કૉંગ્રેસના દિગ્ગજ નેતા જવાહર ચાવડાના જોડાવાથી ભાજપને કેટલો ફાયદો થશે?

જવાહરલાલ ચાવડા

ઇમેજ સ્રોત, Jawahar Chavda/FB

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

શુક્રવારનો દિવસ કૉંગ્રેસ માટે ભારે રહ્યો. એક દિવસમાં કૉંગ્રેસમાંથી બે રાજીનામાં પડ્યાં. માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા કૉંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા તો ધ્રાંગધ્રાના કૉંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ પણ રાજીનામું ધરી દીધું.

જવાહર ચાવડાએ વિધિવત ભાજપનો ખેસ ધારણ કરી લીધો તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સાબરિયાના રાજીનામાની પુષ્ટિ કરી.

રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું, "ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા રાજીનામું લઈને આવ્યા હતા. તેઓએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું અને મેં સ્વીકારી લીધું છે."

પત્રકાર સાથેની વાતચીતમાં જવાહર ચાવડાએ કહ્યું કે સરકારમાં સામેલ થઈને પ્રજાની સેવા વધુ સારી રીતે થઈ શકે.

આ પહેલાં ભાજપમાં જોડાતી વખતે જવાહર ચાવડાએ જણાવ્યું, "સરકારમાં હોઈએ તો પ્રજાની સેવા વધુ સારી રીતે કરી શકાય."

તેમણે જણાવ્યું, "જે રીતે દેશની સ્થિતિ છે ત્યારે દેશના પનોતા પુત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજૂબત કરવા જરૂરી છે."

"પક્ષ દ્વારા જે પણ કામગીરી સોંપવામાં આવશે એ નિષ્ઠાપૂર્વક કરીશ."

આ પહેલાં ઊંઝાના ધારાસભ્ય આશાબહેન પટેલે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. અને ભાજપમાં જોડાઈ ગયાં હતાં.

એવા જ એક કિસ્સામાં કુંવરજી બાવળિયાએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા ત્યારે સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસને સૌથી મોટો ફટકો પડ્યો હતો.

જે બાદ હવે કૉંગ્રેસના દિગ્ગજ અને વરિષ્ઠ નેતા જવાહર ચાવડાએ રાજીનામું આપી દેતા કૉંગ્રેસને ફરી સૌરાષ્ટ્રમાં મોટો ફટકો પડ્યો છે.

જવાહર ચાવડાના રાજીનામા વિશે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું, "રાજીનામું આપવાનું કોઈ કારણ મને આપ્યું નથી અને મારે કોઈ કારણ માગવાનું હોતું નથી."

"તેમણે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે, મેં તે સ્વીકારી લીધું છે અને હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે."

line

મજબૂત ભાજપને ઉધારીના નેતાઓની જરૂર કેમ પડે?

ભાજપની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, REUTERS

રાજકીય વિશ્લેષક હરિ દેસાઈએ આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા કહ્યું,

"ભાજપ કૉંગ્રેસની બેઠકો ઘટાડી રહી છે. જવાહર ચાવડા કૉંગ્રેસના નિષ્ઠાવાન કાર્યકર અને સ્વચ્છ છબિ ધરાવતા નેતા છે. ભાજપ માત્ર જવાહર ચાવડા જ નહીં, પરંતુ કૉંગ્રેસના અન્ય ધારાસભ્યોનું નાક દબાવવાની કોશિશ કરી રહ્યો છે."

"કૉંગ્રેસ નેતા કયા કયા વેપાર-ધંધામાં સંકળાયેલા છે તેના પર સતત વૉચ રખાઈ રહી છે. આથી તેઓ અનિચ્છાએ પણ ભાજપમાં જોડાઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે."

તેઓ એમ પણ કહે છે કે પક્ષપલટાથી કૉંગ્રેસને નવું નેતૃત્વ ઊભું કરવાની તક પણ મળી શકે છે 'જો તેઓ પ્રજાને સમજાવી શકે તો.'

આ દરમિયાન હરિ દેસાઈ એવું પણ પૂછે છે કે જો ભારતીય જનતા પાર્ટી આટલી મજબૂત હતી તો તેને ઉધારીના નેતાઓની કેમ જરૂર પડે છે?

"અત્યારે દેશમાં રાષ્ટ્રવાદનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. કોણ રાષ્ટ્રવાદી અને કોણ રાષ્ટ્રવિરોધી એવી વાતો ચાલતી હોય ત્યારે ત્યારે ભાજપ તરફી લહેર ઊભી કરવાની કોશિશ થઈ રહી છે."

"2014માં પણ ભાજપ જીતી ત્યારે ભાજપને 31 ટકા જ મત મળ્યા હતા. 2014ની લોકસભામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી પણ ત્યાર પછીની પેટાચૂંટણીઓમાં ભાજપની સતત હાર થઈ રહી છે."

જવાહરના જવાથી સૌરાષ્ટ્રમાં કેટલી અસર થશે એ સવાલના જવાબ પર હરિ દેસાઈ જણાવે છે,

"જવાહર ચાવડા કૉંગ્રેસમાં નિષ્ઠાવાન છબિ ધરાવે છે, શિક્ષણસંસ્થાઓમાં પણ સારી છબિ ધરાવે છે."

"કોઈ કૉંગ્રેસી પણ તેમની નિષ્ઠા સામે શંકા ન કરી શકે પણ માઈનિંગના ધંધા મુદ્દે તેમનું નાક દબાવવાની કોશિશ થઈ હોય એવી શક્યતા વ્યક્ત કરી શકાય."

જવાહર ચાવડા ભાજપમાં જોડાય તો તેમને લોકસભા ચૂંટણી લડવાની તક પણ મળી શકે એવી પણ શક્યતા દેસાઈએ નકારી નહોતી.

કૉંગ્રેસના ધારાસભ્યો કૉંગ્રેસ છોડી રહ્યા છે એના કારણમાં તેઓ જણાવે છે કે 'સત્તા માટેનો આ સઘળો ખેલ છે.'

તેઓ ઉમેરે છે, "કૉગ્રેસ છેલ્લાં 22-23 વર્ષોથી સત્તામાં નથી. ગત વિધાનસભામાં કૉંગ્રેસ સત્તામાં આવશે એવી શક્યતા વ્યક્ત કરાતી હતી પણ તેઓ તક ચૂક્યા. ભાજપ હજુ પણ બીજા શિકાર પણ કરશે."

આ અંગે વાત કરતા વડોદરાની એસ.એમ. યુનિવર્સિટીના પૉલિટિકલ સાયન્સ વિભાગના અધ્યાપક અમિત ધોળકિયાએ બીબીબી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું,

"આ એક મનોવૈજ્ઞાનિક રમત છે. જેનાથી કૉંગ્રેસના કાર્યકરોનું મનોબળ તૂટે તેવા પ્રયાસો થઈ રહ્યા છે."

ધોળકિયા જણાવે, "જો જવાહર ભાજપમાં જશે તો તેમના જવાથી સૌરાષ્ટ્રના રાજકારણમાં કોઈ મોટી અસર નહીં થાય. જવાહર ચાવડાના મતવિસ્તાર પૂરતો ફેર પડી શકે છે."

"ચૂંટણી પહેલાં એવું દર્શાવવામાં આવે છે કે ગુજરાત કૉગ્રેસ સાથે કોઈ છે નહીં અને લોકો કૉંગ્રેસ છોડી રહ્યા છે."

"પાસ નેતા હાર્દિક પટેલ કૉંગ્રેસમાં જોડાઈ રહી રહ્યા છે એવી ચર્ચા વચ્ચે કૉગ્રેસ તૂટી રહી છે છાપ ઊભી કરવાનો પ્રયાસ છે."

જવાહર ચાવડાના ભાજપમાં જોડાવાથી સૌરાષ્ટ્રમાં પાટીદાર અને ઓબીસી સમાજની રાજનીતિ પણ પ્રભાવિત થશે તેમ અમિત ધોળકિયા માને છે.

line

કોણ છે જવાહર ચાવડા?

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

જવાહર ચાવડા કૉંગ્રસના વરિષ્ઠ નેતા હતા અને તેઓ વર્ષોથી કૉંગ્રેસમાં જોડાયેલા હતા.

20 જુલાઈ 1964ના રોજ રાજકોટ જિલ્લાના, ધોરાજી તાલુકાના ભાડજલિયા ગામમાં તેમનો જન્મ થયો હતો.

કૉમર્સ ગ્રૅજ્યુએટ એવા જવાહર ચાવડા 1990, 2007, 2012 અને 2017થી ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસમાંથી ધારાસભ્ય પદે ચૂંટાતા આવ્યા છે.

ઉપરાંત તેઓ સ્થાનિક રાજકારણમાં 1988થી સક્રિય છે અને તેમનો મુખ્ય વ્યવસાય કાલાં- કપાસનો છે.

જૂનાગઢના સ્થાનિક પત્રકાર ભાર્ગવીબહેન જવાહર ચાવડા મામલે જણાવે છે કે તેમની બે પેઢીઓ કૉંગ્રેસ સાથે જોડાયેલી છે.

તેમના કહેવા પ્રમાણે, "તેમના પિતા પેથલજી ચાવડા કૉંગ્રેસમાં જોડાયા હતા અને તેઓ 'પાક્કા કૉંગ્રેસી' તરીકે ઓળખાતા હતા."

"જવાહર ચાવડાના પિતા પેથલજી ચાવડા એક સમયે પથ્થરની ખાણમાં મજૂરી કરતા હતા. જે બાદ તેમણે એ જ પથ્થરની ખાણોની માલિકી લેવાનું શરૂ કર્યું."

"જે બાદ ખનનના વેપારમાં તેમનું કદ વધવા લાગ્યું અને આ વિસ્તારમાં તેઓ એક આગેવાન તરીકે ઊભરી આવ્યા."

કૉંગ્રેસમાં જોડાયા બાદ પેથલજી ચાવડાએ બે વખત કૉંગ્રેસની ટિકિટ પરથી અને એક વખત અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી પરંતુ તેઓ ત્રણેય વખતે હારી ગયા હતા.

પેથલજી ચાવડાનો વારસો સંભાળતા જવાહર ચાવડાએ પ્રથમ ચૂંટણી 25 વર્ષની ઉંમરે લડી હતી.

તે સમયે ગુજરાતમાં સહકારી બૅન્કોના ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા અને સહકારી આગેવાન એવા જેરામ પટેલને તેમણે હરાવ્યા હતા.

અહીંથી જ તેમનું નામ એક કૉંગ્રેસ નેતા તરીકે ઊભરી આવ્યું. જે બાદ તેમણે સતત કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણીઓ લડી હતી અને તેઓ જીત્યા હતા.

માણાવદર વિસ્તારમાં આહીર જ્ઞાતિમાં પ્રભુત્વ ધરાવતા જવાહર ચાવડા ખેડૂતોમાં લોકપ્રિય નેતા છે.

એક સમયે ગીરના સિંહોને મધ્ય પ્રદેશ લઈ જવા માટે વિરોધ કરનારા જવાહર ચાવડા કૉંગ્રેસના વધારે ધનવાન નેતાઓમાંના એક છે.

જવાહર ચાવડા પર ત્રણ ક્રિમિનલ કેસ પણ નોંધાયા છે.

line

કૉંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં કેમ જાય છે?

કુંવરજી બાવળિયા, જીતુ વાઘાણી

ઇમેજ સ્રોત, TWITTER/@KUNVARJIBAVALIA

વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખના જણાવ્યા અનુસાર પરસોત્તમ સાબરિયા કૉંગ્રેસના લીમડી બેઠકના હાલના ધારાસભ્ય સોમાભાઈ પટેલના શિષ્ય છે.

પરસોત્તમ સાબરિયા પર જમીન કૌભાંડના આરોપો પણ લાગેલા છે.

પરસોત્તમ સાબરિયાએ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ધ્રાંગધ્રા સીટ પરથી જેરામભાઈ સોનગરાને 13,916 મતથી હરાવ્યા હતા.

સૌરાષ્ટ્રના કોળી આગેવાન કુંવરજી બાવળિયા અને ઉત્તર ગુજરાતમાં મોટું નામ ધરાવતાં આશાબહેન પટેલ કૉંગ્રસમાંથી ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં જોડાયાં હતાં.

પરેશ ધાનાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જવાહર ચાવડાના રાજીનામાને દુઃખદ ગણાવ્યું છે.

પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "ભાજપના રાજમાં સૈદ્ધાંતિક રાજકારણનું અધઃપતન થયું છે."

"ક્યાંક ધનની લાલચ, ક્યાંક સત્તાનો સ્વાર્થ અથવા તો ક્યાંક સરકારી મશીનરીથી ડરાવી ધમકાવીને વિપક્ષના ધારાસભ્યને લચાવવાનો સતત પ્રયાસ કર્યો છે."

આ મામલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું, "જવાહરભાઈને કૉંગ્રેસ સાથે કોઈ વાંધો ન હતો. તેઓ વર્ષોથી કૉંગ્રેસમાં જોડાયેલા છે."

"ભાજપના નેતાઓ અને તેમના આગેવાનો ઉપર હવે જનતાને ભરોસો રહ્યો નથી. એટલે ભાજપ પૈસા, કાયદાનો ડર અથવા મંત્રીપદની લાલચ આપીને અન્ય નેતાઓને પોતાની તરફ કરી રહ્યો છે."

"જવાહર ચાવડાને કુંવરજી બાવળિયાની પેટર્ન પર જ ભાજપ પોતાના પક્ષમાં લઈ જઈ રહી છે. આમાં કૉંગ્રેસ પક્ષ તરફથી તેમને કોઈ તકલીફ ન હતી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો