ગુજરાતમાં 'સાઇલન્સ પિરિયડ' શરૂ, શું થઈ શકે અને શું નહીં?

- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
રવિવારે સાંજે ગુજરાતમાં ચૂંટણીપ્રચાર અભિયાન સમાપ્ત થયાની સાથે જ 'સાઇલન્સ પિરિયડ' શરૂ થઈ ગયો.
આ ગાળા દરમિયાન કોઈ પણ ઉમેદવાર કે પક્ષ જાહેરસભા ન કરી શકે.
ચૂંટણીપંચની માર્ગદર્શિકા પ્રમાણે, મતદાન પૂર્ણ થવાના 48 કલાક પૂર્વે જાહેર ચૂંટણીપ્રચાર અભિયાન થંભી જાય છે.
ગુજરાતમાં તા. 23મી એપ્રિલે તમામ 26 બેઠક અને વિધાનસભાની પેટાચૂંટણી માટે એકસાથે મતદાન થશે.

શું થઈ શકે, શું નહીં?

ઇમેજ સ્રોત, Getty Images
આમ તો તા. 10મી માર્ચે ચૂંટણી કાર્યક્રમની જાહેરાતની સાથે આદર્શ આચારસંહિતા એટલે કે Model Code of Conduct અમલમાં આવી ગઈ.
પરંતુ જાણકારોના કહેવા પ્રમાણે, કોઈપણ ચૂંટણી મતદાન સમાપ્ત થાય તે પૂર્વેના 48 કલાક ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે.
આ ગાળા દરમિયાન 'સાઇલન્સ પિરિયડ' હોવાથી કોઈ ઉમેદવાર કે પક્ષ જાહેરસભા નથી કરી શકતો.
મતદાન પૂર્વે અણિના સમયે મતદારને પ્રભાવિત કરવા ઉમેદવાર કોઈ પગલું ન લે તે માટે આ નિષેધ લાદવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ગાળા દરમિયાન ઉમેદવારના ચૂંટણીના ટેલિવિઝન ઇન્ટરવ્યૂ પ્રસારિત ન થઈ શકે.
સામાન્ય રીતે આ ગાળા દરમિયાન નાણાં આપીને, કૂપન આપીને, કોઈ ચીજવસ્તુ આપીને, શરાબ આપીને મતદારને પ્રભાવિત કરવાનો પ્રયાસ થતો હોય છે.
આ ગાળા દરમિયાન ઉમેદવાર 'ડોર-ટુ-ડોર' પ્રચાર કરી શકે છે, પરંતુ સામૂહિક પ્રસાર-પ્રસારનાં માધ્યમો ઉપર જાહેરાત ન આપી શકે.
આ ગાળા દરમિયાન રહેણાક સોસાયટીના વડા, જ્ઞાતિના વડા કે અન્ય 'પ્રભાવશાળીઓ'ની મદદથી જનતા સુધી પહોંચવાનો પ્રયાસ થાય છે.

આપને આ પણ વાચવું ગમશે

પડકાર પણ...

ઇમેજ સ્રોત, anI
ફેસબુક, ટ્વિટર અને વૉટ્સઍપ જેવાં સોશિયલ નેટવર્કિંગ પ્લૅટફૉર્મ્સને કારણે તેની અસરકારકતા ઘટી ગઈ છે.
ચૂંટણીપંચના કહેવા પ્રમાણે, આ પ્લૅટફૉર્મ્સે તેમને લેખિતમાં ખાતરી આપી છે કે તેઓ ચૂંટણીપંચ સાથે મળીને કામ કરશે.
આ ગાળા દરમિયાન ઉમેદવાર કે પક્ષ દ્વારા 'અપ્રત્યક્ષ' જાહેરાતની પણ શક્યતા રહેલી હોય છે.
મતદાતાને મત આપવા માટે 'પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ' રીતે 'નાણાકીય કે અન્ય કોઈ રીતે' મત આપવા માટે લાલચ ન આપી શકે.
ઉમેદવાર જ્ઞાતિ-જાતિ કે કોમની લાગણીઓને ઉશ્કેરે તેવી ભાષા ન વાપરી શકે અને તેના આધારે મતદાતાને આકર્ષવાનો પ્રયાસ ન કરી શકે.

ઇમેજ સ્રોત, Getty Images
મંદિર, મસ્જિદ કે ચર્ચ જેવાં ધાર્મિક સ્થળોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે ન કરી શકે. સિંગાપોર, રશિયા, પોલૅન્ડ અને બલ્ગેરિયામાં એક દિવસનો સાઇલન્સ પિરિયડ હોય છે.
જાણકારો માને છે કે આ પ્રકારના નિષેધથી બંધારણ દ્વારા ઉમેદવારને અપાયેલા 'વાણી સ્વાતંત્ર્ય'ના અધિકાર ઉપર નિયંત્રણ આવે છે.
ઇન્ટરનેટના જમાનામાં જો કોઈ ઉમેદવાર ઉપર આરોપ લાગે તો તેનો 'રાઇટ ટુ રિપ્લાય' ખૂંચવાય જાય છે.
સાઇલન્સ પિરિયડ લાગુ થતાં જ ઉમેદવારોના પોસ્ટર્સને દૂર કરી દેવામાં આવે છે અથવા તેની ઉપર કાલો રંગ મારી દેવામાં આવે છે. આ સિવાય હૉર્ડિંગ્સ અને બેનર્સ ઉતારી લેવામાં આવે છે.
જો એક કરતા વધુ તબક્કામાં ચૂંટણી યોજાવાની હોય તો બાકી રહેતી બેઠકો માટે ચૂંટણીપ્રચાર યથાવત્ રહે છે, પરંતુ એ પ્રચાર દરમિયાન જે બેઠકો માટે પ્રચાર સમાપ્ત થઈ ગયો હોય, તેને લગતો વિશેષ ઉલ્લેખ નથી થઈ શકતો.

સરકાર માટે આચારસંહિતા

આદર્શ આચારસંહિતા પ્રમાણે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર મતદારોને 'આકર્ષિત' કે 'પ્રભાવિત' કરી શકે તેવી 'પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ' જાહેરાત ન કરી શકે.
આ સિવાય લોકહિતની કોઈ યોજનાનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કે ઉદ્ઘાટન ન કરી શકે.
વિપક્ષનું કહેવું છે કે મોદીએ વડા પ્રધાનની રૂએ જાહેરાત કરીને અપ્રત્યક્ષ રીતે ચૂંટણી પ્રચાર કર્યો હતો.
સરકારી પદાધિકારીઓની જાહેરખબરો અને તેની યોજનાઓની પ્રચાર સામગ્રી જાહેરમાંથી હટાવી દેવામાં આવે છે.
સત્તામાં રહેલો પક્ષ સરકારી સંસાધનોનો ઉપયોગ પક્ષના ચૂંટણીપ્રચાર અભિયાન દરમિયાન ન કરી શકે. 'સરકારી અને પ્રચારના કામ' એકસાથે ન કરી શકે.

ઇમેજ સ્રોત, Getty Images
જો સરકાર દ્વારા પ્રજાના પૈસે જાહેરાત આપવામાં આવે તો તેને આદર્શ આચારસંહિતાના ભંગ સમાન ગણવામાં આવે છે.
ત્યારબાદ તમામ સરકારી સંસાધનો (જાહેર મેદાન, હેલિપૅડ, સરકારી પ્રસાર માધ્યમો ઉપર પ્રચાર સમય) વગેરે ઉપર તમામ માન્યતા પ્રાપ્ત પક્ષોનો અધિકાર સમાનપણે રહે છે.
તમામ તબક્કાનું મતદાન પૂર્ણ ન થઈ જાય, ત્યાં સુધી ઈવીએમ (ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન)ને સીસીટીવી, કેન્દ્રીય સુરક્ષાબળ અને બહુસ્તરીય સુરક્ષાની વચ્ચે સીલબંધ રૂમમાં સુરક્ષિત રીતે સાચવી રાખવામાં આવે છે.
કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ પ્રમાણે, અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થાય, તે પછી જ ઍક્ઝિટ પોલ્સ બહાર પાડી શકાય છે.
અંતિમ તબક્કાના બેથી ત્રણ દિવસની અંદર મતગણતરી હાથ ધરવામાં આવે છે.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












