ગુજરાતમાં ફરી દલિત પર અત્યાચાર, તરુણને ઝાડ સાથે બાંધીને ઢોરમાર મરાયો

ઇમેજ સ્રોત, JigneshMevani/Twitter
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતમાં દલિત અત્યાચારનો વધુ એક બનાવ સામે આવ્યો છે. પાટણ જિલ્લામાં એક દલિત તરુણને વૃક્ષ સાથે બાંધીને માર મારવાની ઘટના બની છે.
18 માર્ચની આ ઘટનામાં મહેસાણા 17 વર્ષના દલિત તરુણને બે વ્યક્તિ દ્વારા ઝાડ સાથે બાંધીને માર મારવાની અને જાતિના આધારે અપમાન કરવાની ફરિયાદ નોંધાઈ છે.
ચાણસ્મા પોલીસના ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર મહેસાણાનો રહેવાસી મીતકુમાર ચાવડા 12માં ધોરણનું અંગ્રેજીનું પેપર આપવા જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના ઘટી હતી.
પીડિતના જણાવ્યા અનુસાર ધીણોજ ગામમાં આવેલી સાર્વજનિક વિદ્યા મંદિર હાઇસ્કૂલ બહારથી તેને બે વ્યક્તિએ બળજબરીપૂર્વક બાઇક પર બેસાડી નજીકમાં આવેલા ખેતરમાં લઈ જઈ માર માર્યો હતો.

ઘટના શું છે?
ફરિયાદમાં પીડિતે જણાવ્યું છે કે તે 12માં ધોરણમાં અભ્યાસ કરે છે.
ધીણોજ ગામની 'સાર્વજનિક વિદ્યામંદિર હાઇસ્કુલ'ના પરીક્ષા કેન્દ્ર ખાતે મીત બોર્ડની પરીક્ષાનું અંગ્રેજીનું પેપર આપવા ગયો હતો.
હાઇસ્કુલની બહાર તે ઊભો હતો એ દરમિયાન જ એક શખ્સ તેની પાસે આવ્યો અને 'તારું કામ છે' એવું કહીને મીતને સાથે આવવા કહ્યું હતું.
મીતને બોલાવનારી વ્યક્તિ રમેશ પટેલ બસ કંડક્ટર તરીકે નોકરી કરતી હોવાથી મીત તેને ઓળખતો હતો એવું મીતે ફરિયાદમાં જણાવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરીક્ષા હોવાથી મીતે સાથે આવવાની ના પાડી અને આરોપીએ પરીક્ષા ચાલુ થતા પહેલાં પાછા મૂકી જવા કહ્યું હતું.
મીતના જણાવ્યા અનુસાર રમેશ પટેલ અને અન્ય એક વ્યક્તિ તેમને બાઇક પર બેસાડીને નજીકના ખેતરમાં લઈ ગયા હતા.
જ્યાં લીમડાના વૃક્ષ સાથે બાંધીને 'લીમડાની સોટીથી' મીતને માર મારવામાં આવ્યો હોવાનું પણ ફરિયાદમાં નોંધ્યું છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર મીતને માર મારતી વખતે જ્ઞાતિવાચક અપમાન પણ કરાયું હતું સાથે જ ધમકી પણ આપી હતી કે કોઈને વાત કરશે તો 'જીવતો નહીં છોડાય.'
ઘટના બાદ મીતે ઘરે કોઈને વાત નહોતી કરી. જોકે, મીતના શરીર પર પડેલાં નિશાન મિતનાં માતા જોઈ ગયાં હતાં અને સમગ્ર ઘટના સામે આવી હતી.

પોલીસ શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં મીતનાં માતા તરુણાબહેન ચાવડા ઘટનાનું વર્ણન કર્યું.
તરુણાબહેને જણાવ્યું કે મારા પુત્રને ઉપાડીને લઈ ગયા અને પછી ઢોરમાર માર્યો હતો.
તેમણે કહ્યું, "મારો પુત્ર પરીક્ષા આપવા ગયો હતો. ત્યાંથી તેને બાઇક પર ઉપાડી જવાયો અને નજીકના ખેતરમાં તેને ઢોર માર માર્યો."
"એને જાતિસૂચક ગાળો પણ અપાઈ અને તેને પરીક્ષા પણ ના આપવા દીધી. આરોપીઓએ તેને પરીક્ષા ના આપવાની પણ ધમકી આપી છે."
આ ઘટના પાછળ પ્રેમપ્રકરણ જવાબદાર હોવાની વાતો પણ વહેતી થઈ છે. જોકે, તરુણાબહેન દ્વારા આ વાત ફગાવી દેવાઈ છે.
આ મામલે હાલમાં ચાણસ્મા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ચાણસ્મા પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ. રસુલ ખાને આ મામલે તપાસ ચાલું હોવાનું કહીને જણાવ્યું,
"પીડિતે લખાવેલી ફરિયાદ અનુસાર ધીણોજ ગામની શાળાની બહારથી બે વ્યક્તિ મીતને બાઇક પર બેસાડીને નજીકમાં આવેલા ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં લીમડા સાથે બાંધીને લીમડાની સોટીથી તેને માર માર્યો હતો."
પોલીસે આ મામલે આઈ.પી.સી અધિનિયમની કલમ સેક્શન 323, 341, 504સ 506(2), 144 અને અનુસુચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ પ્રતિબંધ અધિનિયમ સેક્શન 3(1)(R)(S),3(2)(5)(a)કલમો હેઠળ ફરિયાદ નોંધી છે.
આ ઘટના બાદ મીતકુમાર ચાવડાની તસવીરો સોશિયલ મીડિયા પર વહેતી થઈ છે.
વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ પણ મીતકુમારની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આરોપીની ધરપકડ કરવા અને પીડિતને ન્યાય અપાવવાની વાત કરી છે.
મેવાણીએ ખાસ વ્યવસ્થા કરીને પીડિતને પરીક્ષા અપાવવા અને તેનું શૈક્ષણિક વર્ષ ના બગડે એ માટે રાજ્ય સરકારને અપીલ કરી છે.
આ ઘટનામાં તુરંત કાર્યવાહી કરવા ઉપરાંત પાટણ બંધની પણ વાત કરી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતમાં દલિતોની સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
(છેલ્લાં 17 વર્ષ દરમિયાન ગુજરાતમાં નોંધાયેલા દલિત અત્યાચારના કિસ્સા, સ્રોત: પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી, ગુજરાત રાજ્ય )એક આરટીઆઈમાં આવેલી માહિતી અનુસાર વર્ષ 2018માં ગુજરાતમાં દલિતો વિરુદ્ધ અત્ચાચારની કુલ 1,545 ઘટનાઓ નોંધાઈ હતી. જેમાં 22 હત્યા, 104 દુષ્કર્મ તેમજ 81 ગંભીર ઈજાની ઘટનાઓ સામેલ છે. આમાં સૌથી વધુ કિસ્સા અમદાવાદમાં નોંધાયા હતા.
- ગત વર્ષે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એક દલિત પરિવારે લગ્નની આમંત્રણ પત્રિકામાં નામની સાથે 'સિંહ' લખાવતાં પરિવારને ધમકીઓ મળી હતી.
- જુલાઈ-2016માં ઉનામાં કથિત ગોરક્ષકોના હુમલાનો ભોગ બનેલા ઉનાના સરવૈયા પરિવારના સભ્યોએ એપ્રિલ-2018માં બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો.
- માર્ચ-2018માં ભાવનગર જિલ્લાના ટીંબી ગામ ખાતે ઘોડો રાખવાના કારણસર દલિત યુવકની હત્યા કરવામાં આવી હતી. પરિવારે રાજપૂતો સામે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે તપાસ બાદ દાવો કર્યો હતો કે છેડતીના મામલે હત્યા થઈ હતી.
- ઑક્ટોબર-2017માં મૂછો રાખવાના કારણસર ગાંધીનગરમાં દલિત યુવકો પર હુમલો કરવામાં આવ્યો હતો. આવી કેટલીક ઘટનાઓ બાદ દલિત યુવકોએ વૉટ્સઍપ તથા ફેસબુકના પ્રોફાઇલ ફોટોઝ તશા સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર #MrDalit અને #DalitWithMoustache સાથે મૂછને તાવ દેતી તસવીરો પોસ્ટ કરી હતી. પોલીસે એ તેના રિપોર્ટમાં આ વિગતો ખોટી હોવાનું જણાવ્યું હતું.
- ઑક્ટોબર-2017માં નવરાત્રી દરમિયાન આણંદમાં ગરબા જોવા ગયેલા દલિત યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. આ સંદર્ભે આઠ પાટીદારોની ધરપકડ કરવામાં આવી હતી.
- સપ્ટેમ્બર-2016માં બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કરજા ગામે દલિતો સાથે મારઝૂડ કરવામાં આવી હતી. આ પરિવારે મૃત ઢોર ઉપાડી જવાનો ઇન્કાર કર્યો હતો.
- જુલાઈ-2016માં ઉનામાં મૃત પશુઓનું ચામડું ઉતારવાના કામ સાથે સંકળાયેલા દલિતો સાથે મારઝૂડ કરવામાં આવી હતી. એ વીડિયોએ ગુજરાત સહિત દેશભરના લોકોની સંવેદનાને ઝંઝોળી હતી.એ ઘટના બાદ અનેક દલિત પરિવારોએ ચામડું ઉતારવાનું પરંપરાગત કામ છોડવાની પ્રતિજ્ઞા લીધી હતી.
- 2012માં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે પોલીસ ફાયરિંગમાં ત્રણ દલિત યુવકોનાં મૃત્યુ થયાં હતાં. એ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. ઘટનાની તપાસ કરવા માટે ત્રણ સભ્યોની સમિતિ નીમવામાં આવી હતી. જોકે, તેનો અહેવાલ હજુ પણ જાહેર કરવામાં નથી આવ્યો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













