You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકસભાની ચૂંટણી સમયે સર્ફ એક્સેલની હોળીની એક જાહેરાત પર કેમ છેડાઈ ગયું છે યુદ્ધ?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
'હોળી રંગોનો તહેવાર છે. હોળીના રંગો સાથે આંતરિક વિખવાદ, દુશ્મની અને ભેદભાવને દૂર કરીને આપણે એકબીજાને પ્રેમના રંગમા રંગી દઈએ છીએ.'
બાળપણમાં હોળી પર નિબંધ લખતા આપણે હંમેશાં આ વાક્યો લખતાં. હોળીને આડે હવે બહુ ઓછા દિવસો બાકી છે, ત્યારે બજાર પણ હોળીના રંગે રંગાવા લાગ્યું છે.
હોળીની આ તૈયારીઓ વચ્ચે કપડાં ધોવાના સાબુ અને પાઉડર બનાવતી કંપની સર્ફ એક્સેલ ચર્ચામાં આવી ગઈ છે.
સામાન્ય રીતે તો લોકોને હોળી રમ્યા બાદ આવી પ્રોડક્ટ્સ યાદ આવતી હોય છે. પરંતુ આ વખતે મુદ્દો થોડો અલગ છે. સોશિયલ મીડિયા પર એક હૅશટેગ #BoycottSurfExcel સતત ટ્રૅન્ડમાં હતો.
તેનું એક માત્ર કારણ છે સર્ફ એક્સેલની હોળી અંગેની એક જાહેરખબર.
આ જાહેરખબરમાં શું છે?
સૌથી પહેલાં આપને આ જાહર ખબર વિશે જણાવીએ. માત્ર એક મિનિટની આ જાહેર ખબરમાં એક નાનકડી છોકરી સાઇકલ પર જઈ રહી છે અને તેના પર કેટલાક બાળકો રંગ ભરેલાં ફુગ્ગા મારે છે.
છોકરી ખુશીથી પોતાના પર એ ફુગ્ગા પડવા દે છે. જ્યારે છોકરાઓના બધાં જ ફુગ્ગા ખલાસ થઈ જાય ત્યારે તેની સાઇકલ એક ઘર પાસે અટકે છે. એ છોકરી એક છોકરાને બોલાવીને કહે છે, "બહાર આવી જા, બધું જ પૂરું થઈ ગયું."
એ બાળક સફેદ કૂર્તા-પાયજામામાં છે. તેને પોતાની સાઇકલ પર બેસાડીને છોકરી એક મસ્જિદ બહાર ઊતારી આવે છે. મસ્જિદમાં જતાં તે બાળક કહે છે કે તે નમાઝ પઢીને આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારે છોકરી કહે છે કે પછી રંગ પણ પડશે. અને બાળક આનંદથી માથું હલાવીને હા પાડે છે. અહીં આ જાહેરાત પૂરી થાય છે.
આ વીડિયોને 9 લાખ લોકોએ જોઈ ચૂક્યા છે. આ જાહેરાત સાથે એક હૅશટેગ લખ્યું છે, #RangLayeSang.
તમે આ વાંચ્યું કે નહીં?
જાહેરખબર પર વિવાદ
ઘણા જમણેરી વિચારધારા ધરાવતા લોકોએ આ જાહેરખબરનો વિરોધ કર્યો છે. તેઓ માને છે કે, આ જાહેરખબરમાં હોળીના તહેવારને ખોટી રીતે દર્શાવાયો છે.
ઘણા લોકો સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે આ જાહેરાત દ્વારા હિન્દુ-મુસ્લિમ વચ્ચેના અંતરને દર્શાવાયું છે. સાથે જ એ દર્શાવવાની કોશિશ કરવામાં આવી છે કે હોળીના તહેવારથી અન્ય ધર્મના લોકો પરેશાન થાય છે.
ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ લખ્યું, "આમ તો હું ક્રિએટિવ આઝાદીનો સમર્થક છું. પરંતુ મારું માનવું છે કે આ પ્રકારના ડફોળ કૉપીરાઈટર પર ભારત જેવા ધમર્નિરપેક્ષ દેશમાં પ્રતિબંધ મુકાવો જોઈએ. તેઓ ભારતની ગંગા જમની પરંપરાને યમુનાથી અલગ કરવાના પ્રયત્ન કરે છે."
