You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માઓવાદી હુમલામાં મૃત્યુ પામેલા જવાનોના મૃતદેહ ખોખામાં લઈ જવાયા?- ફૅક્ટ ચેક
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
સોશિયલ મીડિયા પર ખોખામાં લપેટાયેલા મૃતદેહોની બે તસવીરો એ દાવા સાથે શૅર કરવામાં આવી રહી છે કે તે મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં માઓવાદી હુમલામાં મૃત્યુ પામેલા પોલીસ જવાનોના મૃતદેહ છે.
ફેસબુક અને ટ્વિટર સહિત શૅરચેટના પણ કેટલાક ગ્રૂપ્સમાં આ તસવીરોને આ જ દાવા સાથે શૅર કરવામાં આવી છે.
મોદી સરકારના આલોચકો તરીકે ઓળખ ધરાવતા ગ્રૂપ્સમાં આ તસવીરોને શૅર કરતા લખવામાં આવ્યું છે, "આ કચરાના ડબ્બા નથી. આ ગઢચિરૌલીમાં થયેલા માઓવાદી હુમલામાં મૃત્યુ પામેલા સીઆરપીએફ જવાનોના મૃતદેહ છે. જુઓ પોતાને રાષ્ટ્રવાદી ગણાવતી ભાજપ સરકાર આપણા સૈનિકો સાથે કેવું વર્તન કરે છે."
મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં બુધવારના રોજ એક માઓવાદી હુમલો થયો હતો જેમાં સુરક્ષાબળોના 15 જવાન અને એક ડ્રાઇવરનું મૃત્યુ થયું હતું.
માઓવાદીઓએ સુરક્ષાદળના એક વાહનને બારુદી સુંરગની મદદથી નિશાન બનાવ્યું હતું. આ જવાન મહારાષ્ટ્ર પોલીસના સી-60 કમાન્ડોઝ હતા.
જે લોકોએ સોશિયલ મીડિયા પર આ તસવીરોને શૅર કરી છે, તેમણે લખ્યું છે કે જવાનોની આવી પરિસ્થિતિ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવવા જોઈએ.
પરંતુ પોતાની તપાસમાં અમને જાણવા મળ્યું છે કે આ તસવીરો મહારાષ્ટ્રની નથી અને તેની સાથે જે દાવા કરવામાં આવ્યા છે તે ખોટા છે.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગઢચિરૌલીની ઘટના
મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં માઓવાદી હુમલામાં મૃત્યુ પામેલા પોલીસના જવાનોને રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું.
ઘણી મીડિયા સંસ્થાઓએ મૃત્યુ પામેલા જવાનોની શ્રદ્ધાંજલિસભાનું લાઇવ ટેલિકાસ્ટ પણ કર્યું હતું.
જવાનોની શ્રદ્ધાંજલિસભાની તસવીરો એ સ્પષ્ટપણે જણાવે છે કે સોશિયલ મીડિયા પર જવાનોના મૃતદેહ સાથે દુર્વ્યવ્હાર કરવાનો દાવો ખોટો છે.
વાઇરલ તસવીરનું સત્ય
રિવર્સ ઇમેજ સર્ચથી જાણવા મળે છે કે જે તસવીરોને મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં થયેલી દુર્ઘટનાની ગણાવવામાં આવી રહી છે, તે ખરેખર વર્ષ 2017ની તસવીરો છે.
6 ઓક્ટોબર 2017ના રોજ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય વાયુ સેનાનું MI-17 હેલિકૉપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
સમાચાર એજન્સી પીટીઆઈના આધારે આ દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાના પાંચ જવાનો સહિત કુલ 7 જવાનોનાં મૃત્યુ થયાં હતાં.
આ ઘટના બાદ ખોખામાં લપેટાયેલા ભારતીય જવાનોના મૃતદેહોની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી.
ઇન્ડિયન આર્મીમાંથી નિવૃત્ત લેફ્ટિનન્ટ જનરલ હરચરણજીત સિંહ પનાગે આ ઘટના બાદ આ તસવીરો ટ્વીટ કરી હતી અને લખ્યું હતું, "સાત ભારતીય જવાનોએ ભારત માની સેવામાં પોતાનો જીવ ગુમાવી દીધો અને કંઈક આ રીતે તેમના મૃતદેહો તેમના ઘરે પરત ફર્યા."
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ 8 ઓક્ટોબર 2017ના રોજ આ તસવીરો શૅર કરી હતી.
તેમણે લખ્યું હતું, "તવાંગ ક્રેશમાં મૃત્યુ પામેલા સાત વીર જવાનોના મૃતદેહ ખોખામાં લાવવામાં આવ્યા. શું આપણે આપણા સૈનિકો સાથે આવું વર્તન કરવું જોઈએ?"
ત્યારબાદ આ મામલે ભારતીય આર્મીના પ્રવક્તાએ સેનાના ઔપચારિક ટ્વિટર હેન્ડલ પરથી એક સ્પષ્ટીકરણ આપ્યું હતું.
ટ્વીટમાં તેમણે લખ્યું હતું, "દુર્ઘટનાની જગ્યાએથી જ્યારે મૃત્યુ પામેલા જવાનોના મૃતદેહોને બેઝ સુધી લાવવામાં આવ્યા તો અમારે સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરવો પડ્યો હતો. પરંતુ અમે સુનિશ્ચિત કર્યું હતું કે બધા જવાનોના મૃતદેહ સૈન્ય સન્માન સાથે તેમના પરિવાર સુધી પહોંચે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો