લોકસભા ચૂંટણી 2019 : 58 વર્ષ બાદ ગુજરાતમાં મળી રહેલી કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મહત્ત્વપૂર્ણ કેમ?

ઇમેજ સ્રોત, EPA
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
મંગળવારે અમદાવાદ ખાતે કૉંગ્રેસની સર્વોચ્ચ સમિતિ કૉંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) મહત્ત્વપૂર્ણ બેઠક મળી રહી છે.
હાર્દિક પટેલના કૉંગ્રેસમાં પ્રવેશ, પ્રિયંકા ગાંધીની પ્રથમ બેઠક, પુલવામા, બાલાકોટ ઍર સ્ટ્રાઇક અને કૉંગ્રેસી ધારાસભ્યોના રાજીનામાને કારણે આ બેઠકને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
CWCની બેઠક બાદ અડાલજમાં ત્રિમંદિર પાસે જન સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
અગાઉ તા. 28મી ફેબ્રુઆરીના બેઠક નિર્ધારવામાં આવી હતી, પરંતુ બાલાકોટ ઍરસ્ટ્રાઇકને પગલે તેને મોકૂફ કરી દેવામાં આવી હતી.
આ પહેલાં છેલ્લે 1961 ગુજરાતમાં ભાવનગર ખાતે CWCની બેઠક મળી હતી. એ વખતે નીલમ સંજીવ રેડ્ડી કૉંગ્રેસ પ્રમુખ હતા.

હાર્દિક પટેલ સામેલ થશે

ઇમેજ સ્રોત, Getty Images
હાર્દિક પટેલે જાહેરાત કરી છે કે મંગળવારે તેઓ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કૉંગ્રેસમાં જોડાશે.
હાર્દિકે જામનગરની બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે, સાથે ઉમેર્યું છે કે 'અંતે પક્ષ નક્કી કરે તેમ કરીશ.'
ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીનું કહેવું છે, "કૉંગ્રેસમાં સામેલ થવાની સાથે જ હાર્દિક પટેલનો અસલી ચહેરો જનતા અને (પટેલ) સમાજની સામે આવી ગયો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ગત વિધાનસભા ચૂંટણી સમયે પણ કૉંગ્રેસની મદદથી ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ રેલીઓ સંબોધી હતી, પરંતુ ભાજપ પોતાના બળ ઉપર ઊભો છે અને જીતશે."
કૉંગ્રેસે ભરતસિંહ સોલંકી (આણંદ), રણજીત રાઠવા (છોટા ઉદેપુર -શિડ્યુલ્ડ ટ્રાઇબ), રાજુ પરમાર (અમદાવાદ પશ્ચિમ - શિડ્યુલ્ડ કાસ્ટ) અને પ્રશાંત પટેલને વડોદરા બેઠક ઉપરથી ઉમેદવાર જાહેર કર્યાં છે. સામે પક્ષે ભાજપે હજુ તેના પત્તા નથી ખોલ્યાં.
અગાઉ ઓબીસી (અન્ય પછાત વર્ગ) આંદોલનના ના અલ્પેશ ઠાકોર ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે કૉંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા, તેઓ હાલમાં રાધનપુરની બેઠક ઉપરથી ધારાસભ્ય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

મોદી-શાહનો ગઢ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રમાં મુખ્ય શાસક પક્ષ ભાજપના અધ્યક્ષ અમિત શાહનું ગૃહ રાજ્ય છે.
બંનેને તેમના ગઢમાં જ પડકારવાનો ગૂઢાર્થ છે, એટલે જ લગભગ 58 વર્ષ બાદ ગુજરાતમાં સીવીસી આયોજિત કરી છે.
જોકે, આ બેઠક પૂર્વે કૉંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાથી કૉંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે.
ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે અસંતોષને ડામવાની કવાયત હાથ ધરી છે. તેમને અલ્પેશ ઠાકોર સહિત અન્ય કેટલાક ધારાસભ્યોને મનાવી લેવામાં સફળતા મળી છે.
મંગળવારે ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યું હતું, "કૉંગ્રેસી નેતા ધારાસભ્યનું પદ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યાં છે અને હજુ સામેલ કરીશું."