બાબા રામદેવે લખ્યું છે, "આપણે કોઈ પણ ધર્મની વિરુદ્ધમાં નથી. પરંતુ જે ચાલી રહ્યું છે, તેના પર ગંભીરતાથી વિચારવાની જરૂર છે. લાગે છે કે જે વિદેશી સર્ફથી આપણે કપડાં ધોતા હતા, તેને જ ધોવાનો સમય આવી ગયો છે."
આકાશ ગૌતમે હિન્દુસ્તાન યુનિલીવર કંપનીને આ જાહેરાતની ફરિયાદ કરવાની અને કંપની દ્વારા માફી માંગવાની વાત કરી છે.
સંદીપ દેવે લખ્યું છે, "સમાજમાં નફરત ફેલાવનારા, તહેવારોમાં પણ હિન્દુ-મુસ્લિમ કરનારા #HULની #BoycottSurfExcel સહિત દરેક વસ્તુનો બહિષ્કાર થવો જોઈએ."
શેખર ચહલે સર્ફ એક્સેલનું પૅકેટ સળગાવતો એક વીડિયો પોસ્ટ કર્યો છે અને લખ્યું છે કે મોહરમ અને બકરી ઈદના ખૂની રંગોથી હોળીના રંગ વધુ સારા છે. અમારા દરેક તહેવારમાં હિન્દુ-મુસ્લિમ કેમ ઘુસાડો છો?
એક તરફ લોકો આ જાહેરાતને હિન્દુ ધર્મ પર હુમલા સ્વરૂપે જુએ છે અને સર્ફ એક્સેલ તેમજ હિન્દુસ્તાન યુનિલીવરના ઉત્પાદનોના બહિષ્કારની વાત કરે છે. ત્યારે બીજી તરફ જાહેરાતના સમર્થનમાં પણ ઘણા લોકો છે.
વાસન બાલા નામના એક વ્યક્તિએ ટ્વિટર પર લખ્યું છે કે તેઓ આ જાહેરાત બનાવનારી ટીમનો એક ભાગ છે. તેમને આટલી સારી જાહેરાત પર ગર્વ છે.
ઑલ્ટ ન્યૂઝના સહસંસ્થાપક પ્રતીક સિન્હાએ લખ્યું છે, "ચૂંટણીની જાહેરાતના દિવસે જ સર્ફ એક્સેલની જાહેરાત પર હિંદુત્વવાદીઓએ જે હુમલો કર્યો છે, તે દર્શાવે છે કે ગયા પાંચ વર્ષમાં દેશમાં શું માહોલ હતો."
આકાશ બેનરજીએ કટાક્ષમાં લખ્યું છે, "આ જાહેરાતને શૅર ના કરો. આખરે સર્ફ એક્સેલ રંગ, પ્રેમ, હાસ્ય, મસ્તી, નાદાની, સંસ્કૃતિનું સન્માન, ખુશી ને બૉન્ડિંગ એક મિનિટમાં કઈ રીતે દર્શાવી શકે."
ડાબેરી નેતા કવિતા કૃષ્ણને ટ્વીટ કર્યું છે કે સર્ફ એક્સેલની આ જાહેરાતમાં હિન્દુ મુસ્લિમની દોસ્તી દર્શાવાઈ છે.
જમ્મૂ -કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીએ લખ્યું, "મારી પાસે સારો રસ્તો છે. ભક્તોને સર્ફ એક્સેલથી સારી રીતે ધોવા જોઈએ. કારણ કે સર્ફ એક્સેલથી ધોવાથી ડાઘ સાફ થઈ જશે."
હજુ અત્યાર સુધી હિન્દુસ્તાન યુનિલીવર તરફથી આ જાહેરાત પર કોઈ પ્રકારનું નિવેદન આવ્યું નથી.
તમે આ વાંચ્યું કે નહીં?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો