જસ્ટિસ રંજન ગોગોઈ સતામણી મામલો : ફરિયાદી પાસે હવે શું વિકલ્પ છે?

ઇમેજ સ્રોત, REUTERS
- લેેખક, ઇંદિરા જયસિંહ
- પદ, વરિષ્ઠ વકીલ
સુપ્રીમ કોર્ટની આંતરિક સમિતિએ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ ઉપર મૂકવામાં આવેલાં જાતીય સતામણીના આરોપોને નિરાધાર ઠેરવ્યા છે.
આંતરિક વરિષ્ઠતામાં બીજા ક્રમના જજ એવા જસ્ટિસ મિશ્રાને તા. 5મી મેના રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. તેની એક નકલ જસ્ટિસ રંજન ગોગોઈને આપવામાં આવી હતી, પરંતુ ફરિયાદી મહિલાને હજુ સુધી આ નકલ આપવામાં આવી નથી.
ફરિયાદી મહિલાનું કહેવું છે કે, તેમની ફરિયાદને કયા આધારે નકારવામાં આવી, તે અંગે તેમને જાણ કરવામાં નથી આવી.
આ સુનાવણી ઍક્સ પાર્ટી (એક પક્ષકારની ગેરહાજરીમાં) હાથ ધરવામાં આવી હોવાથી તેના અંગે શંકા ઉઠવા પામી હતી.
બીજું કે ફરિયાદી મહિલાએ કમિટીની સુનાવણીમાં હાજર રહેવાનો ઇન્કાર કરી દીધો હતો એટલે ઍક્સ પાર્ટી રિપોર્ટનું કોઈ મહત્ત્વ નથી રહેતું.

બીજું કે ફરિયાદી મહિલાને પસંદગીના વકીલ રાખવાની તક આપવામાં આવી ન હતી, વાસ્તવમાં તે મૌલિક અધિકાર છે.
આ સિવાય ઇન્ટરલ કમિટીના ત્રણ જજ છે, તેમની પસંદગી કેવી રીતે થઈ એ અંગે અમને જાણ નથી. આ અંગે ન તો કોઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે કે ન તો કોઈ ઠરાવ છે.
સૌથી મોટી વાત. તા. 20મી એપ્રિલે ખુદ મુખ્ય ન્યાયાધીશ ખંડપીઠમાં ખુદ ચીફ જસ્ટિસ બેઠા હતા, તે દિવસે જે કંઈ થયું તે ગેરકાયદેસર હતું એટલે આ રિપોર્ટનું કોઈ મહત્ત્વ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ દ્વારા નિવેદન બહાર પાડીને જણાવવામાં આવ્યું હતું કે આ રિપોર્ટને સાર્વજનિક નહીં કરવામાં આવે. આ માટે વર્ષ 2003માં ઇંદિરા જયસિંહે લડેલાં એક કેસનો હવાલો આપવામાં આવે છે.
ઇંદિરા જયસિંહ વિ. સુપ્રીમ કોર્ટ 5 SCC 494ના કેસ મુજબ આંતરિક પ્રક્રિયા હેઠળ ગઠિત સમિતિનો રિપોર્ટ સાર્વજનિક કરવાની જરૂર નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

2003નો એ કેસ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
2003નો એ કેસ પણ જાતીય શોષણ સંદર્ભે હતો. કર્ણાટક હાઈકોર્ટના એક જજ ઉપર જાતીય શોષણના આરોપ લાગ્યા હતા.
એ સમયે પબ્લિક નોટિફિકેશન બહાર પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમાં માહિતી આપવા માટે હું પણ ગઈ હતી.
જ્યારે રિપોર્ટ બહાર આવી તો મને જાણવા મળ્યું કે તે કેસમાં પણ ક્લીનચિટ આપી દેવામાં આવી હતી. ત્યારબાદ હું સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી અને માગ કરી હતી કે મને પણ રિપોર્ટની નકલ મળવી જોઈએ.
મારી એ અરજી ઉપર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે અમે તમને નકલ નહીં આપીએ.
આપે એ જાણવું રહ્યું કે એ સમયે માહિતી અધિકારનો કાયદો ન હતો. હવે જ્યારે આ કાયદો લાગુ થઈ ગયો છે ત્યારે સુપ્રીમ કોર્ટે પણ તેનો કાયદો બદલવો રહ્યો.
હું એવું માનું છું કે એ ચુકાદો આ કેસમાં લાગુ ન થઈ શકે.
હાલમાં ફરિયાદી મહિલાને રિપોર્ટની નકલ નથી મળી. મહિલાએ નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેમને લાગતું નથી કે રિપોર્ટની નકલ તેમને મળશે.


મહિલા પાસે રહેલા વિકલ્પ

ઇમેજ સ્રોત, REUTERS
વર્તમાન સંજોગોમાં મહિલા પાસે કેટલા વિકલ્પ રહે છે, તે જાણવું રહે. હજુ પણ મહિલા પાસે અનેક રસ્તા છે.
સૌપ્રથમ તો આ રિપોર્ટને પડકારી શકાય છે. આ વહીવટી રિપોર્ટ છે અને કાયદાકીય પ્રક્રિયા દ્વારા તેને પડકારી શકાય છે.
મહિલા ડિસ્પોઝલ ઑર્ડરને પડકારી શકે છે અને ફોજદારી ફરિયાદ પણ દાખલ કરી શકે છે. મહિલા ઉપર છે કે તે કયો વિકલ્પ પસંદ કરે છે.
રિપોર્ટની નકલ નથી એટલે કોઈ વિકલ્પ વધતા નથી અને તમામ દરવાજા બંધ થઈ ગયા છે, એવું માની લેવું અયોગ્ય છે.
મહિલા રિપોર્ટની નકલ મેળવવા માટે પણ કોર્ટના દરવાજા ખખડાવી શકે છે. ગમે તે ચુકાદો હોય, મહિલા પાસે અનેક વિકલ્પ રહેલા છે.
કેટલાક તબક્કામાં એવી ચર્ચા ચાલે છે કે મુખ્ય ન્યાયાધીશની સામે મહાભિયોગનો એકમાત્ર વિકલ્પ છે.
એ વિકલ્પ છે, પરંતુ તે એકમાત્ર વિકલ્પ નથી.
પરંતુ મધ્ય પ્રદેશના એક કેસને ધ્યાને લઈએ તો એક મહિલાએ જજની ઉપર જાતીય શોષણનો આરોપ મૂક્યો હતો, બાદમાં તેમની સામે મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.
(વરિષ્ઠ વકીલ ઇંદિરા જયસિંહ સાથે બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યની વાતચીતના આધારે)
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














