થાપીને, તેમનાં મૂલ્યોને સલુકાઈથી બાજુ પર મૂકી દેનારાથી પણ ચેતવા જેવું હોય છે.

ગાંધીજીમાંથી સત્ય માટેનો સંઘર્ષ, અહિંસા, સમાનતા, સર્વધર્મસમભાવ, અસ્પૃશ્યતાનિવારણ જેવાં મૂલ્યો કાઢી નાખીને તેમના સ્વચ્છતા કે કમ્યુનિકેશન કે પ્રતિકોના ઉપયોગને ગાંધીજીના પર્યાય તરીકે સ્થાપવો, એ ગર ફેંકી દઈને છોંતરાંની તાસક સજાવવા જેવું છે.

લાઇન
લાઇન

ગાંધીજીનું શું થશે?

મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગાંધીજીનો રસ્તો હકીકતમાં માનવતાનો, સહઅસ્તિત્ત્વનો, સાચી બહાદુરીનો અને શાંતિનો છે

ગાંધીજીનું જે થવાનું હતું, તે 30 જાન્યુઆરી, 1948ની સાંજે થઈ ગયું. હવે ગાંધીજીના હિતની ચિંતા કરવાની જરૂર નથી.

આપણા હિત માટે, આપણા સ્વાર્થ માટે ગાંધીજીની વાતમાં રસ લેવા જેવો છે.

ગાંધીજીએ આપણી સામે કેટલાક આદર્શો મૂક્યા. એટલું જ નહીં, જાહેર જીવનમાં 'શઠમ્ પ્રતિ શાઠ્યમ્'ને બદલે 'શઠમ્ પ્રતિ સત્યમ્'નો નિયમ સ્થાપિત કરવા પ્રયત્નશીલ રહ્યા. પ્રજાકીય જીવનમાં આપણો આદર્શ ને આપણી સર્વોચ્ચ સિદ્ધિ કોઈ પક્ષ કે પરિવાર કે નેતાના શરણે થઈ જવામાં ન જ હોઈ શકે.

ગાંધીજીએ મૂકેલા આદર્શ કઠણ લાગે એવા છે. પણ આદર્શ તો એવા જ ન હોય? ખુદ ગાંધીજી એ આદર્શો પર સો ટકા પાર ઊતરતા ન હતા.

એ જ કારણથી, આજીવન તે વિકસતા રહ્યા અને વધુ ને વધુ ઉપર જવાની કોશિશ કરતા રહ્યા. આપણે કોઈ રાજકીય કે આધ્યાત્મિક આગેવાનના ખોળે માથું મૂકીને નિશ્ચિંત થઈ જઈએ, ત્યાર પછી આપણે કહેવા પૂરતા જ આઝાદ હોઈએ છીએ.

ખરેખર તો આપણું દિમાગ અને આપણી વિચારશક્તિ સ્વતંત્રતા ખોઈ બેસે છે અથવા આપણે સામે ચાલીને આપણી વિચારશક્તિ પર તાળું મારીને, તેની ચાવી કોઈકના ચરણે ધરી દઈએ છીએ.

મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગાંધીજીએ લોકોના મનમાંથી ભય કાઢવામાં જેટલી સફળતા મેળવી હતી, એટલી ભાગ્યે જ કોઈએ મેળવી હશે

ગાંધીજી આવું સમર્પણ ઇચ્છતા નથી. તેમના અંગતમાં અંગત, નિકટમાં નિકટના સાથીદારોએ તેમની સાથે અનેક પ્રસંગે અસંમતિ વ્યક્ત કરી છે, પરંતુ ગાંધીજીએ મૂકેલા આદર્શો એ કંઈ આખું પોટલું નથી કે તેમાંથી બધું જ લેવું અથવા બધું ફગાવી દેવું.

ગાંધીજીને સમગ્રપણે સમજવા હોય તો તેમના બ્રહ્મચર્યના વિચારો પણ ધ્યાનમાં લેવા પડે. પરંતુ આપણે ગાંધીજીના રસ્તે ચાલવા માટે બ્રહ્મચર્ય પાળવું જરૂરી નથી.

ગાંધીજીનું બ્રહ્મચર્ય ન ગમે, એટલે તેમનો સત્યનો કે સાધનશુદ્ધિનો કે અહિંસાનો કે શાંતિપૂર્વકના સહઅસ્તિત્વનો કે ભેદભાવના વિરોધનો આગ્રહ પણ ફેંકી દેવાનો? એ તો જાતને છેતરવા જેવું છે.

ગાંધીજીના રસ્તે ચાલવા માટે ટોપી કે ધોતી પહેરવાં જરૂરી નથી, બ્રહ્મચર્ય પાળવું જરૂરી નથી. પણ કોઈ પ્રત્યે ધીક્કાર સેવવો ન જોઈએ, એવું સ્વીકારવું પડે. મનમાં એવો ધિક્કાર હોય તો ગાંધીજીના રસ્તે ચાલવાથી એ ઓછો થાય છે અને સૌથી પહેલી શાંતિ આપણા મનમાં થાય છે.

ધિક્કાર અને અસલામતી જગાડીને ગૌરવ અને સલામતીનો ઠાલો અહેસાસ ઊભો કરવો, એ વર્તમાન રાજકારણની તાસીર છે.

ગાંધીજીએ લોકોના મનમાંથી ભય કાઢવામાં જેટલી સફળતા મેળવી હતી, એટલી ભાગ્યે જ કોઈએ મેળવી હશે. સંખ્યાબંધ સુરક્ષાકર્મીઓથી ઘેરાયેલા નેતાઓ લોકોને શું અભય શીખવવાના? એ તો ભય જ શીખવી શકે.

ગાંધીજીને મરવાની બીક ન હતી ને સત્તાની એષણા ન હતી. તેમણે ભારતને જ નહીં, સમગ્ર વિશ્વને ધીક્કારની નહીં, પ્રેમની તાકાતથી, હાથ જોડીને બેસી રહેવાનો નહીં, પણ લડવાનો સંદેશો આપ્યો.

મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજીની હત્યા થઈ હતી

ગાંધીજીની અહિંસા બહાદુરીથી છતાં અહિંસક રીતે મુકાબલો કરવાનું શીખવતી હતી. એ શક્ય ન જ હોય તો ભાગી છુટવાને બદલે તેમણે શસ્ત્રથી બચાવ કરવાનું પણ કહ્યું. પણ તેમાં ટોળાસ્વરૂપે જઈને હુમલો કરવાનો સમાવેશ થતો ન હતો.

ગાય માટેનો તેમનો પ્રેમ સમજી ન શકાય એટલો બધો હતો. તેમનો ગૌપ્રેમ જોવાથી સમજાય કે ખરો પ્રેમ ગાય બચાવવાના નામે માણસને મારવામાં નહીં, ગાયની યોગ્ય સારસંભાળ રાખવામાં છે.

સત્યાગ્રહો અને ઉપવાસો ગાંધીજીની ઉપસ્થિતિમાં જ તેમની ધાર ખોઈ રહ્યા હતા. છતાં, અન્યાયનો અહિંસક પ્રતિકાર ગાંધીજીના સૌથી મહત્ત્વના વારસામાંનો એક ગણી શકાય.

ગાંધીજી પાસે દુનિયાની બધી સમસ્યાઓનો ઉકેલ હતો એવું માની લેવાની જરૂર નથી.

પરંતુ તેમણે આપેલો પ્રેમની તાકાતનો, ક્ષમાશીલતાની શક્તિનો અને પરસ્પર વિશ્વાસ તથા સહઅસ્તિત્વનો સંદેશો અત્યારના અસલામતી અને ઉચાટથી ભરેલા વિશ્વમાં શાંતિ અને સ્થિરતા શોધનારા માટે ઘણો ઉપયોગી બની રહે એવો છે.

ગાંધીજીનો રસ્તો હકીકતમાં માનવતાનો, સહઅસ્તિત્ત્વનો, સાચી બહાદુરીનો અને શાંતિનો છે. ગાંધીજીને ન વાંચ્યા હોય કે ગાંધીજી વિશે ન જાણતા હોય એવા લોકો પણ એ રસ્તે ચાલતા હોઈ શકે છે.

ગાંધીજીએ એ રસ્તો શોધ્યો ન હતો. તેમણે નવા સમયમાં એ રસ્તાને નવેસરથી પ્રતિષ્ઠા અપાવી અને તેની તરફ લોકોનું ધ્યાન દોર્યું. એ રસ્તે ચાલવાનો પ્રયાસ મહત્ત્વનો છે.

ગાંધીજીનું નામ લઈને કે લીધા વિના, એ મહત્ત્વનું નથી.

(ગાંધીજી વિશે પુછાતા કાયમી સવાલો વિશે પ્રાથમિક-આધારભૂત માહિતી આપતી શ્રેણીનો આ છેલ્લો હપ્તો છે. શ્રેણીમાં રસ લઈને પ્રતિભાવો આપનારા સૌ વાચકમિત્રોનો આભાર)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો