જમ્મુમાં RSSના નેતા ચંદ્રકાન્ત શર્માની ઉગ્રવાદી હુમલામાં હત્યા

ઇમેજ સ્રોત, MOHIT KANDHARI
- લેેખક, મોહિત કાંધારી
- પદ, જમ્મુથી બીબીસી હિંદી માટે
જમ્મુના કિશ્તવાડમાં મંગળવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક નેતા અને તેમના બૉડીગાર્ડની હૉસ્પિટલમાં ગોળી મારીને હત્યા કરાઈ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, હથિયારધારી હુમલાખોરોએ જિલ્લા હૉસ્પિટલના મુખ્યદ્વારની બહાર બંનેને ગોળીઓ મારી હતી.
સુરક્ષાકર્મીનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું, જ્યારે આરએસએસના નેતા ચંદ્રકાન્તને જમ્મુની સરકારી મેડિકલ કૉલેજમાં વધુ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.
ચંદ્રકાન્ત કિશ્તવાડ જિલ્લા હૉસ્પિટલમાં ફાર્માસિસ્ટ હતા.
ઘટના બાદ આ વિસ્તારમાં પ્રદર્શનો થયાં. તણાવને જોતાં જિલ્લા મૅજિસ્ટ્રેટના આદેશ પર કિશ્તવાડમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો.
કિશ્તવાડના સંવેદનશીલ વિસ્તારોમાં સેનાએ ફ્લૅગ માર્ચ પણ કરી હતી.


બીબીસી સાથે વાત કરતાં જિલ્લા મેજિસ્ટ્રેટ અંગ્રેજસિંહ રાણાએ કહ્યું, "કિશ્તવાડ અને તેની આસપાસના વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે."
જમ્મુમાં ભાજપના પ્રવક્તા પારિમોક્ષ સેઠે કહ્યું કે ચંદ્રકાન્ત આરએસએસના વરિષ્ઠ નેતા હતા અને તેઓ છેલ્લાં 30 વર્ષોથી કિશ્તવાડમાં સક્રિય હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સેઠે કહ્યું કે ચંદ્રકાન્ત પર પહેલાં પણ બે વખત હુમલા થઈ ચૂક્યા છે. જોકે, આ વખતે નજીકથી ગોળી મારતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનું મોત થઈ ગયું.
નવેમ્બર 2018માં ભાજપના એક વરિષ્ઠ નેતા અનિલ પરિહાર અને તેમના ભાઈ અજિત પરિહારની પણ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
તેઓ કિશ્તવાડમાં પોતાની દુકાનથી ઘરે પરત ફરી રહ્યા હતા અને આ સમયે અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો.
કિશ્તવાડ જિલ્લો ઉધમપુર સંસદીય વિસ્તારમાં આવે છે, જ્યાં મોદી સરકારમાં રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્રસિંહ ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












