મોદીએ જેનો વિવાદ છેડ્યો એ INS Virat આ કારણે ગણાતું ભારતીય નૌસેનાની શાન

    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેનો વિવાદ છેડ્યો છે તે આઈએનએસ વિરાટ દુનિયાનું સૌથી જૂનું વિમાનવાહક યુદ્ધજહાજ હતું, જે ત્રીસ વર્ષની સેવા બાદ અધિકૃત રીતે 6 માર્ચ 2017ના રોજ નિવૃત્ત થયું.

આઈએનએસ વિરાટને ભારતીય નેવીમાં 'ગ્રાન્ડ ઓલ્ડ લૅડી' પણ કહેવામાં આવતું હતું. આઈએનએસ વિરાટ નૌકાદળની શક્તિનું પ્રતીક હતું, જે ગમે ત્યાં જઈને સમુદ્ર પર ધાક જમાવી શકતું હતું.

બ્રિટન પાસેથી ખરીદી

આઈએનએસ વિરાટે 30 વર્ષ ભારતના નૌકાદળ સાથે અને 27 વર્ષ બ્રિટનની રૉયલ આર્મી સાથે વિતાવ્યાં. ભારતે વર્ષ 1987માં તેને બ્રિટન પાસેથી ખરીદ્યું હતું.

એ વખતે તેનું બ્રિટિશ નામ એચએમએસ હરમીઝ હતું. બ્રિટનની રૉયલ નેવી સાથે વિરાટે ફૉકલૅન્ડ યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

લગભગ 100 દિવસ સુધી વિરાટ સમુદ્ર વચ્ચે મુશ્કેલ પરિસ્થિતિઓમાં રહ્યું હતું.

વર્ષ 1944માં આ જહાજ બનવાનું શરૂ થયું હતું. એ વખતે બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. રૉયલ નેવીને લાગ્યું કે કદાચ તેની જરૂર નહીં પડે તેથી તેનું કામ અટકાવી દેવામાં આવ્યું.

પરંતુ જહાજની ઉંમર 1944થી જ ગણવામાં આવે છે. 15 વર્ષ સુધી આ જહાજનું કામ ચાલ્યું. 1959માં આ જહાજ રૉયલ નેવીમાં સામેલ થયું.

જહાજ કે શહેર

226 મીટર લાંબું અને 49 મીટર પહોળું આઈએનએસ વિરાટ ભારતીય નૌકાદળમાં સામેલ થયા બાદ જુલાઈ 1989માં ઑપરેશન જ્યુપિટરમાં શ્રીલંકામાં શાંતિ સ્થાપવા પહેલી વખત ઉપયોગમાં લેવામાં આવ્યું.

વર્ષ 2001માં ભારતીય સંસદ પર હુમલા બાદ થયેલા ઑપરેશન પરાક્રમમાં પણ વિરાટની ભૂમિકા હતી.

સમુદ્રમાં 2250 દિવસ વિતાવનારા આ જહાજે છ વર્ષથી વધુ સમય દરિયામાં વિતાવ્યો. આ દરમિયાન તેણે દુનિયાના 27 ચક્કર લગાવતા 1,094,215 કિલોમીટરની સફર કરી.

આ જહાજ પોતે જ એક નાના શહેર જેવું હતું. તેમાં લાઇબ્રેરી, જિમ, એટીએમ, ટીવી અને વીડિયો સ્ટુડિયો, હૉસ્પિટલ, દાંતની સારવારનું કેન્દ્ર અને મીઠાં પાણી માટેનો ડિસ્ટિલેશન પ્લાન્ટ જેવી સુવિધાઓ હતી.

28700 ટન વજન ધરાવતા આ જહાજ પર 150 ઑફિસર અને 1500 ખલાસી હતા. ઑગસ્ટ 1990થી ડિસેમ્બર 1991 સુધી રિટાયર્ડ ઍડમિરલ અરૂણ પ્રકાશ આઇએનએસ વિરાટના કમાન્ડિંગ ઑફિસર હતા.

જૂના સંબંધો

ઍડમિરલ અરૂણ પ્રકાશ આઈએનએસ વિરાટ સાથેનાં ત્રણ વર્ષ જૂના સંબંધોને યાદ કરતા કહે છે કે જૂન 1983માં તેમને કહેવામાં આવ્યું કે તેઓ લૅન્ડિંગ અને ટેક-ઑફની પ્રૅક્ટિસ કરે.

તેઓ ઇંગ્લિશ ચેનલ પોર્ટસ્મથ પાસે પહોંચ્યા જ્યાં તેઓ એચએમએસ હરમીઝ અથવા આઈએનએસ વિરાટ પર હેલિકૉપ્ટરથી ઉતર્યા. તેમને આખું જહાજ બતાવવામાં આવ્યું.

તેમને આ પ્રથમ પરિચય ઘણો રોમાંચક લાગ્યો. તેઓ આ પહેલાં આઈએનએસ વિક્રાંત પર સફર કરી ચૂક્યા હતા.

વિક્રાંત 18000 ટનનું હતું, વિરાટ તેનાથી ઘણું વધારે ભારે હતું.

તેઓ યુદ્ધ વિમાનમાં બેઠા અને ટેક-ઑફ કર્યું. તેની એક કલાક બાદ ડેક પર વર્ટિકલ લૅન્ડિંગ કર્યું.

1987માં જ્યારે આ જહાજ મુંબઈ આવ્યું ત્યારે ઍડમિરલ અરૂણ પ્રકાશ એક નાની ફ્રિગેટને કમાન્ડ કરી રહ્યા હતા.

ટેક્નિકલ વિશેષજ્ઞ

તેઓ કહે છે, "અમને કહેવામાં આવ્યું કે બધા જઈને વિરાટનું સ્વાગત કરો. એ ચોમાસાનો તોફાની દિવસ હતો. અમે મુંબઈની બહાર ગયા. સતત વરસાદ વરસી રહ્યો હતો, તેજ પવન ફૂંકાઈ રહ્યો હતો."

"અમે દૂરથી જહાજ જોયું. એ દૃશ્ય શાનદાર હતું. મને ઑગસ્ટ 1990 (ડિસેમ્બર 1991 સુધી)માં જહાજની કામાન સોંપાઈ."

ઍડમિરલ અરૂણ પ્રકાશના મતે આઈએનએસ વિરાટે કિનારાની સુરક્ષા ઉપરાંત નૌકાદળના બે પેઢીઓના પાઇલટ, એન્જિનીયર અને ટેક્નિકલ નિષ્ણાતોને ઘણું બધું શીખવ્યું.

તેઓ કહે છે, "આ ખુશ રહેવાવાળું જહાજ હતું. તેમાં રહેવા-ખાવાની સારી વ્યવસ્થા હતી. જહાજમાં મીઠું પાણી બનાવતો ડિસ્ટિલેશન પ્લાન્ટ હતો, તેથી તમે સાંજે નાહી શકો. તેમાં બહુ ઓછી ખરાબી આવતી હતી. તે સેનાની ગઢવાલ રેજિમૅન્ટ સાથે જોડાયેલું હતું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો