cVIGIL : મતદાન પૂર્વે ચૂંટણીપંચની આ ઍપ કેવી રીતે થશે ઉપયોગી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન નાણાં, શરાબ કે અન્ય પ્રકારની લાલચ, ધમકી કે અન્ય કોઈ રીતે આદર્શ આચારસંહિતાના ભંગ અંગે ચૂંટણીપંચને માહિતગાર કરવા માટે cVIGIL ઍપ લૉન્ચ કરવામાં આવી છે.
મતદાર આદર્શ આચારસંહિતાના ભંગ અંગે ચૂંટણીપંચને માહિતી આપી શકે તે માટે કોઈ સુગમ વ્યવસ્થા ન હોવાને કારણે આ ઍન્ડ્રૉઇડ ઍપ્લિકેશન cVIGIL (વિજિલન્ટ સિટીઝન) ડેવલપ કરવામાં આવી છે.
જાણકારોના જણાવ્યા પ્રમાણે, મતદાન પ્રક્રિયાના 48થી 72 કલાક પૂર્વે આદર્શ આચારસંહિતાના ભંગની ઘટનાઓ વ્યાપક રીતે નોંધાય છે.
ગુજરાતમાં મંગળવારે 26 બેઠકો પર મતદાન થશે.

શા માટે cVIGIL?

ઇમેજ સ્રોત, ECI
સમગ્ર ચૂંટણીપ્રક્રિયા દરમિયાન આદર્શ આચારસંહિતાનો ભંગ થતો જોવા મળે તો સતર્ક નાગરિક આ ઍપના માધ્યમથી ચૂંટણીપંચને નામ આપીને કે ગુપ્ત રીતે જાણ કરી શકે છે.
આ માટે રિટર્નિંગ ઓફિસરની કચેરીએ ધક્કો ખાવાની જરૂર નથી રહેતી.
નાગરિક ફરિયાદ આપે એટલે તેને ફરિયાદ ક્રમાંક મળે છે. આ ઍપની મદદથી માહિતી આપનાર ફરિયાદનું સ્ટેટસ પણ જાણી શકે છે. જો ગુપ્ત રીતે માહિતી આપી હોય તો સ્ટેટસ નથી જાણી શકાતું.
નાગરિક ઍપ મારફત જે ફોટોગ્રાફ તથા વીડિયો (બે મિનિટ સુધીનો) લે છે તેની ઉપર સમય અને તારીખ આપોઆપ અંકિત થઈ જાય છે, જે ચેડાં ન થઈ શકે તેવો પુરાવો બની રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઍપની એક ખાસિયત એ છે કે તેની મદદથી ગૅલરીમાં રહેલા પ્રિ-રેકર્ડેડ વીડિયો કે ફોટોગ્રાફ્સ અપલોડ નથી થઈ શકતા.
કોઈ ટીખળ ન કરે, સિસ્ટમનો દુરુપયોગ ન કરે તથા એક જ પ્રકારની ફરિયાદ વારંવાર ન મળે તે માટે આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જિયોટૅગિંગમાં ચોક્કસાઈ ન હોવાથી ઘટનાસ્થળ અને ઓફિસર્સને મળેલા લોકેશનમાં 100 મિટરનો ફરક હોય છે, જે ઍપની મર્યાદા છે.

આપને આ પણ વાચવું ગમશે

cVIGIL ઇન્સ્ટૉલેશન

લોકસભા, વિધાનસભા કે કોઈ પેટાચૂંટણીમાં પણ આ ઍપ્લિકેશનનો ઉપયોગ થઈ શકે છે.
હાલમાં ચૂંટણીપંચ દ્વારા cVIGIL ઍન્ડ્રૉઇન્ડ ઍપ્લિકેશનનું બિટા વર્ઝન લૉન્ચ કરવામાં આવ્યું છે. તેના માટે મોબાઇલમાં જેલીબિન કે તેથી આધુનિક ઑપરેટિંગ સિસ્ટમ, કૅમેરા, ઇન્ટરનેટ તથા GPS હોય તે જરૂરી છે.
તમે ઍપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તે કૅમેરા, ગૅલરી તથા GPS લોકેશન ટ્રૅકિંગ માટે મંજૂરી માગશે.
ત્યારબાદ મોબાઇલ નંબર માગશે, જેની ઉપર ચાર આંકડાનો OTP આવશે અને પોતાની પ્રોફાઇલ ક્રિયેટ કરી શકાશે.
નાગરિક ઇચ્છે તો 'અનામી' રહીને પણ માહિતી આપી શકે છે.
ગૂગલ પ્લેસ્ટોર પર 8 MBની આ ઍપ્લિકેશન પાંચ લાખથી વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે.
ઍપને લૉન્ચ કરતી વખતે દેશના મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોરાએ કહ્યું કે 'આ ઍપની મદદથી ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ, રિટર્નિંગ ઓફિસર, ફિલ્ડ યુનિટ, સ્ટેટિક સર્વેલન્સ ટીમની વચ્ચે સંકલનસૂત્રનું કામ કરશે.'
ચૂંટણીપંચનો દાવો છે કે માહિતી મળ્યાની 100 મિનિટની અંદર કાર્યવાહી અને તેનું રિપોર્ટિંગ થઈ જાય તે રીતે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
આ ઍપ્લિકેશન જે વિસ્તારમાં ચૂંટણી યોજાઈ રહી હોય, તે વિસ્તારમાં જ ઍક્ટિવેટ રહે છે, જે સંભવિત દુરુપયોગને અટકાવે છે.

કઈ રીતે કરશે કામ?

ઇમેજ સ્રોત, ECI
ઍપના માધ્યમથી જાગૃત નાગરિક આચારસંહિતાના ભંગ અંગેના ફોટોગ્રાફ કે બે-મિનિટ સુધીનો વીડિયો અપલોડ કરી શકે છે. તેની સાથે આપોઆપ જિયોગ્રાફિક ઇન્ફર્મેશન મળી રહે છે.
જો ફરિયાદમાં તથ્ય હોય તો જવાબદારો સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન દાખલ કરીને ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ સિવાય રોકડ કે શરાબની જપ્તી પણ કરવામાં આવે છે.
ડિસ્ટ્રિક્ટ કંટ્રોલર સમાન પ્રકારની ફરિયાદોને પડતી મૂકવાનો, જે કેસ પર કાર્યવાહી ચાલતી હોય તેને પડતા મૂકવાનો કે દ્વેષપૂર્વક કરવામાં આવેલી ફરિયાદોને અવગણવાનો વિવેકાધિકાર ધરાવે છે.
ચૂંટણીપ્રક્રિયા સાથે સંકળાયેલા ઑબ્ઝર્વર, મોનિટર તથા ઇન્વેસ્ટિગેટર માટે પણ cVIGIL ઍપ્સ લોન્ચ કરવામાં આવી છે, જે અધિકારી માટે 'ઇન્ફર્મેશન ડેશબોર્ડ'નું કામ કરે છે.
આ ઍપ મારફત આચારસંહિતાના ભંગની ફરિયાદો કરી શકાય છે. આ સિવાય ભારતીય ચૂંટણીપંચની વેબસાઇટ, નૅશનલ કૉન્ટેક્ટ સેન્ટર 1800111950 કે રાજ્યસ્તરના કૉન્ટેક્ટ સેન્ટર 1950 ઉપર પણ ફરિયાદ દાખલ કરાવી શકે છે.

cVIGILનો ઉપયોગ

ઇમેજ સ્રોત, Google Play Store
- શરાબ વિતરણ, કૂપન વિતરણ કે મફતની ચીજવસ્તુઓનાં વિતરણ અંગે માહિતી આપવા
- 48 કલાકના 'સાઇલન્સ પિરિયડ' દરમિયાન ચૂંટણીપ્રચાર કરવો
- મંજૂરી વગર તમારી ઇમારત પર ચૂંટણીપ્રચારનું પેઇન્ટિંગ થાય કે પોસ્ટર ચોંટાડવામાં આવે
- હથિયાર દેખાડીને ધમકી આપે, દસ વાગ્યા પછી સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ થતો હોય
- મતદાનસ્થળના 200 મિટરની અંદર ચૂંટણીપ્રચાર થતો હોય, મતદાન કે ચૂંટણીસભા માટે મતદારોને ગાડીમાં લાવવા-લઈ જવામાં આવતા હોય.
- જો કોઈ પ્રચાર કે પ્રસાર માધ્યમ દ્વારા નાણાં લઈને સમાચાર છાપવામાં આવ્યા હોય
- ધર્મ કે કોમના આધારે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હોય
- ઍપની મદદથી ચેડાં ન થઈ શકે તેવા ફોટોગ્રાફ અને વીડિયો પુરાવા ચૂંટણીપંચને મળે છે.
- માહિતી મળતાની પંદર મિનિટની અંદર જ ફ્લાઇંગ સ્ક્વૉડ ધસી જઈ શકે છે.
- અગાઉ હેલ્પલાઇન નંબર માહિતગાર કરી શકાતું, પરંતુ તેમાં 'ટીખળ' કે 'ગેરમાર્ગે દોરનારી ફરિયાદો' વ્યાપકપણે રહેતી, જેથી ફિલ્ડ યુનિટના સમયનો વેડફાટ થતો.
તાજેતરમાં કર્ણાટક ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઍપ્લિકેશનના માધ્યમથી પણ ખોટી અને ટીખળભરી માહિતી આપવાના કિસ્સા નોંધાયા હતા, જે સમગ્ર પ્રક્રિયાની મર્યાદા બની રહે છે.
આદર્શ આચારસંહિતાના ભંગ સિવાયની ફરિયાદો માટે અન્ય સંબંધિત ઍપ, વેબસાઇટ કે હેલ્પલાઇન નંબરનો ઉપોગ કરવાનો રહે છે.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












