અમિત શાહ સામે કૉંગ્રેસે સી. જે. ચાવડાને ટિકિટ આપી, અમદાવાદ પૂર્વથી ગીતા પટેલ ઉમેદવાર

અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images/facebook

ઇમેજ કૅપ્શન, ગાંધીનગરમાં અમિત શાહ સામે સી. જે. ચાવડા

કૉંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી દ્વારા ઉમેદાવારોની વધુ એક યાદી બહાર પાડી છે. જેમાં ગાંધીનગર, જામનગર, સુરેન્દ્રનગર અને અમદાવાદ પૂર્વના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.

ગાંધીનગરથી કૉંગ્રેસે સી. જે. ચાવડાને ટિકિટ આપી છે, જે ભાજપના અમિત શાહ સામે લડશે.

જામનગરથી કૉંગ્રેસ મૂરુભાઈ કંડોરિયાને ટિકિટ આપી છે. સુરેન્દ્રનગરથી સોમાભાઈ પટેલને મેદાને ઉતારવામાં આવ્યા છે.

જ્યારે અમદાવાદ પૂર્વથી ગીતાબહેન પટેલને ટિકિટ આપી છે.

બીજી તરફ મંગળવારે સાંજે ભાજપે મહેસાણા અને સુરત બેઠકના ઉમેદવારોની જાહેરાત કરી હતી.

મહેસાણા બેઠક પર પૂર્વ મંત્રી અનિલ ભટ્ટનાં પત્ની શારદાબહેન પટેલને ટિકિટ આપી હતી, જ્યારે સુરત બેઠક માટે દર્શના જરદોશને ટિકિટ આપવામાં આવી હતી.

line

જામનગર અને ગાંધીનગર ચર્ચામાં

હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ગાંધીનગરથી ભાજપના અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર વર્ષોથી કૉંગ્રેસ જીતી શકી નથી અને ત્યાં સતત ભાજપના વરિષ્ઠ નેતા અડવાણી જીતતા આવ્યા હતા.

જે બાદ આ વર્ષે તેમની ટિકિટ કાપીને અમિત શાહે આ બેઠક પર ઝંપલાવ્યું છે.

અમિત શાહ સામે ટક્કર લઈ શકે તેવા ઉમેદવારની શોધમાં કૉંગ્રેસ હતી અને એ રાહ જોવાઈ રહી હતી કે શાહ સામે કોણ લડશે?

જોકે, કૉંગ્રેસે હવે પોતાની પસંદગી ગાંધીનગર જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ સી. જે. ચાવડા પર ઉતારી છે.

જામનગર બેઠક પર ભાજપે તેમનાં સાંસદ પૂનમબહેન માડમને ફરીથી ટિકિટ આપી છે.

આ બેઠક આ વખતે એટલા માટે ચર્ચામાં આવી હતી કારણ કે તાજેતરમાં જ કૉંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલે અહીંથી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

જોકે, હાઈકોર્ટેમાંથી તેમને ચૂંટણી લડવા માટે રાહત ન મળતા અને હવે સુપ્રીમ કોર્ટમાં 4 એપ્રિલે સુનાવણી હોવાથી કૉંગ્રેસે અહીં મૂળુભાઈ કંડોરિયાને ટિકિટ આપી દીધી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો