શું અટલ બિહારી વાજપેયીએ ઇંદિરા ગાંધીને 'દુર્ગા' કહ્યાં હતાં? - ફૅક્ટ ચેક

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ કૉંગ્રેસમાં સામેલ થનારા શત્રુઘ્ન સિન્હાએ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના હવાલાથી ઇંદિરા ગાંધીને લઈને એક નિવેદન આપ્યું જે સોશિયલ મીડિયામાં ખૂબ જ શૅર થઈ રહ્યું છે.

ભાજપના સ્થાપનાના દિવસે કૉંગ્રેસમાં સામેલ થનારા શત્રુઘ્ન સિન્હાએ પત્રકાર પરિષદમાં કૉંગ્રેસી નેતાઓની હાજરીમાં આ નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું, "આપણા ભૂતપૂર્વ અને અભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ સંસદમાં ભારત જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરનાં સૌથી મોટાં વડાં પ્રધાન ઇંદિરા ગાંધીને દુર્ગા સાથે સરખાવ્યાં હતાં."

સિન્હાએ આ પ્રેસ કૉન્ફરન્સમાં ભાજપ દ્વારા વિપક્ષને અગણવાના વર્તનની ટીકા પણ કરી હતી.

તેમણે કહ્યું કે જો તમારો વિરોધી સારી વાત કરે તો તેનાં વખાણ કરવા જોઈએ. જો સારું ન લાગે તો ભૂલી જાઓ અને સારું લાગે તો સલામ કરો.

વાજપેયી અને ઇંદિરા ગાંધીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું, "આજે નવરાત્રિ છે એટલા માટે મને એ વાત યાદ આવી રહી છે. હું તેમને નમન કરું છું, પ્રણામ કરું છું અને વંદન કરું છું. તેમની (ઇંદિરા ગાંધી) તુલના તેમણે (વાજપેયી) દુર્ગા સાથે કરી હતી."

તમે આ વાંચ્યું કે નહીં?

દાવાની તપાસ

અટલ બિહારી વાજપેયી દ્વારા ઇંદિરા ગાંધીને 'દુર્ગાનું રૂપ' કહેવાનો મુદ્દો અગાઉ પણ ચર્ચામાં આવ્યો હતો.

ભાજપના વિરોધી પક્ષો અને એમાં પણ ખાસ કરીને કૉંગ્રેસના નેતા ઘણી વખત આ વાતનું ઉદાહરણ આપે છે.

ઑનલાઇન રિસર્ચ દ્વારા જાણવા મડે છે કે ભાજપના નેતાઓ કેટલીય વાર આ નિવેદનનું ખંડન કરી ચૂક્યા છે.

અમારા રિસર્ચમાં વાજપેયીનું જૂનું ઇન્ટરવ્યૂ મળ્યું.

આ વીડિયોમાં વાજપેયી પોતે આ વાતનું ખંડન કરતા જોઈ શકાય છે કે તેમણે ક્યારેય ઇંદિરા ગાંધી માટે આવા શબ્દો પ્રયોજ્યા નથી.

'હજુ પણ દુર્ગા મારી પાછળ છે'

આ ઇન્ટરવ્યૂમાં જ્યારે વાજપેયીને 'ઇંદિરા-દુર્ગા' અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે જે કહ્યું તેનો શબ્દશ: ઉલ્લેખ આ મુજબ છે :

"મેં દુર્ગા કહ્યું નથી. આ અખબારવાળાઓએ છાપી દીધું અને હું ખંડન કરતો રહ્યો કે મેં તેમને દુર્ગા નથી કહ્યાં. ત્યારબાદ તે અંગે તપાસ થઈ."

"શ્રીમતી પુપુલ જયકરે ઇંદિરાજી પર એક પુસ્તક લખ્યું છે અને તેઓ તેમાં ઉલ્લેખ કરવાં માગતાં હતાં કે વાજપેયીએ ઇંદિરા ગાંધીને દુર્ગા કહ્યાં હતાં."

"તેઓ મારી પાસે આવ્યાં. મેં જણાવ્યું કે મેં એવું કહ્યું નથી. મારા નામ સાથે છપાઈ જરૂર ગયું હતું."

"ત્યારબાદ તેમણે લાઇબ્રેરીમાં જઈને પુસ્તકો તપાસ્યાં. બધી કાર્યવાહી જોઈ પરંતુ તેમાં ક્યાંય દુર્ગા ન મળ્યું પરંતુ હજુ પણ દુર્ગા મારી પાછળ છે, જે તમારા સવાલ પરથી લાગી રહ્યું છે."

આરએસએસ અને દુર્ગા

2019ની લોકસભા ચૂંટણી માટે ગઠબંધન તૈયાર કરવાની પ્રક્રિયા દરમિયાન સીપીઆઈ નેતા સીતારામ યેચુરીએ પણ શત્રુઘ્ન સિન્હા જેવું નિવેદન આપ્યું હતું.

દિલ્હીમાં આપ દ્વારા આયોજિત વિપક્ષની મહાગઠબંધન રેલીમાં યેચુરીએ કહ્યું હતું, "આરએસએસ અને ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીએ ઇંદિરા ગાંધીને 'દુર્ગા' કહ્યાં હતાં."

યેચુરીના આ નિવેદન બાદ બીબીસીએ આરએસએસના જાણકાર અને સંઘના મુખપત્રના સંપાદક પ્રફુલ કેતકર સાથે વાતચીત કરી હતી.

કેતકરે સીતારામ યેચુરીના નિવેદનનું ખંડન કરતા કહ્યું કે આરએસએસ દ્વારા ક્યારેય પણ ઇંદિરા ગાંધીને દુર્ગાનાં સ્વરુપ ગણાવ્યાં નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો