મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ સામેના આરોપની તપાસ માટે ખાસ સમિતિ : ચાર પ્રશ્નો

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, દિવ્યા આર્ય,
- પદ, બીબીસી સંવાદદાતા
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ મળીને નિર્ણય કર્યો છે કે ત્રણ ન્યાયાધીશોની એક સમિતિ મુખ્ય ન્યાયાધીશની વિરુદ્ધ જાતીય સતામણીના આરોપની તપાસ કરશે.
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ પર તેમના જ કાર્યાલયમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે કામ કરી ચૂકેલાં મહિલાએ જાતીય સતામણીનો આક્ષેપ કર્યો છે અને તેમણે 22 ન્યાયાધીશો પાસે તપાસ પ્રક્રિયા નક્કી કરવાની વાત કરી છે.
તેમની માગ પર તપાસ માટે સુપ્રીમ કોર્ટની પોતાની 'ઇન્ટરનલ કમ્પલૅન કમિટી'થી અલગ એક વિશેષ સમિતિ બનાવવામાં આવી છે.
જોકે, તે કાયદામાં દર્શાવાયેલા ઘણા નિયમોનું પાલન કરતી નથી, જેના પર ચાર પ્રશ્નો ઊભા થાય છે.

તમે આ વાંચ્યું કે નહીં?


પહેલો પ્રશ્ન - સમિતિના સભ્ય

ઇમેજ સ્રોત, Reuters
ત્રણ જજની આ સમિતિમાં હોદ્દાની રીતે મુખ્ય ન્યાયાધીશ પછી તરત આવતા જસ્ટિસ બોબડે અને જસ્ટિસ રામના છે. સાથે જ એક મહિલા જજ જસ્ટિસ ઇંદિરા બેનરજી છે.
આ તમામ જજ મુખ્ય ન્યાયાધીશથી જુનિયર છે.
જ્યારે જાતીય સતામણીની ફરિયાદ કોઈ સંસ્થાના માલિક વિરુદ્ધ હોય તો 'સેક્સુઅલ હેરેસમેન્ટ ઑફ વીમેન ઍટ વર્કપ્લેસ એક્ટ 2013' મુજબ તેની સુનાવણી સંસ્થાની અંદર રહેલી 'ઇન્ટરનલ કમ્પ્લૅન કમિટી'ના બદલે જિલ્લા સ્તરે બનાવવામાં આવેલી 'લોકલ કમ્પલૅન કમિટી'ને સોંપવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુખ્ય ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ પદ પર છે, તેથી પીડિત મહિલાએ જ તપાસ સમિતિમાં નિવૃત્ત જજની માગ કરી હતી.

બીજો પ્રશ્ન - સમિતિના અધ્યક્ષ

ઇમેજ સ્રોત, Getty Images
કાયદા અનુસાર જાતીય શોષણની ફરિયાદની તપાસ માટે બનેલી 'ઇન્ટરનલ કમ્પલૅન કમિટી'ના અધ્યક્ષ એક મહિલા હોવાં જોઈએ.
સુપ્રીમ કોર્ટે રચેલી આ સમિતિના અધ્યક્ષ જસ્ટિસ બોબડે છે અને તેમને આ કામ મુખ્ય ન્યાયાધીશે સોંપ્યું છે.



ત્રીજો પ્રશ્ન - સમિતિમાં મહિલાનું પ્રતિનિધિત્વ

ઇમેજ સ્રોત, Getty Images
કાયદા અનુસાર તપાસ માટે બનાવવામાં આવેલી 'ઇન્ટરનલ કમ્પલૅન કમિટી'માં ઓછામાં ઓછી અડધી મહિલાઓ હોવી જોઈએ.
હાલની સમિતિમાં ત્રણ સભ્યો છે, જેમાં માત્ર એક મહિલા છે(એટલે કે એક તૃતિયાંશ પ્રતિનિધિત્વ). જસ્ટિસ ઇંદિરા બેનરજી બાકીના બે સભ્યોથી જુનિયર છે.

ચોથો પ્રશ્ન - સમિતિમાં સ્વતંત્ર પ્રતિનિધિ

ઇમેજ સ્રોત, Getty Images
કાયદા અનુસાર તપાસ માટે બનેલી સમિતિમાં એક સભ્ય મહિલાઓ માટે કામ કરતી બિનસરકારી સંસ્થાના હોવા જોઈએ. આ જોગવાઈ સમિતિમાં એક સ્વતંત્ર વ્યક્તિને લાવવા માટે કરવામાં આવી છે.
મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ આક્ષેપની આ તપાસ સમિતિમાં કોઈ સ્વતંત્ર પ્રતિનિધિ નથી.
સુપ્રીમ કોર્ટે બનાવેલી ત્રણ સભ્યોની આ સમિતિ શુક્રવારથી જાતીય સતામણી ફરિયાદ અંગે સુનાવણી શરૂ કરશે.
આ દરમિયાન વકીલ ઉત્સવ બૈંસે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને દાવો કર્યો છે કે મુખ્ય ન્યાયાધીશ પર આરોપ લગાવનારાં મહિલાનો કેસ લડવા અને તેમના માટે પત્રકાર પરિષદ આયોજિત કરવા માટે લાંચ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
તેમનો દાવો છે આ બધું મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ એક કાવતરાનો ભાગ છે, કારણ કે તેઓ રાજીનામું આપી દે.
ઉત્સવ બૈંસના દાવાની તપાસ એક અલગ બૅન્ચ કરી રહી છે.

આપને આ પણ વાંચવું ગમશે

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