કૉંગ્રેસી ધારાસભ્યોના રાજીનામા

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાય તે પહેલાં જવાહર ચાવડા (માણાવદર), પરસોત્તમ સાબરિયા (ધ્રાંગધ્રા) અને વલ્લભભાઈ ધારવિયા (જામનગર ગ્રામ્ય) કૉંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામા આપીને ભાજપમાં જોડાઈ ગયા છે.
આ પહેલાં સૌરાષ્ટ્રના કોળી ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા (જસદણ) અને ઉત્તર ગુજરાતના ધારાસભ્ય આશાબહેન પટેલ (ઊંઝા) કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.
ભાજપે જવાહર ચાવડા તથા કુંવરજી બાવળિયાને રૂપાણી સરકારમાં કૅબિનેટ કક્ષાના પ્રધાન બનાવ્યા છે.
આ સિવાય તલાલા બેઠક ઉપરથી કૉંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને બે વર્ષ નવ માસની સજા થઈ હોવાથી તેમના પદ ઉપરથી ગેરલાયક ઠર્યાં છે.
કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીના કહેવા પ્રમાણે, "વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરતી ભાજપા સીધી રીતે કૉંગ્રેસને પહોંચી શકે તેમ નથી એટલે ભાગલાની નીતિ અપનાવી છે."
"શામ-દામ દંડ અને ભેદની નીતિથી તે કૉંગ્રેસના સક્ષમ નેતાઓને પોતાની તરફ ખેંચી રહી છે."
રાજકીય વિશ્લેષક પ્રકાશ ન. શાહના કહેવા પ્રમાણે, "ચૂંટણી પૂર્વે નેતાઓ પક્ષપલટો કરે એ સહજ બાબત છે અને તેના કારણે કૉંગ્રેસના ગઢના કાંગરા ખર્યાં, એમ ન કહી શકાય."
"ભારતને 'કૉંગ્રેસ મુક્ત' બનાવવાની વાત કરતો ભાજપ પક્ષ ખુદ પોતે 'કૉંગ્રેસ યુક્ત' બની રહ્યો હોય તેમ જણાય છે."


CWCમાં પ્રિયંકા ગાંધી

ઇમેજ સ્રોત, AFP
આ બેઠક દરમિયાન કૉંગ્રેસના મહાસચિવ બન્યા બાદ પ્રિયંકા ગાંધી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યાં છે, ત્યારે સ્વાભાવિક રીતે વિશ્લેષકોની તેમની મીટ મંડાયેલી રહેશે.
CWCના કાયમી આમંત્રિત સભ્ય શક્તિસિંહ ગોહિલના કહેવા પ્રમાણે, "મહાસચિવ તરીકેની જવાબદારી મળ્યા બાદ પ્રિયંકા ગાંધીની આ પ્રથમ ગુજરાત યાત્રા હશે."
"સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કૉંગ્રેસના કોઈ કાર્યક્રમમાં એકસાથે ભાગ લેતા હોય તેવું પ્રથમ વખત બનશે."
CWCની બેઠક બાદ અડાલજ ખાતે ત્રિમંદિર પાસે જાહેરસભાને સંબોધિત કરશે, જેને હોદ્દાની રૂએ કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સંબોધિત કરશે. જોકે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી તથા પ્રિયંકા ગાંધી સંબોધિત કરશે કે કેમ, તે હજુ સ્પષ્ટ નથી.
2019ની લોકસભા ચૂંટણી માટે તેમને પૂર્વ ઉત્તર પ્રદેશનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. આ વિસ્તારમાં લોકસભાની 41 બેઠક આવેલી છે.
આ પહેલાં પ્રિયંકા માતા અને તત્કાલીન કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની રાય બરેલી તથા ભાઈ રાહુલ ગાંધીની અમેઠી બેઠક પૂરતું ધ્યાન આપતાં હતાં.

દાંડીયાત્રાનો સંયોગ

ઇમેજ સ્રોત, Getty Images
શાહના કહેવા પ્રમાણે, દાંડી કૂચના દિવસે જ અમદાવાદમાં કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકનું આયોજન કરવું સૂચક છે. પુલવામા બાદ કૉંગ્રેસ અને વિપક્ષ નૅરેટિવની શોધમાં છે.
આ તારીખ દ્વારા કૉંગ્રેસ સ્વાતંત્ર્ય સંગ્રામ સાથનું તેનું જોડાણ સ્થાપિત કરી શકે તો કૉંગ્રેસ તેના ઐતિહાસિક મહત્ત્વનું નૅરેટિવ ઊભું કરી શકે છે.
CWCના સભ્ય શક્તિસિંહ ગોહિલના કહેવા પ્રમાણે, "ગાંધીજીના જન્મદિવસની 150મા વર્ષની ઊજવણીના ભાગરૂપે ગત વર્ષે મહારાષ્ટ્રના વર્ધા ખાતેના સેવાશ્રમ ખાતે બેઠક મળી હતી."
"આ વખતે ગાંધીજીના જન્મસ્થળ ગજરાતમાં અમદાવાદ ખાતે બેઠક મળી રહી છે."


પુલવા, બાલાકોટ અને CWC બેઠક

ઇમેજ સ્રોત, kalpit Bhachech
અગાઉ તા. 28મી ફેબ્રુઆરીના દિવસે અમદાવાદ ખાતે જ કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળવાની હતી, પરંતુ બાલાકોટ ઍર સ્ટ્રાઇક બાદ આ બેઠકને મોકૂફ કરી દેવામાં આવી હતી.
વર્ષ 2016ની સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારા લેફ. જનરલ (નિવૃત્ત) ડી. એસ. હુડ્ડાને રાષ્ટ્રીય સુરક્ષાનો દસ્તાવેજ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. બેઠકમાં આ સંદર્ભે ઠરાવ પસાર કરવામાં આવશે, એવું માનવામાં આવે છે.
શાહ માને છે કે '2017-18માં ભાજપ સામે પ્રશ્નો ઊભા થવા લાગ્યા હતા, જોકે પુલવામા હુમલા બાદ અને બાલાકોટ ઍરસ્ટ્રાઇક બાદ ભાજપની સ્થિતિ સુધરી છે. સાથે જ ઉમેરે છે કે 'વિપક્ષની સ્થિતિ 2014 કરતાં સારી રહેશે.'
રાજકીય વિશ્લેષક પ્રકાશ ન. શાહના કહેવા પ્રમાણે, કૉંગ્રેસ રફાલને કેવી રીતે ઉઠાવે છે, તે જોવું રહ્યું.

પુલવામાની પૃષ્ઠભૂમિ

ઇમેજ સ્રોત, Getty Images
તા. 14મી ફેબ્રુઆરીના દિવસે ઉગ્રપંથીઓએ જમ્મુ અને કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના કાફલા ઉપર હુમલો કર્યો હતો, જેમાં 40 જવાનોનાં મૃત્યુ થયાં હતાં.
જેનું વેર વાળવા ભારતે તા. 26મી ફેબ્રુઆરીના પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાહ પ્રાંતમાં કાર્યરત જૈશ-એ-મોહમ્મદના ઉગ્રપંથી કૅમ્પ ઉપર હુમલો કરવાનો કરવાનો દાવો કર્યો હતો.
તા. 27મી ફેબ્રુઆરીના પાકિસ્તાન દ્વારા હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો, જેની સામે વળતી કાર્યવાહીમાં ભારતીય પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાન પાકિસ્તાનના કબજામાં આવી ગયા હતા.
જેમને પહેલી માર્ચે છોડી દેવામાં આવ્યા હતા, જોકે, સમગ્ર ઘટનાક્રમને પગલે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














